scorecardresearch

ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર ક્યારથી 20% TCS કપાશે, કેવી રીતે રિફંડ મળશે? જાણો LRS નિયમ સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ

Credit cards 20 TCS refunds : નાણાં મંત્રાલયે વિદેશમાં ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર 20 ટકા ટીસીએસ (ટેક્સ કલેક્શન એટ સોર્સ) વસૂલવાની ઘોષણા કરી છે.

credit card
ઇન્ટનેશનલ ક્રેડિટ કાર્ડના પેમેન્ટ પર 20 ટકા TCS 1 જુલાઇ, 2023થી વસૂલવામાં આવશે.

ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ્સ પર ભારે TCS (ટેક્સ કલેક્શન એટ સોર્સ) લાદવાનો નિર્ણય છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે. આ દરમિયાન સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે આ નવો નિયમ ફક્ત 7 લાખ રૂપિયા સુધીના ખર્ચ પર જ લાગુ થશે. નાણા મંત્રાલયે આ નિર્ણયને લાગુ કરવા માટે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના નિયમોમાં પણ જરૂરી ફેરફારો કર્યા છે. પરંતુ હજુ પણ આ બાબતને લઈને લોકોના મનમાં અનેક સવાલો છે. જાણો આવા જ કેટલાક પ્રશ્નોના જવાબઃ

20% TCS નો અર્થ શું છે?

સૌ પ્રથમ ચાલો જાણીએ કે “20% TCS” નો અર્થ શું છે જેની ખૂબ ચર્ચા થઈ રહી છે? હકીકતમાં, નિયમોમાં ફેરફાર કરીને સરકારે હવે ભારતીય રિઝર્વ બેંક (RBI) ની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશી ચલણમાં કરવામાં આવતા ખર્ચને આવરી લેવામાં આવ્યા છે. આનો અર્થ એ થયો કે હવે ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશી કરન્સીમાં કરવામાં આવેલા પેમેન્ટ્સ પર TCSની ચૂકવણી કરવી પડશે. 30 જૂન, 2023 સુધી, TCS 5 ટકાના દરે વસૂલવામાં આવશે, પરંતુ 1 જુલાઈથી, તે વધીને 20 ટકા થઈ જશે. અહીં TCS એટલે ટેક્સ કલેક્શન એટ સોર્સ. આ TCS વેચાણના સ્થળે વેચાણકર્તા દ્વારા એકત્રિત કરવામાં આવશે. આના કારણે વિદેશમાં ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરનારાઓએ 20 ટકા વધુ રકમ ચૂકવવી પડશે. જો કે, આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરતી વખતે આ રકમનું રિફંડ અથવા ટેક્સ ક્રેડિટ પાછળથી મેળવી શકાય છે.

7 લાખ રૂપિયાની લિમિટ શું છે?

ભારત સરકારે ઈન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડને LRSમાં આવરી લીધા બાદ એક સ્પષ્ટિકરણ જાહેર કર્યુ છે. શુક્રવારે જારી કરાયેલા આ સ્પષ્ટીકરણ મુજબ, જો ઇન્ટરનેશનલ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન વિદેશી ચલણમાં વ્યક્તિનો કુલ ખર્ચ 7 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછો હોય, તો તેને LRSમાંથી મુક્તિ આપવામાં આવશે. એટલે કે તેણે TCS ચૂકવવાની જરૂર નથી.

TCSનું રિફંડ કેવી રીતે મળશે?

TCS તરીકે એકત્રિત કરેલી રકમ તમારા આવકવેરા સાથે જોડાયેલા ખાતામાં ફોર્મ 26ASમાં ક્રેડિટ તરીકે જોવા મળશે. તમે તમારી કર જવાબદારી સામે આ રકમ સરભર કરી શકો છો અથવા જો કોઈ કર જવાબદારી ઊભી ન થાય તો તમારા રિફંડનો દાવો કરી શકો છો.

ચાલો આ સમગ્ર પ્રક્રિયાને ઉદાહરણની મદદથી સમજીએ. સુદર્શનની ક્રેડિટ કાર્ડ લિમિટ 5 લાખ રૂપિયા છે. તે વિદેશ પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા જાય છે. આ પ્રવાસ દરમિયાન તે તેના ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ મારફતે કુલ 3 લાખનું પેમેન્ટ કરે છે. 3 લાખ રૂપિયાની આ રકમ પર તેણે 20%ના દરે 60,000 રૂપિયાની TCS ચૂકવવી પડશે. એટલે કે તેના ક્રેડિટ કાર્ડનું બિલ 3,60,000 રૂપિયા હશે. આ ઉપરાંત, બેંક તેની પાસેથી ફોરેક્સ માર્ક-અપ અને GST સહિત અન્ય ચાર્જ પણ વસૂલ કરી શકે છે. બેંક સુદર્શન પાસેથી એકત્રિત કરાયેલા રૂ. 60,000ના TCSને તેના PAN નંબર સાથે જોડાયેલા તેના આવકવેરા ખાતામાં જમા કરશે, જે તેના 26ASમાં દેખાશે. સુદર્શન તેની આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે ટેક્સ ક્રેડિટ અથવા આ રકમના રિફંડનો દાવો કરી શકે છે. પરંતુ TCS ચૂકવવામાં આવે ત્યારથી રિફંડ ન મળે ત્યાં સુધી તેના રૂ. 60,000 અટકી જશે.

આ પણ વાંચોઃ દેશની બહાર ક્રેડિટ કાર્ડ થકી કરાયેલા ખર્ચ પર 20 ટકા TCS ટેક્સ લાગશે, વિદેશ પ્રવાસ મોંઘો થશે

રિટર્ન ફાઇલ ન કરનારને કેવી રીતે રિફંડ મળશે?

હવે અહીંયા એક સવાલ એવો પણ ઊભો થઈ રહ્યો છે કે જે લોકો રિટર્ન ફાઈલ કરતા નથી, ઉદાહરણ તરીકે, 75 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો, જેમને ઈન્કમ ટેક્સ રિટર્ન ન ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે, તેઓને 20% TCSનું રિફંડ કેવી રીતે મળશે? અત્યારે તો આ સવાલનો જવાબ એ છે કે આવા લોકો માટે અલગથી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. રિફંડ મેળવવા માટે તેમને આવકવેરા રિટર્ન ફાઇલ કરવાનું રહેશે. પેન્શન અને વ્યાજમાંથી ખર્ચ ચલાવતા વૃદ્ધો માટે મુશ્કેલીનો વિષય બની શકે છે કે જ્યાં સુધી રિફંડ ન મળે ત્યાં સુધી તેમને 20% TCS તરીકે કાપવામાં આવેલી રકમ પર વ્યાજ નહીં મળે.

Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.

Web Title: International credit cards payments 20 tcs refunds lrs rules

Best of Express