સોનાના ભાવ આજે 9 જાન્યુઆરી, 2023ના રોજ ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યા છે. તો સોનાની પાછળ પાછળ ચાંદીમાં મોટો ઉછાળો છે. વૈશ્વિક બુલિયન બજારની તેજી અને નવી ખરીદી નીકળવાથી ભારતમાં હાજર અને વાયદા બંને બજારોમાં સોનાના ભાવ આજે સર્વોચ્ચ શિખરે પહોંચ્યા છે. આજે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 58,000 રૂપિયાની ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શ્યો છે. તો ચાંદીમાં 1000 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે.
સોનું 58,000ની ઐતિહાસિક ઉંચાઇએ
અમદાવાદના માણેકચોક સોના-ચાંદી બજારમાં સોમવાર, 9 જાન્યુઆરી 2023ના રોજ 99.9 શુદ્ધતાવાળા સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 500 વધીને 58,000 રૂપિયા છે. છેલ્લે 7 ઓગસ્ટ 2020માં સોનાના ભાવ 58,000 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. આ સાથે જ નવા કેલેન્ડર વર્ષ 2023માં સોનું 1400 રૂપિયા મોંઘુ થયું છે.

ચાંદી 1000 રૂપિયા મોંઘી થઇ
સોનાની સાથે સાથે ચાંદી પણ મોંઘી થઇ રહી છે. સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીમાં 1000 રૂપિયાનો ઉછાળો આવ્યો અને એક કિગ્રાનો ભાવ 69,000 રૂપિયા થયો છે. આ સાથે વર્ષ 2023માં ચાંદી 2500 રૂપિયા મોંઘી થઇ છે.
વાયદા બજારમાં પણ તેજીનો માહોલ
વાયદા બજારમાં પણ સોનાના ભાવ રેકોર્ડ હાઇ લેવલની એકદમ નજીક પહોંચી ગયા છે. સોમવારે મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) ખાતે સોનાના ભાવે 0.6 ટકા વધીને ₹56,175 પ્રતિ 10 ગ્રામના ઉંચા સ્તરે પહોંચ્યા હતા, જે ઓગસ્ટ 2020ના રોજ બનેલી ₹56,200ની ઐતિહાસિક ઉંચી સપાટીની લગોલગ ભાવ છે. તો ચાંદીના વાયદાના ભાવ પણ 0.4 ટકા વધીને ₹69415 પ્રતિ કિલો પર પહોંચી ગયા છે.
વૈશ્વિક બજારમાં સોનું 8 મહિનાની ટોચે
વૈશ્વિક બજારની વાત કરીયે તો સોનાના ભાવ આઠ મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યા છે. આજે વૈશ્વિક બજારમાં સોનું 1,873.72 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયુ હતુ, જે આઠ મહિનાનો સૌથી ઉંચો ભાવ છે. યુએસ ડૉલરમાં નરમાઇન પગલે કિંમતી ધાતુઓને ટેકો મળ્યો છે. ઉપરાંત વિશ્વના સૌથી મોટા સોનાનો વપરાશકાર ચીને લોકડાઉનના નિયમો હળવા કરવાની સાથે તેની સરહદો ફરીથી ખોલતા સોના-ચાંદીના ભાવને મોટો સપોર્ટ મળ્યો છે. તો વૈશ્વિક બજારમાં ચાંદીનો ભાવ આજે 0.5 ટકા વધીને 23.94 ડોલર પ્રતિ ઔંસ બોલાયો છે.
આ પણ વાંચોઃ વર્ષ 2023માં સોના ₹ 62,000 અને ચાંદી ₹ 80,000ની નવી ઉંચાઇએ પહોંચશે
માર્કેટ એક્સપર્ટ્સનું શું કહેવુ છે
માર્કેટ એક્સપર્ટ્સનું કહેવુ છે કે, તાજેતરમાં યુએસ ફેડરલ રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરમાં ઓછો વધારો થવાની આશાને પગલે સોનાને હૂંફ મળી છે. જો આગામી સમયમાં યુએસ ફેડ વ્યાજદરમાં ઓછો વધારો કરે, ડોલર ઇન્ડેક્સ અને યુએસ બોન્ડની યીલ્ડમાં ઘટાડો થાય તેમજ કોરોના સંક્રમણના કેસો વધે તો સોનાના ભાવમાં વધુ તેજી જોવા મળશે.