સોનામાં ઐતિહાસિક વિક્રમી ભાવની હેટ્રિક જોવા મળી છે. સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવ સતત ત્રીજા દિવસ વધ્યા અને આ દરમિયાન ભાવ દરરોજ નવી ઐતિહાસિક ટોચે બનાવી રહ્યા છે. સ્થાનિક બજારમાં સોનાના ભાવ ઇતિહાસમાં પહેલીવાર 59,000 રૂપિયાની કુદાવી ગયા અને પ્રતિ 10 ગ્રામનો ભાવ 59,100 રૂપિયા થયો છે, જે સોનાનો અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે.
સોનું ઇતિહાસમાં પહેલીવાર 59,000ને પાર
અમદાવાદના ઝવેરી બજારમાં આજે 26 જાન્યુઆરી, 2023ના રોજ સોનાના ભાવ પહેલીવાર 59,000 રૂપિયાની સપાટી કુદાવીને નવી ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યા હતા. આજે સ્થાનિક ઝવેરી બજારમાં 99.9 શુ્દ્ધ સોનાનો ભાવ 200 રૂપિયા વધીને 59,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો, જે સોનાનો અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. ગઇકાલ બુધવારે સોનાનો ભાવ 58,900 રૂપિયા હતો. સોનું ચાલુ સપ્તાહે 600 રૂપિયા અને ચાલુ જાન્યુઆરી મહિનામાં 2500 રૂપિયા મોંઘુ થયુ છે. તો 99.5 શુદ્ધ સોનાનો ભાવ પણ પ્રતિ 10 ગ્રામ દીઠ 200 રૂપિયા વધીને 58900 રૂપિયા થયો હતો.
અલબત્ત, સ્થાનિક બજારમાં છેલ્લા ત્રણ દિવસથી ચાંદીના ભાવ 69,000 રૂપિયા પ્રતિ કિગ્રાની સપાટીએ સ્થિર છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે ભારતમાં 26 જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતમાં સોના-ચાંદીમાં વાયદા ટ્રેડિંગના પ્લેટફોર્મ એમસીએક્સ અને એનસીડીઇએક્સ બંધ રહ્યા હતા.

દિવાળી બાદથી જ વૈશ્વિક અને સ્થાનિક બજારમાં પીળી કિંમતી ધાતુ સોનાના ભાવ વધી રહ્યા છે. અલબત્ત વૈશ્વિક બજારની તુલનાએ ભારતમાં સોનાના ભાવ ઝડપથી વધ્યા છે.
આજે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં નરમાઇ જોવા મળી હતી. સપ્તાહની શરૂઆતમાં એપ્રિલ 2022 બાદ પહેલીવાર 1950 ડોલરની સપાટીને સ્પર્શ્યા બાદ વૈશ્વિક બજારમાં સોનું સતત ઘટી રહ્યુ છે અને ગુરુવારે 1935 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયુ હતું.
સોનું 62,000 રૂપિયા થવાની આગાહી
વૈશ્વિક બજારમાં સોનાના ભાવ તેની 2078 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની રેકોર્ડ સપાટીને કદાવી જવાની અપેક્ષા છે. કોટક સિક્યોરિટીઝના રવિન્દ્ર રાવના જણાવ્યા અનુસાર, સ્તાનિક બજારમાં સોનાના ભાવ 60,000 રૂપિયા અને ત્યારબાદ 62,000 રૂપિયા થવાની ધારણા છે. અલબત્ત, જો મોંઘવારીનો દરમાં ઘટાડો થાય અને અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વૃદ્ધિની ગતિ ધીમી પડે કે વિરામ લાગે તો ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં આ સોનું આ પ્રાઇસ ટાર્ગેટ સુધી પહોંચી શકે છે. વાંચો વર્ષ 2023માં સોના અને ચાંદીના ભાવ અંગેનો ખાસ રિપોર્ટ
સોનાના ભાવ વધવાના કારણ
- આર્થિક મંદીની દહેશત વચ્ચે સોનામાં સુરક્ષિત રોકાણલક્ષી માંગ વધી
- વધતી મોંઘવારી સામે સોનું ઉંચુ રિટર્ન આપવામાં સક્ષણ
- દુનિયાભરના શેરબજારોમાં ઘટાડો
- બિટકોઇન સહિતની ક્રિપ્ટોકરન્સીમાં પણ મંદીનો માહોલ
- ડોલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમં ધોવાણ
- દુનિયાભરની મધ્યસ્થ બેન્કો દ્વારા સોનાની સતત ખરીદી
- દિગ્ગજ રોકાણકારો અને ફંડ હાઉસોએ સોનામાં રોકાણ વધાર્યું