/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/Crude-Oil.jpg)
India Crude Oil Imports : ભારત ક્રૂડ ઓઇલની 80 ટકા જરૂરિયાત આયાત દ્વારા સંતોષે છે. (Photo: Freepik)
Reliance Venezuela Oil Deal : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)ને વેનેઝુએલાના ક્રૂડ ઓઇલની સીધી ખરીદી માટે અમેરિકા પાસેથી લાઇસન્સ મળ્યું છે. આ પરવાનગીથી દેશની સૌથી મોટી ખાનગી રિફાઇનિંગ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નીચા ભાવ ક્રૂડ ઓઇલની જંગી આયાત કરી શકશે. વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ ગુજરાતના જામનગરમાં રિલાયન્સ રિફાઇનરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સુસંગત છે અને તેનાથી કંપનીના રિફાઇનિંગ માર્જિનમાં સુધારો કરી શકે છે.
આ મામલાથી પરિચિત સૂત્રોએ જણાવ્યું હતું કે જાન્યુઆરીના અંતમાં, અમેરિકા એ કેટલીક આંતરરાષ્ટ્રીય કંપનીઓને વેનેઝુએલા પાસેથી સીધું તેલ ખરીદવાની મંજૂરી આપી હતી. અગાઉ, યુએસ પ્રતિબંધોને કારણે, વેનેઝુએલાથી સીધી તેલની ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને કંપનીઓ તરફથી ઓઇલ સપ્લાય કરવામાં આવતું હતું. ગત મહિને અમેરિકા સૈન્ય કાર્યવાહી કરી વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને બંધક બનાવ્યા બાદ, વેનેઝુએલાના ક્રૂડ ઓઇલની સીધી ખરીદીની અપેક્ષા હતી. ત્યારબાદથી, અમેરિકા એ પણ તેના પ્રતિબંધો હળવા કર્યા છે. જો કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે યુએસ લાઇસન્સ મેળવવા અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
ગુજરાતના જામનગરમાં દુનિયાના સૌથી મોટા રિફાઇનિંગ કોમ્પ્લેક્સનું સંચાલ કરનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અમેરિકાના પ્રતિબંધો લાદવામાં આવ્યા તે પહેલા વેનેઝુએલાના ક્રૂડ ઓઇલની નિયમિત ખરીદદાર હતી. જો કે, વેનેઝુએલાની માદુરો સરકાર પર યુએસ પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ 2019-20માં આયાત બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ વર્ષ 2024માં અસ્થાયી રાહત દરમિયાન રિલાયન્સે વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદ્યું હતું.
આ વર્ષે ટ્રેડર્સ મારફતે ક્રૂડ ઓઇલની ખરીદી ફરી શરૂ થતા રિલાયન્સે વિટોલ કંપની પાસેથી 20 લાખ બેરલ ઓઇલ ખરીદ્યું છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે પણ આ છુટછાટનો ફાયદો ઉઠાવ્યો છે. આ બે સરકારી ઓઇલ કંપનીઓએ વેનેઝુએલા પાસેથી કુલ 20 લાખ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદ્યું છે. ગયા અઠવાડિયે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા અને અમેરિકા સહિત અન્ય સ્ત્રોતોમાંથી તેલની આયાત વધારવા માટે સંમત થયા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે વેનેઝુએલાના કુદરતી સંસાધનોનો ઉપયોગ એ ક્રૂડ ઓઇલ પ્રાપ્તિના સ્ત્રોતોમાં વિવિધતા લાવવાની ભારતની વ્યૂહરચનાનો એક ભાગ છે. રશિયાથી ક્રૂડ ઓઇલની આયાતમાં ઘટાડો થવાની સંભાવના વચ્ચે વેનેઝુએલાનું તેલ મહત્વ ધરાવે છે. વેનેઝુએલાનો ઓરિનોકો બેલ્ટ પ્રદેશ તેના ભારે અને ખૂબ જ ભારી ક્રૂડ ઓઇલ માટે જાણીતો છે.
આ પણ વાંચો | ગૌતમ અદાણી ખરીદશે નાદાર કંપની, શેર ભાવ માત્ર 2 રૂપિયા
રિલાયન્સની જામનગર રિફાઇનરી આ ગ્રેડના તેલને રિફાઇન કરવા માટે સંપૂર્ણ સક્ષમ માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે આંતરરાષ્ટ્રીય ધોરણોની તુલનામાં સામાન્ય રીતે આ પ્રકારના ઓઇલને છુટછાટ આપવામાં આવે છે. આ ઓઈલને ડીઝલ, કેરોસીન અને એલપીજી જેવા ઉચ્ચ મૂલ્યના પેટ્રોલિયમ પેદાશોમાં રૂપાંતરિત કરી શકાય છે. વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે આ સસ્તા ભારે ક્રૂડ ઓઇલની સીધી ખરીદી રિલાયન્સને રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ બંને વ્યવસાયોમાં માર્જિનમાં સુધારો કરવામાં મદદ કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us