નવા વર્ષે પીળી કિંમતી ધાતુ સોનાનું ખરીદવા માટે વધારે રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવી પડશે. વર્ષ 2023ના પ્રથમ ત્રણ ટ્રેડિંગ દિવસ દરમિયાન સોનામાં તેજીની હેટ્રિક નોંધાઇ છે. આ સાથે માત્ર 3 જ દિવસમાં પ્રતિ 10 ગ્રામ દીઠ સોનાનું 1000 રૂપિયા મોંઘુ થયુ છે.
સોનું ત્રણ દિવસમાં 1000 રૂપિયા મોંઘુ થયુ
વૈશ્વિક અને સ્થાનિક બુલિયન બજારમાં સોનાના ભાવ સતત વધી રહ્યા છે. અમદાવાદના માણેકચોક સોના-ચાંદી બજારમાં 4 જાન્યુઆરી 2023ના રોજ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 400 રૂપિયા વધીને પ્રતિ 10 ગ્રામ દીઠ 57600 રૂપિયા થયો છે. જે છેલ્લા 28 મહિનાની સૌથી ઊંચી સપાટી છે. 31 ડિસેમ્બરના રોજ સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 56600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. આમ નવા વર્ષે માત્ર 3 દિવસમાં તેજીની ચાલમાં પ્રતિ 10 ગ્રામ સોનું 1000 રૂપિયા મોંઘુ થયું છે.
ઉલ્લેખનિ છે કે, કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન સોનાના ભાવમાં અનપેક્ષિત ઉછાળો આવ્યો હતો અને સ્થાનિક ઝવેરી બજારમાં 7 ઓગસ્ટ 2020ના રોજ સોનાની કિંમત 58000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઇ હતી. જે તેનો અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. ત્યારબાદ સોનાના ભાવ ઘટ્યા હતા અને નીચામાં 49000 રૂપિયા સુધી ગયા હતા.

દિવાળી બાદથી સોનું 5000 રૂપિયા મોંઘુ થયુ
દિવાળી બાદથી સોનાના ભાવ સતત વધી રહ્યા છે. દિવાળીના દિવસે સ્થાનિક બજારમાં 99.9 શુદ્ધ સોનાની કિંમત 52,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી જે સતત વધીને આજે 4 જાન્યુઆરી, 2023ના રોજ 57600 રૂપિયા થઇ છે. આમ દિવાળી બાદ સોનામાં પ્રતિ 10 ગ્રામ દીઠ 5000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે.
નવા વર્ષમાં ચાંદી 2500 રૂપિયા મોંઘી થઇ
આજે 4 જાન્યુઆરી 2023ના રોજ સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીના ભાવ સ્થિર રહ્યા હતા. આજે શુદ્ધ ચાંદીની કિંમત 69000 રૂપિયા પ્રતિ 1 કિગ્રા નોંધાઇ છે. આ સાથે કેલેન્ડર વર્ષ 2023માં અત્યાર સુધીમાં ચાંદી 2500 રૂપિયા મોંઘી થઇ છે. તો દિવાળી બાદથી અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં 11000 રૂપિયાની તેજી આવી છે. દિવાળીના દિવસે સ્થાનિક બજારમાં 1 કિગ્રા ચાંદીની કિંમત 58000 રૂપિયા હતી.
આ પણ વાંચોઃ વર્ષ 2023માં સોના ₹ 62,000 અને ચાંદી ₹ 80,000ની નવી ઉંચાઇએ પહોંચશે
ઉલ્લેખનિય છે કે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે ચાંદીની કિંમત 69000 રૂપિયા પ્રતિ 1 કિગ્રા નોંધાઇ છે, જે તેની સર્વોચ્ચ સપાટીથી માત્ર 4000 રૂપિયા નીચી છે. 7 ઓગસ્ટ 2020ના રોજ ચાંદીની કિંમત 73000 રૂપિયા પ્રતિ એક કિગ્રાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી.