ભારત અને ચીન વચ્ચેની સરહદ પર હાલ તણાવનો માહોલ સર્જાયો છે જો કે બંને પડોશી દેશો વચ્ચેના વેપાર સંબંધો હજુ પણ અકબંધ છે. આનું સૌથી મોટું ઉદાહરણ છે ભારતીય સ્માર્ટફોન માર્કેટ પર ચીની કંપનીઓનું વર્ચસ્વ. ભારત સરકાર દ્વારા સતત મોનેટરિંગ, સ્થાનિક સ્તરે મોબાઇલ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન અને આર્થિક પ્રતિબંધો વચ્ચે પણ Xiaomi, Vivo અને Oppo જેવી ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીઓનું ભારતના મોબાઇલ માર્કેટ પર આધિપત્ય છે અને તે દેશની ટોપ-5 સ્માર્ટફોન બ્રાન્ડ્સમાં પણ સામેલ છે. નોધનિય છે કે, વર્ષ 2020માં ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યા બાદ સરકારે TikTok, Hello જેવી ઘણી લોકપ્રિય મોબાઇલ એપ અને વેબસાઇટો પર પ્રતિબંધ મૂક્યો હતો.
ભારતના 67 ટકા સ્માર્ટફોન માર્કેટ પર ચીનનો કબજો
પહેલાથી જ ભારતના સ્માર્ટફોન માર્કેટ પર ચીની કંપનીઓનો કબજો રહ્યો છે. હાલ ચીની કંપનીઓ ભારતના સ્માર્ટફોન માર્કેટમાં 62 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે લાવા જેવી ભારતીય કંપનીઓનો બજાર હિસ્સો 1 ટકાથી ઓછો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, માઇક્રોમેક્સ, કાર્બન, સ્પાઇસ અને લાવા જેવી ભારતીય બ્રાન્ડ્સે બજારમાં તેમની પકડ ગુમાવી દીધી છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2014 માં, Oppo, Vivo અને OnePlus અને 2018 માં Realme એ ભારતીય બજારમાં પ્રવેશ કર્યો હતો.
તો વર્ષ 2020માં અન્ય ચાઇનીઝ કંપની iQOO એ ભારતમાં પણ પોતાનો સ્માર્ટફોન લોન્ચ કર્યા હતો. હાલ ચાઇનીઝ સ્માર્ટફોન કંપની નિર્માતા શાયોમી (Xiaomi) એ ભારતના સ્માર્ટફોન માર્કેટ પર કબજો જમાવી રાખ્યો છે. હાલ ભારતમાં વેચાતા ટોપ-5 સ્માર્ટફોનમાં Xiaomi, Oppo, Vivo જેવી ચાઇનીઝ કંપનીઓનું નામ છે.

જ્યારે એસેસરીઝ માર્કેટમાં ‘ઉલટી ગંગા’
સ્માર્ટફોન માર્કેટમાં ભલે ચાઇનીઝ કંપનીઓએ વર્ચસ્વ જમાવી રાખ્યો હોય પરંતુ વેરિયેબલ સેગમેન્ટમાં ભારતીય કંપનીઓ આગળ છે. મોબાઇલ એસેસરીઝ અને વેરિયેબલ માર્કેટમાં ભારતીય કંપનીઓએ ચાઈનીઝ કંપનીઓને માત આપીને કબજે કરી લીધી છે. ભારતીય કંપનીઓ રૂ. 60,000 કરોડના એક્સેસરીઝ માર્કેટમાં ઈજારો ધરાવે છે – જેમાં વેરિયેબલ (જેમ કે સ્માર્ટ ઘડિયાળ, ફિટનેસ બેન્ડ) અને હિયરેબલ (હેડફોન, ઇયરબડ, ઇયરફોન, નેકબેન્ડ) અને પાવર એસેસરીઝનો સમાવેશ થાય છે.
આગામી સમયમાં આર્થિક મંદી આવવાની આશંકા વચ્ચે સ્માર્ટફોન કંપનીઓ તેમના ઉત્પાદનમાં ઘટાડો કરી રહી છે, ત્યારે ભારતની વેરિયેબલ પ્રોડક્ટ બનાવતી કંપનીઓ વૃદ્ધિની અપેક્ષાએ તેમના વિસ્તરણ અને ઉત્પાદન યોજનાઓ બમણી કરી રહી છે. આ બેન્ડ્સને કસ્ટમર અપગ્રેડને કારણે વેચાણ વધવાની ધારણા છે.
આ પણ વાંચોઃ ભારત કેવી રીતે બનશે આત્મનિર્ભર, સરહદ વિવાદ વચ્ચે પણ ચીનમાંથી સતત વધી રહી છે આયાત
ભારતમાં ટોપ-5 વેરિયેબલ બ્રાન્ડ્સમાં ત્રણ કંપનીઓ ભારતીય છે. જેમાં ઇમેજિન માર્કેટિંગ (BoAt) 32 ટકા બજારહિસ્સો ધરાવે છે, Nexxbase (Noise) 14 ટકા અને Fire-Bolt 9 ટકા બજારહિસ્સો ધરાવે છે. એટલે કે લગભગ 55 ટકા બજાર હિસ્સો ભારતીય કંપનીઓ પાસે છે. અને હરીફ ચીની કંપનીઓમાં 8 ટકા સાથે OnePlus અને 4 ટકા હિસ્સા સાથે Realme વેરિયેબલ માર્કેટની ટોપ-5 યાદીમાં સામેલ છે.