ગુજરાત સરકારે તેની માલિકીની શેર બજારમાં લિસ્ટેડ સ્ટેટ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (PSU) માટે મિનિમમ ડિવિડન્ડ અને બોનસ શેર, બાયબેક અને શેર વિભાજન સંબંધિત નવા નીતિનિયમોની ઘોષણા કરી છે. ગુજરાત સરકારની માલિકીની આ લિસ્ટેડ કંપનીઓને ફરજિયાત આ નિયમોનું પાલન કરવાનો આદેશ કરાયો છે. આ નિયમ કંપનીના શેરધારકોની સાથે સાથે રાજ્ય સરકારને પણ કમાણી થશે. ઉપરાંત કંપની પ્રત્યે નાના રોકણકારોનો વિશ્વાસ વધશે.
લિસ્ટેડ સ્ટેટ PSU માટે નવી ડિવિડન્ડ પોલિસી
તાજેતરમાં જારી કરવામાં આવેલા એક સરકારી ઠરાવમાં, રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, “દરેક સ્ટેટ PSU કરવેરા પછીના નફાના 30 ટકા અથવા નેટવર્થના 5 ટકા – બંનેમાંથી જે સૌથી વધુ હોય તેટલું મિનિમમ ડિવિડન્ડ દર વર્ષે ચૂકવવું પડશે. જેને હાલની કાનૂની જોગવાઈઓ હેઠળ મંજૂરી આપવામાં આવી છે.
રાજ્ય સરકારની આ નવી નીતિ કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસો (CPSEs) દ્વારા અનુસરવામાં આવતા ડિવિડન્ડના ધોરણોને અનુરૂપ છે.
ગુજરાતની સ્ટેટ PSU ડિવિડન્ડ ચૂકવવામાં પાછળ
છેલ્લા ચાર વર્ષ FY18 થી FY22 દરમિયાન ગુજરાતમાં સ્ટેટ પીએસયુ દ્વારા ડિવિડન્ડની ચૂકવણીનું વિશ્લેષણ દર્શાવે છે કે, કેટલાક કિસ્સાને અપવાદ રૂપ ગણતા મોટાભાગની કંપનીઓએ શેરધારકોને તેમના વાર્ષિક ચોખ્ખા નફાના 30 ટકાથી ઓછા ડિવિડન્ડની ફાળવણી કરી હતી. અલબત્ત ઘણી કંપનીઓ દ્વારા નાણાંકીય વર્ષ 2022-23ના વાર્ષિક પરિણામો જાહેર કરવાનું હજી બાકી છે.
નાણાંકીય વર્ષ 2020ને બાદ કરતા ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC)નો ડિવિડન્ડ પેઆઉટ રેશિયો 23 ટકાથી નીચો હતો, તે વર્ષે કંપનીનો ડિવિડન્ડ પેઆઉટ રેશિયો 48.44 ટકા હતો.
તેવી જ રીતે સમીક્ષાધીન હેઠળના સમયગાળામાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC)નું ડિવિડન્ડ પેઆઉટ નાણાંકીય વર્ષ 2019માં 45.82 ટકા હતું જ્યારે બાકીના નાણાકીય વર્ષમાં તે 35 ટકાથી નીચે હતો.
ગુજરાત સરકારની માલિકીના અન્ય જાહેર સાહસોની વાત કરીયે તો ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ (GIPCL) અને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC) દ્વારા ડિવિડન્ડની ચૂકવણી આ સમયગાળામાં 9-24 ટકાની વચ્ચે હતી. આ સરકારી કંપનીનું ડિવિડન્ડ પેમેન્ટ અન્ય CPSE કરતાં અત્યંત ઓછું છે. જ્યારે આંકડા દર્શાવે છે કે CPSEએ દર વર્ષે 30 ટકાથી વધારે ડિવિડન્ડ ચૂકવ્યુ છે અને અમુક કિસ્સાઓમાં તો આ પેઆઉટ 75 ટકા સુધી પહોંચી જાય છે.
શેર બાયબેક માટે પણ નવા નિયમો
ગુજરાત સરકારે રાજ્યની માલિકીના જાહેર સાહેસ માટે ડિવિડન્ડની સાથે સાથે શેર બાયબેક માટે પણ નવા નીતિનિયમો ઘડ્યા છે. નવા નિયમ મુજબ મિનિમમ 2000 કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવતા પ્રત્યેક સ્ટેટ પીએસયુ અને 1000 કરોડ રૂપિયાની રોકડ અને બેલેન્સ ધરાવતી કંપનીઓ માટે પોતાના શેર બાયબેક કરવાના વિકલ્પનો ફરજિયાત ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.
બોનસ શેર માટે રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે જે પીએસયુ તેની પેઈડ અપ શેર કેપિટલના 10 ગણા સુધી અથવા તેનાથી વધારે રિઝર્વ અને સરપ્લસ ધરાવતી હોય તેમણે શેરહોલ્ડરોને બોનસ શેર ઈશ્યૂ કરવા પડશે.
બોનસ શેર માટે નવા નિયમો
સ્ટેટ પીએસયુ માટે પણ બોનસ શેર ઇશ્યૂ કરવા સંબંધિત નવા નિયમ જાહેર કર્યા છે. નવા નિયમમાં કહેવામાં આવ્યું છે કે, સ્ટેટ પીએસયુની રિઝર્વ અને સરપ્લસને તેની પેઇડ અપ ઇક્વિટી શેર મૂડીના 10 ગણા કે તેનાથી વધારે છે તેમણે શેરધારકોને બોનસ શેર ઇશ્યૂ કરવા પડશે.
ફરજિયાત શેર વિભાજન કરવું પડશે
ગુજરાત સરકારે રાજ્યની માલિકીના જાહેર સાહસો માટે તેમના શેરનું વિભાજન પણ ફરજિયાત બનાવ્યું છે. નવા નિયમ અનુસાર જે સ્ટેટ પીએસયુના શેરની બજાર કિંમત અથવા બુક વેલ્યુ તેના મૂલ્યના 50 ગણા કરતાં વધી જાય તેમણે ફરજિયાત શેર વિભાજન કરવું પડશે. જો કે તેની માટે કંપનીના શેરની હાલની ફેસ વેલ્યુ 1 રૂપિયા વધારે કરતાં વધારે હોવી જોઇએ.
આ બાબતે માહિતી આપતા કોટક મ્યુચ્યુઅલ ફંડ ગ્રૂપના પ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહે જણાવ્યું હતું કે ગુજરાત સરકારની આ નવી નીતિઓ લઘુમતી શેરધારકો માટે સ્પષ્ટતા લાવશે અને ગવર્નન્સ મામલે સુધારો લાવવામાં પણ મદદ કરશે. તેમણે એવું પણ સૂચન કર્યું કે અન્ય સરકારી અને ખાનગી કંપનીઓએ આ નીતિઓનું અનુકરણ કરવું જોઈએ.
Disclaimer: આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો