ગૌતમ અદાણીની માલિકીની અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ધબડકા બાદ નાના રોકાણકારોની સાથે સાથે ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ એટલે કે સંસ્થાકીય રોકાણકારો ઘણા ચિંતિત છે. જેમાં દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)એ અદાણી ગ્રૂપની કંપનીઓમાં કરેલા રોકાણ અંગે ભારે ઉહાપોહ થઇ રહ્યો છે. આ દરમિયાન સંસદમાં અદાણી ગ્રૂપની કંપનીઓમાં એલઆઇસીએ કેટલું રોકાણ કર્યુ છે તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે.
LIC નિયમ અનુસાર જ કરે છે રોકાણ
અદાણી ગ્રૂપની કંપનીઓમાં LICના એક્સપોઝરને લઈને પ્રવર્તી રહેલી ચિંતા વચ્ચે, સરકારે મંગળવારે જણાવ્યું હતું કે વીમા કંપનીએ જાણકારી આપી છે કે તે રોકાણ કરતી વખતે કાયદાકીય માળખા અને નિયમોનું સખતપણે પાલન કરે છે.
અદાણી ગ્રૂપમાં LICનું 35,917 કરોડનું રોકાણ
ગયા અઠવાડિયે સરકારી માલિકીની વીમા કંપની LIC એ જણાવ્યું હતું કે તેની પાસે અદાણી જૂથની ડેટ અને ઇક્વિટી સિક્યોરિટીઝમાં 35,917.31 કરોડ રૂપિયાનું રોકાણ છે. આ રકમ દેશની સૌથી મોટી વીમા કંપનીની 41.66 લાખ કરોડ રૂપિયાથી વધુની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM)ના 0.975 ટકા જેટલી રકમ છે.
અદાણી ગ્રૂપની તમામ કંપનીઓમાં એલઆઇસી દ્વારા છેલ્લા ઘણા વર્ષોમાં ખરીદવામાં આવેલી ઇક્વિટીનું કુલ ખરીદ મૂલ્ય 30,127 કરોડ રૂપિયા છે અને 27 જાન્યુઆરી, 2023ના રોજ માર્કેટ બંધ થવાના સમયે તેની માર્કેટ વેલ્યૂ 56,142 કરોડ રૂપિયા હતી.
મંગળવારે રાજ્યસભામાં રાજ્યકક્ષાના નાણા મંત્રી ભાગવત કરાડે જણાવ્યું કે, “LICએ જાણકારી આપી છે કે, LICના તમામ રોકાણો ઇન્સ્યુરન્સ એક્ટ- 1938 અને IRDAI ઈન્વેસ્ટમેન્ટ રેગ્યુલેશન્સ – 2016ના કાયદાકીય માળખા અનુસાર કડકાઇ સાથે કરવામાં આવે છે અને વિગતવાર ગવર્નન્સ મિકેનિઝમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.”
હિંડનબર્ગના એક રિપોર્ટથી અદાણી ગ્રૂપના શેર ધરાશાયી
અમેરિકાની એક ફાઇનાન્સ રિસર્ચ ફર્મ હિંડનબર્ગ રિસર્ચના એક રિપોર્ટથી અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં 65 ટકા સુધીના કડાકા બોલાયા અને તેના પગલે ગૌતમ અદાણી જે 24 જાન્યુઆરી, 2023 સુધી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં ત્રીજા ક્રમે હતા જે હાલ ટોપ-20માંથી પણ બહાર ફેંકાઇ ગયા છે.