kantar survey report : દર 4માંથી 1 ભારતીયને નોકરી ગુમાવવાનો ડર, 75 ટકા વસ્તી મોંઘવારીથી પરેશાન

kantar survey report: મહામારી બાદ હવે મોંઘવારી (Inflation) અને મંદીની (recession) દહેશત વચ્ચે દુનિયામાં દિગ્ગજ આઇટી કંપનીઓ દ્વારા જંગી પ્રમાણમાં કર્મચારીઓની છટણી (layoff) કરવામાં આવી રહી છે ત્યારે ભારતીયોને (Indians) પણ મોંઘવારી વચ્ચે સતાવી રહ્યો છે નોકરી ગુમાવવાનો (Job losses) ડર

Written by Ajay Saroya
Updated : January 25, 2023 23:46 IST
kantar survey report : દર 4માંથી 1 ભારતીયને નોકરી ગુમાવવાનો ડર, 75 ટકા વસ્તી મોંઘવારીથી પરેશાન

મહામારી, મોંઘવારી બાદ હવે મંદીની દહેશત વચ્ચે દુનિયામાં દિગ્ગજ આઇટી કંપનીઓ દ્વારા જંગી પ્રમાણમાં કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે. માર્કેટિંગ અને ડેટા એનાલિટિક્સ કંપની કેન્ટાર એ એક સર્વે કર્યો છે, જેમાં કેટલાંક સ્ફોટક તારણો સામે આવ્યા છે. આ સર્વેના તારણ અનુસાર દર ચારથી એક ભારતીયને નોકરી ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે, તો 75 ટકા ભારતીયો બેફામ રીતે વધી રહેલી મોંઘવારીથી પરેશાન છે. જોકે, મેક્રો ઈકોનોમિક સ્તરે મોટાભાગના ભારતીયોની માનસિકતા હજી પણ આશાવાદી છે.

કેન્ટારના સર્વેના તારણો અનુસાર, 50 ટકા ભારતીયો માને છે કે વર્ષ 2023માં દેશની અર્થવ્યવસ્થા વૃદ્ધિ પામશે, જ્યારે 31 ટકા ઉત્તરદાતાઓનું માનવું છે કે દેશનો જીડીપી ગ્રોથ ધીમો પડશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાના શહેરોના લોકો મેટ્રો સિટીના લોકો કરતા વધારે સકારાત્મક છે. કેન્ટારના એક્ઝિક્યુટિવ મેનેજિંગ ડિરેક્ટર (દક્ષિણ એશિયા – ઈનસાઈટ ડિવિઝન) દીપેન્દ્ર રાણાએ જણાવ્યું હતું કે, “ભારતીય 2023માં દેશના મેક્રો ઈકોનોમિક પરફોર્મન્સ વિશે વ્યાપકપણે સકારાત્મક છે અને તેઓ ભારતના વિકાસમાં વિશ્વાસ ધરાવે છે.”

સરકાર પાસેથી લોકોની શું અપેક્ષાઓ છે

‘ભારતના યુનિયન બજેટ સર્વે’ની બીજી એડિશનમાં કેન્ટારને જાણવા મળ્યું કે વૈશ્વિક આર્થિક મંદી અને કોવિડ-19 મહામારી ફરી ફેલાવાની દહેશત ભારતીયોને સતાવી રહી છે. આ સર્વે રિપોર્ટ અનુસાર, ” પ્રત્યેક ચારમાંથી ત્રણ ભારતીય વધતી જતી મોંઘવારીથી ચિંતિત છે અને તેઓ ઇચ્છે છે કે સરકાર તેનો ઉકેલ લાવવા માટે નિર્ણાયક પગલાં લે.”

આ સર્વેમાં જાણવા મળ્યું છે કે, આગામી બજેટ 2023થી લોકોને વિવિધ પ્રકારની અપેક્ષાઓ છે. કેટલાક ભારતીય ગ્રાહકો પણ આવકવેરા સંબંધિત નીતિગત ફેરફારોની જાહેરાતની અપેક્ષા રાખી રહ્યા છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે, ગ્રાહકો હાલની 2.5 લાખ રૂપિયાની મૂળભૂત આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો થવાની સૌથી વધુ અપેક્ષા રાખી રહ્યા છે. આટલું જ નહીં કરદાતાઓની એવી ઈચ્છા રાખી રહ્યા છે કે, મહત્તમ 30 ટકા ઇન્કમ ટેક્સની મર્યાદાને (હાલના 10 લાખ રૂપિયાથી) વધારવી જોઈએ.

આ પણ વાંચોઃ નોકરીયાત વર્ગની બજેટમાં ઓછો ટેક્સ અને કર કપાત વધારવાની માંગણી

આ 12 શહેરોમાં સર્વે કરવામાં આવ્યો હતો

કેન્ટાર કંપની ભારતના 12 મોટા શહેરોમાં આ સર્વે કર્યો છે – જેમાં મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, પુણે, હૈદરાબાદ, બેંગ્લોર, અમદાવાદ, ઈન્દોર, પટના, જયપુર અને લખનૌ જેવા શહેરોનો સમાવેશ થાય છે. આ સર્વે 15 ડિસેમ્બર, 2022 અને 15 જાન્યુઆરી, 2023 વચ્ચે કરવામાં આવ્યો હતો અને તેમાં 21-55 વર્ષની વયના લોકોને આવરી લેવામાં આવ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ