સામાન્ય વ્યક્તિઓની સાથે સાથે વિવિધ દેશોની મધ્યસ્થ બેંકો પણ સોનાની ખરીદી કરે છે. દુનિયાભરની મધ્યસ્થ બેંકોએ તેમના ફોરેન એક્સચેન્જ રિઝર્વનો અમુક હિસ્સો સોનાના સ્વરૂપમાં રાખવો પડે છે. ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ કોરોના કાળથી સતત સોનાની ખરીદ કરી રહી છે. RBIએ જાન્યુઆરીથી માર્ચ 2023 દરમિયાન વધુ 7 ટન સોનું ખરીદ્યુ છે.
RBI પાસે કેટલું સોનું છે?
રિઝર્વ બેંક છેલ્લા પાંચ વર્ષથી સતત સોનાની ખરીદી કરી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા અનુસાર ભારતની રિઝર્વ બેંકે વર્ષ 2023ના માર્ચ ક્વાર્ટરમાં 7 ટન સોનું ખરીદ્યું છે આ સાથે RBI પાસે સોનાનું કુલ ભંડાર 796 ટન થયો છે. RBI ઉપરાંત સિંગાપોર, ચીન, તુર્કી અને રશિયાની મધ્યસ્થ બેંકોએ સોનાની ખરીદી કરી છે.
વિતેલ નાણાંકીય વર્ષમાં કુલ 35 ટન સોનું ખરીદયું
મીડિયા રિપોર્ટ અનુસાર રિઝર્વ બેંકે એપ્રિલથી ડિસેમ્બર 2022 દરમિયાન 27 ટન સોનું ખરીદ્યું હતુ. ત્યારબાદ વર્ષ 2023ના માર્ચ ક્વાર્ટર દરમિયાન વધુ 7 ટન સોનાની ખરીદી કરી છે. આ સાથે જ રિઝર્વ બેંકનું ગોલ્ડ રિઝર્વ 800 ટનથી ઓછું 796 ટન થયું છે. આ સાથે સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ ધરાવતી દુનિયાભરની મધ્યસ્થ બેંકોની યાદીમાં ભારતીય રિઝર્વ બેંક નવમાં ક્રમે છે.
દુનિયાભરની દેશોએ કેટલું સોનું ખરીદયું
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા અનુસાર દુનિયાભરની મધ્યસ્થ બેંકોએ માર્ચ ક્વાર્ટર દરમિયાન કુલ 228 ટન સોનું ખરીદ્યું છે જે વાર્ષિક તુલનાએ 176 ટકા વધારે ખરીદી દર્શાવે છે, તેમ છતાં તે અગાઉના બે ક્વાર્ટરમાં સૌથી ઓછુ છે. વર્ષ 2022ના માર્ચ ક્વાર્ટરમાં સમગ્ર વિશ્વની મધ્યસ્થ બેંકોએ કુલ 82.7 ટન સોનું ખરીદ્યું હતું. ચીને માર્ચ ક્વાર્ટરમાં 58 ટન સોનાની ખરીદી કરી છે અને આ સાથે તેનું સુવર્ણ ભંડાર વધીને 2,068 ટને પહોંચી ગયું છે. માર્ચ ક્વાર્ટરમાં સૌથી વધુ 79 ટન સોનાની ખરીદી સિંગાપોરની મધ્યસ્થ બેંકે કરી છે. આમ માર્ચ ક્વાર્ટર દરમિયાન સૌથી વધુ સોનું ખરીદનાર મધ્યસ્થ બેંકોની યાદીમાં ભારત ચોથા ક્રમે છે.
આ પણ વાંચોઃ ભારતીયોએ માર્ચ ક્વાર્ટરમાં ₹56,220 કરોડનું 112 ટન સોનું ખરીદ્યુ, જે 6 વર્ષમાં સૌથી ઓછું
કઇ-કઇ દેશોની મધ્યસ્થ બેંકોએ સોનું વેચ્યું
તો બીજી બાજુ અમુક દેશોની મધ્યસ્થ બેંકોએ સોનું વેચ્યું પણ છે. માર્ચ ક્વાર્ટરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઉઝબેકિસ્તાને 15 ટન, બેંક ઓફ કઝાકિસ્તાને 20 ટન સોનું વેચ્યું છે. તો રશિયાએ 6 ટન, કમ્બોડિયાની મધ્યસ્થ બેંકે 10 ટન, યુએઇએ 1 ટન અને તઝાકિસ્તાનની મધ્યસ્થ બેંકે 1 ટન સોનાનું વેચાણ કર્યું છે.