પગારદાર વ્યક્તિઓને તેમની નોકરી કે કરિયર દરમિયાન કેટલી આવક કે કમાણી થશે તેનો અંદાજ હોય છે. તેઓ ઘણીવાર તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પોતાનું બજેટ બનાવે છે. આવા લોકોએ તેમની મર્યાદિત આવકમાંથી થોડાક નાણાંનું એવી જગ્યાએ રોકાણ કરવા જોઈએ જ્યાં તેમને ઓછો ટેક્સ ચૂકવવો પડે અને વધારે વળતર મળે. મ્યુચ્યુઅલ ફંડ્સ પગારદાર લોકો માટે તેમના નાણાકીય લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. પરંતુ ઘણીવાર પગારદાર લોકો મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરતી વખતે મૂંઝવણ અનુભવે છે કારણ કે બજારમાં ઘણી બધી મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમો ઉપલબ્ધ છે. પગારદાર વ્યક્તિઓને યોગ્ય મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરવામાં મદદ થાય તેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે જાણીયે.
ટેક્સ બચાવવા માટે ELSSમાં રોકાણ કરો
ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ એટલે કે ઇએલએસએસ (ELSS) રોકાણકારોને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરવાની મંજૂરી આપે છે. આનાથી નાણાકીય વર્ષમાં મહત્તમ 1.5 લાખ રૂપિયાની લિમિટ સુધી કર કપાતનો લાભ મળે છે. તેથી નોકરીયાત અને પગારદાર કર્મચારીઓ અહીં રોકાણ કરીને ટેક્સ બચાવી શકે છે તે ઉપરાંત ઇન્વેસ્ટમેન્ટ પર આકર્ષક રિટર્ન પણ મેળવી શકે છે. જો કે, ELLS એ ઇક્વિટી-ઓરિએન્ટેડ સ્કીમ હોવાથી તેમાં જોખમ રહેલું હોઈ શકે છે. તેથી રોકાણકારોએ અસ્થિરતાના જોખમને ઘટાડવા અને લાંબા ગાળે લાભ મેળવવા માટે SIP મારફતે રોકાણ કરવું જોઈએ.
શોર્ટ ટર્મ ડેટ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો
ટેક્સ સેવિંગ ઉપરાંત પગારદાર કર્મચારીઓને પણ અનિશ્ચિત નાણાકીય પડકારોનો સામનો કરવા માટે ઇમરજન્સી ફંડિંગની જરૂર પડે છે. તેથી પગારદાર વ્યક્તિઓ માટે લાંબા ગાળે પર્યાપ્ત ઇમરજન્સી ફંડ જાળવી રાખવું મહત્વપૂર્ણ છે. તમે ટૂંકા ગાળાના ડેટ ફંડમાં રોકાણ કરી શકો છો જેમ કે લિક્વિડ ફંડ્સ, અલ્ટ્રા-શોર્ટ ડ્યુરેશન મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા આર્બિટ્રેજ ફંડ્સ કારણ કે તેમાં ઓછું રિસ્ક હોય છે અને તમે કોઈપણ મુશ્કેલી વગર ઝડપથી પૈસા ઉપાડી શકો છો.

ઇક્વિટી ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ પણ બેસ્ટ વિકલ્પ
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે જ્યાં તમે જોખમની ક્ષમતાના આધારે રિટર્ન મેળવવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમને ઊંચું વળતર જોઈએ છે અને વધુ જોખમ લેવા તૈયાર છો, તો તમે સ્મોલ અથવા મિડ-કેપ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. બીજી તરફ જો તમે ઓછું જોખમ લેવા ઇચ્છો છો, તો તમે લાર્જ-કેપ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો.
આ પણ વાંચોઃ નિવૃત્તિ બાદ ઘરે બેઠા કમાણી માટે 3 સરકારી યોજનામાં રોકાણ કરો, દર મહિને 70 હજાર મેળવો
મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખવી
મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની પસંદગી કરતી વખતે ખર્ચનો ગુણોત્તર, સ્કીમ ભૂતકાળનો અને વર્તમાનનો દેખાવ, પોર્ટફોલિયોની ઇન્વેસ્ટમેન્ટ ક્વોલિટી વગેરે જેવા પરિબળોના આધારે વિવિધ ફંડ્સ સ્કીમનું વિશ્લેષણ અને તુલના કરવી જોઇએ. Bankbazaar.com ના CEO આદિલ શેટ્ટી કહે છે કે રોકાણકારોને ઘણી વાર લાગે છે કે આકર્ષક રિટર્ન મેળવવા માટે તમારે મોટી રકમનું રોકાણ કરવાની જરૂર છે. તે વાત સાચી નથી. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે SIP (સિપ) મારફતે તમે દર મહિને 500 રૂપિયા જેટલું ઓછું રોકાણ કરી શકો છો.