વર્ષ 2023માં પણ સોના-ચાંદીમાં તેજી ચાલુ રહેવાની મજબૂત અપેક્ષાઓ વચ્ચે બંને કિંમતી ધાતુઓના ભાવ સતત વધી રહ્યા છે. 3 જાન્યુઆરી, 2023ના રોજ અમદાવાદના સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ દીઠ 600 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો. આ સાથે જ સોનું હવે તેની ઓગસ્ટ 2022માં બનેલી સર્વોચ્ચ સપાટીથી માત્ર 800 રૂપિયા જ દૂર છે. તો સોનાની પાછળ પાછળ ચાંદીમાં પણ ચમકારો જોવા મળ્યો છે. મંગળવારે ચાંદીની કિંમતમાં 1500 રૂપિયાનો ઝડપી ઉછાળો આવ્યો છે. જાણો સોના – ચાંદીના આજના ભાવ અને તેજી પાછળના કારણો
સોનું 28 મહિનાના ઉંચા સ્તરે
વૈશ્વિક બજારની તેજી પાછળ ભારતમાં પણ સોના-ચાંદીના ભાવ વધી રહ્યા છે. અમદાવાદ માણેકચોક સોના-ચાંદી બજારમાં 3 જાન્યુઆરી, 2023ના રોજ સોનાના ભાવ 600 રૂપિયા વધીને પ્રતિ 10 ગ્રામ દીઠ 57200 રૂપિયા થયા છે, જે છેલ્લા 28 મહિનાનો સૌથી ઉંચો ભાવ છે. 2 જાન્યુઆરીના રોજ સોનાની કિંમત 56600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.
ઓલટાઇમ હાઇથી સોનું હવે માત્ર 800 રૂપિયા દૂર
સોનાના ભાવ સતત વધી રહ્યા છે અને ગમે ત્યારે તેની કિંમત નવી ઉંચાઇએ પહોંચે તેવી શક્યતા છે. સ્થાનિક ઝવેરી બજારમાં 7 ઓગસ્ટ 2020ના રોજ સોનાની કિંમત 58000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી, જે તેનો અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. તો આજે 3 જાન્યુઆરી 2023ના રોજ અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 57200 રૂપિયા બોલાયો છે. આમ હાલ સોનાના ભાવ ઓગસ્ટ 2020માં બનેલી સર્વોચ્ચ સપાટીથી માત્ર 800 રૂપિયા ઓછા છે.

ચાંદીમાં 1500 રૂપિયાનો ઉછાળો
પીળી કિંમતી ધાતુ સોનાની પાછળ પાછળ ચાંદીમાં ચમકારો જોવા મળ્યો છે. અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીમાં 1500 રૂપિયાનો ઉછાળો આવ્યો અને 1 કિગ્રાની કિંમત 69000 રૂપિયા છે. તે ઓગસ્ટ 2020 પછીનો સૌથી ઉંચો ભાવ છે. 2 જાન્યુઆરી, 2023ના રોજ સ્થાનિક બજારમાં ચાંદીની કિંમત 67500 રૂપિયા હતી.
ચાંદી સર્વોચ્ચ સપાટીથી 4000 રૂપિયા દૂર
સ્થાનિક બજારમાં આજે ચાંદીની કિંમત 69000 રૂપિયા પ્રતિ 1 કિગ્રા નોંધાઇ છે, જે તેની સર્વોચ્ચ સપાટીથી માત્ર 4000 રૂપિયા નીચી છે. 7 ઓગસ્ટ 2020ના રોજ ચાંદીની કિંમત 73000 રૂપિયા પ્રતિ એક કિગ્રાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી.
દિવાળી બાદથી સોના- ચાંદીમાં સતત તેજી
વૈશ્વિક બુલિયન બજારની તેજી અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણને પગલે છેલ્લા કેટલાંક મહિનાથી ભારતીય બજારમાં સોના-ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. દિવાળીના દિવસે સ્થાનિક બજારમાં ચાંદીની કિંમત પ્રતિ એક કિગ્રા દીઠ 58,000 રૂપિયા અને 10 ગ્રામ સોનાની કિંમત 52,600 રૂપિયા હતી. તો 3 જાન્યુઆરી, 2023ના રોજ સ્થાનિક બજારમાં ચાંદી કિંમત અનુક્રમે 69,000 અને સોનાની કિંમત 57200 રૂપિયા છે. આમ દિવાળી બાદ ચાંદીમાં પ્રતિ 1 કિગ્રા દીઠ 11000 રૂપિયા અને સોનામાં પ્રતિ 10 ગ્રામ દીઠ 4600 રૂપિયાનો ઉછાળો આવ્યો છે.

વૈશ્વિક બજારમાં સોનાના ભાવ 6 માસની ટોચે
વૈશ્વિક બજારોમાં યુએસ ડૉલરની નબળાઈને કારણે સોનાના ભાવ છ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જેના કારણે રોકાણકારો માટે કિંમતી પીળી ધાતુ તરફ ફંટાયા હતા. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાની કિંમત 0.8 ટકા વધીને 1,838.69 ડોલર પ્રતિ ઔંસ અને હાજર ચાંદીની કિંમત 1.1 ટકા વધીને 24.25 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.
આ પણ વાંચોઃ વર્ષ 2023માં સોના ₹ 62,000 અને ચાંદી ₹ 80,000ની નવી ઉંચાઇએ પહોંચશે
સોના-ચાંદીમાં તેજી પાછળના કારણો
- કોવિડ-19ના નવા વેરિયન્ટના કારણે દુનિયાભરમાં ફરી મહામારી ફેલાવાની દહેશત
- મહામારીને પગલે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર મોંઘવારી અને મંદીના વાદળો
- દુનિયાભરની મધ્યસ્થ બેન્કો દ્વારા સોનાની ખરીદીમાં સતત વધારો
- વૈશ્વિક શેરબજારમાં એકંદરે નરમાઇના માહોલ વચ્ચે રોકાણકારો બુલિયન તરફ ફંટાયા
- બિટકોઇન સહિતની મોટાભાગની ક્રિપ્ટોકરન્સીમાં મસમોટું ધોવાણ
- ચાલુ મહિને યોજાનારી યુએસ ફેડરલ રિઝર્વને પોલિસી બેઠકમાં ફરી વ્યાજદર વધવાની અટકળો