મોટાભાગના વ્યક્તિઓ જેઓ ઇન્કમ ટેક્સ ચૂકવે છે તેઓ કલમ 80C હેઠળ ઉપલબ્ધ કરકપાત એટલે કે કર મુક્તિથી વાકેફ છે અને તેઓ તેનો ફાયદો ઉઠાવતા હોય છે. ઇન્કમ ટેક્સ એક્ટ (Income tax Act, 1961)ની આ કલમમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ ડિડક્શનનો લાભ મળે છે. પરંતુ આવકવેરા કાયદામાં એવી ઘણી જોગવાઈઓ છે, જે તમને 80Cની લિમિટ પૂરી થયા બાદ પણ ટેક્સ બચાવવામાં મદદ કરી શકે છે. આવી જ એક જોગવાઈ સેક્શન 80Dની છે. તમે આ સેક્શન મારફતે મેડિકલ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ પર અલગ કરમુક્તિનો ફાયદો ઉઠાવી શકો છો. આ કરકપાતનો સંપૂર્ણ લાભ લેવા માટે તમારી પાસે તેની સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે.
માત્ર જૂની ટેક્સ સિસ્ટમમાં જ મળશે લાભ
તમે ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80Cની મર્યાદા પૂરી થયા પછી પણ તમે કલમ 80D હેઠળ કર કપાત મેળવવા માંગો છો. પરંતુ આ માટે તમારે જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરવી પડશે. નવી ટેક્સ સિસ્ટમમાં આ સેક્શનનો ફાયદો મળતો નથી.
કલમ-80D હેઠળ વધુમાં વધુ કેટલી કરમુક્તિ મળે છે?
કલમ- 80D હેઠળ નાણાકીય વર્ષ દરમિયાન હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસીના પ્રીમિયમ માટે ચૂકવેલી રકમ પર ઇન્કમ ટેક્સ ડિડક્શનનો લાભ મળે છે. કરદાતાને આ લાભ તેની પોતાની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીના પ્રીમિયમ પર જ નહીં, પરંતુ તેની પત્ની અને બાળકોના હેલ્થ પોલિસી માટે ચૂકવવામાં આવેલા પ્રીમિયમ પર પણ મળે છે. ઉપરાંત જો તમે તમારા માતાપિતાની પણ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લીધી છે તો તેના પ્રીમિયમ પર કરમુક્તિનો લાભ મેળવી શકાય છે. તેની માટે તમે માત્ર 80D હેઠળ અલગ ટેક્સ એક્ઝમ્પશનનો ક્લેઇમ કરી શકો છો.
ઉંમર પ્રમાણે મળશે કરકપાતનો લાભ
કલમ 80D હેઠળ તમે કેટલા કરકપાતનો દાવો કરી શકો છો તે તમે જે વ્યક્તિની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી માટે પ્રીમિયમ ચૂકવ્યુ છે તેની ઉંમર પર આધાર રાખે છે. જો 60 વર્ષથી ઓછી ઉંમરના કરદાતાઓ પોતાના કે તેમના જીવનસાથી અને બાળકોની હેલ્થ પોલિસી માટે પ્રીમિયમ ચૂકવે છે, તો 80D હેઠળ તેઓ વર્ષમાં 25,000 રૂપિયાની મહત્તમ કરકપાતનો દાવો કરી શકે છે.
60 વર્ષથી ઓછી ઉંમરના માતાપિતાની હેલ્થ પોલિસીના પ્રીમિયમ પર તમે 25,000 રૂપિયાથી વધારે કરકપાત મેળવી શકાય છે. એટલે કે, જો કરદાતા, જીવનસાથી અને માતા-પિતા બધા 60 વર્ષથી ઓછી ઉંમરના હોય, તો 80D હેઠળ વર્ષમાં મહત્તમ 50,000 રૂપિયા સુધીની કરકપાતનો દાવો કરી શકાય છે.
આવી રીતે તમને એક વર્ષમાં 1 લાખની કપાતનો લાભ મળશે
સિનિયર સિટીઝન માટે એટલે કે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે 80D હેઠળ કરકપાતની મર્યાદા 25 હજારને બદલે 50 હજાર થઈ જાય છે. એટલે કે, જો કરદાતાની ઉંમર 60 વર્ષથી વધુ હોય અને તે તેના સુપર સિનિયર સિટીઝન માતા-પિતાની હેલ્થ પોલિસીનું પ્રીમિયમ ચૂકવે છે, તો તે 50,000 + 50,000 રૂપિયા સુધીની કપાત એટલે કે એક વર્ષમાં કુલ 1 લાખ રૂપિયા સુધીની કરમુક્તિનો ફાયદો ઉઠાવી શકે છે. તે પણ 80C હેઠળ ઉપલબ્ધ 1.5 લાખ રૂપિયાના ટેક્સ ડિડક્શન ઉપરાંત. છે ને ફાયદાની વાત.
પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપનો ખર્ચ પણ કપાતમાં સામેલ
હેલ્થ પોલિસી પ્રીમિયમની સાથે કપાતને પ્રત્યેક વર્ષ મહત્તમ 5 હજાર રૂપિયા સુધીના પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપનો ખર્ચ પણ 80Dમાં પણ સામેલ કરવામાં આવ્યો છે.
સિનિયર સિટીઝનના મેડિકલ બિલ પર કપાત
જો વરિષ્ઠ નાગરિક કરદાતા અથવા કરદાતાના વરિષ્ઠ નાગરિક માતા-પિતા પાસે કોઈ હેલ્થ પોલિસી ન હોય, તો તેઓ કલમ 80D હેઠળ મેડિકલ સારવારના બિલથી પણ કરકપાતનો ફાયદો મેળવી શકે છે. આ જોગવાઇ ઇન્કમ ટેક્સ એક્ટમાં નાણાકીય વર્ષ 2018-19માં કરાયેલા સંશોધન મારફતે ઉમેરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ટેક્સ સેવિંગ ટિપ્સ: નવા વર્ષે ઉંચો ટેક્સ ચૂકવવાથી બચવાની 5 સરળ રીતો
પ્રીમિયમનું ડિજિટલ/ઈલેક્ટ્રોનિક પેમેન્ટ જરૂરી
જો તમે કલમ 80D હેઠળ કરકપાતનો દાવો કરવા માંગો છો, તો એક વાત યાદ રાખો. આ સેક્શન હેઠળ કરકપાતનો દાવો કરવા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીના પ્રીમિયમનું પેમેન્ટ ચેક કે ડિજિટલ મોડથી કરેલું હોવું જરૂરી છે. જો આ પ્રીમિયમ રોકડમાં ચૂકવાયું હોય તો કરકપાતનો લાભ મેળવી શકાશે નહીં. અલબત્ત, પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપનું પેમેન્ટ રોકડમાં કરાયું હોય તો કરકપાતનો લાભ મેળવી શકાય છે.