નિવૃત્તિ બાદ નિયમિત મેળવવા આવક માટે ફરીથી કોઈપણ કામગીરી શરૂ કરવી સરળ નથી. ઘણા લોકો નિવૃત્તિ સમયે તેમની બચત મૂડીનું ક્યાંક રોકાણ કરે છે અને તેમાંથી કમાણી કરવાના રસ્તાઓ શોધે છે, જેથી આગળનું જીવન વધુ સારી રીતે જીવી શકાય. પરંતુ મૂડીરોકાણનું દરેક વિકલ્પ સલામત હોય તે જરૂરી નથી. જો તમે કોઇ બિઝનેસ કે ધંધો-વેપાર શરૂ કરો તે સફળ જાય તેની પણ કોઇ ચોક્કસ સંભાવના હોતી નથી. આવા બધામાં નાણાં ગુમાવવાનો ડર પણ રહે છે. આવી સ્થિતિમાં, તમારી બચત મૂડીનું એવી જગ્યાએ રોકાણ કરવું જોઇએ જ્યાં પૈસા ડૂબવાનો ભય ન હોય અને નિયમિત આવક પણ મળતી રહે. આ મામલે કેટલીક સરકારી બચત યોજનાઓ વધુ સારી સાબિત થઈ શકે છે.
તમારી મહેનતની કમાણી સંપૂર્ણપણે સુરક્ષિત રાખીને તમે દર મહિને લગભગ 70 હજાર રૂપિયા સુધીની કમાણી શકો છો. તેમાં બે સરકારી યોજનાઓ તમારા માટે બહુ લાભદાયી રહેશે. આ બચત યોજનાઓમાં સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS), પ્રધાન મંત્રી વય વંદના યોજના (PMVVY) તેમજ માસિક આવક યોજના (POMIS) છે. ખાસ વાત એ છે કે આમાં તમારા જમા કરેલા રૂપિયા સુરક્ષિત રહેશે, જેને મેચ્યોરિટી બાદ પણ ઉપાડી શકાય છે.
SCSS : 40 હજાર રૂપિયા માસિક આવક
બજેટ 2023માં પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS)માં નાણાં જમા કરવાની મહત્તમ મર્યાદા 15 લાખને બદલે 30 લાખ રૂપિયા કરવામાં આવી છે. જેમાં તમે તમારા જીવનસાથી સાથે અલગ બચત ખાતા મારફતે તેમાં વધુમાં વધુ 60 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. કેન્દ્ર સરકારે પણ 1 જાન્યુઆરીથી આ યોજના માટેના વ્યાજદર વધારીને વાર્ષિક 8 ટકા કર્યા છે. 5 વર્ષની પાકતી મુદત પછી તમે આ એકાઉન્ટને બીજા 3 વર્ષ માટે લંબાવી શકો છો.
- મહત્તમ જમા રકમ : 60 લાખ રૂપિયા
- નવા વ્યાજદર : 8 ટકા વાર્ષિક
- મેચ્યોરિટીનો પિરિયડ : 5 વર્ષ
- માસિક વ્યાજ : 40,000 રૂપિયા
- ત્રિમાસિક વ્યાજ : 120000 રૂપિયા
- વાર્ષિક વ્યાજ : 4,80,000 રૂપિયા
- કુલ વ્યાજનો ફાયદો : 24 લાખ રૂપિયા
PMVVYની : 18500 રૂપિયા માસિક આવક
મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી વય વંદના યોજના, એ નિવૃત્તિ પછી પેન્શન માટેની ખાસ યોજના છે. તેની શરૂઆત 26 મે 2020ના રોજ કરવામાં આવી હતી. જેમા 31 માર્ચ 2023 સુધી રોકાણ કરી શકાય છે. જો પતિ-પત્ની બંને ઈચ્છે તો 60 વર્ષની ઉંમર પછી તેનો લાભ લઈ શકે છે.

પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં પતિ-પત્ની બંને એકસાથે 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે એટલે કે કુલ 30 લાખ રૂપિયા. આ યોજનામં 7.40 ટકા વાર્ષિક વ્યાજ છે. આમ યોજનામાં કરેલા રોકાણ પર વાર્ષિક વ્યાજ રૂ. 222000 મળશે, જો તેને 12 મહિનામાં સમાન રીતે વહેંચવામાં આવે છે, તો માસિક વ્યાજરૂપી કમાણી 18500 રૂપિયા થાય છે, જે માસિક પેન્શનના રૂપમાં તમારા ઘરે આવશે. જો માત્ર એક વ્યક્તિ આ સ્કીમમાં 15 લાખનું રોકાણ કરે તો વાર્ષિક વ્યાજ 111000 રૂપિયા અને આમ માસિક 9250 રૂપિયાનું પેન્શન મેળવશે.
પ્રધાનમંત્રી વય વંદના યોજના 10 વર્ષ માટે છે. ત્યાં સુધી તમને તમારા જમા કરેલા પૈસા પર માસિક પેન્શન મળતું રહેશે. જો તમે આ યોજના 10 વર્ષની સંપૂર્ણ મુદ્દત સુધી ચાલુ રાખો છો, તો 10 વર્ષ પછી તમારું સમગ્ર રોકાણ પરત મળી જશે. આમ તો આ યોજના શરૂ કર્યા બાદ તમે ત્યારે કરેલું રોકાણ ઉપાડી શકો છો.
આ પણ વાંચોઃ નોકરીયાત મહિલાઓ માટે ટેક્સ સેવિંગ ટીપ્સ, 5 રીતે ઇન્કમ ટેક્સની જવાબદારી ઘટાડી શકાય
POMIS : 10650 રૂપિયા માસિક આવક
કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ (POMIS) માટે જમા રકમની મહત્તમ મર્યાદા બમણી કરી છે. જેમાં હવે સિંગલ એકાઉન્ટ દ્વારા 9 લાખ રૂપિયા અને જોઈન્ટ એકાઉન્ટ મારફતે 18 લાખ રૂપિયા જમા કરાવી શકાશે. 1 જાન્યુઆરીથી આ યોજનાના વ્યાજદર પણ વધારીને 7.1 ટકા કરવામાં આવ્યા છે. તેમાં જમા કરેલા પૈસા પર જે પણ વાર્ષિક વ્યાજ મળે છે, તેને 12 સરખા ભાગમાં વહેંચવામાં આવે છે, અને તે દર મહિને તમારા ખાતામાં જમા કરાય છે. આ યોજનાની પાકતી મુદત 5 વર્ષની છે, પરંતુ 5 વર્ષ પછી તેને નવા વ્યાજ દર અનુસાર તેને લંબાવી શકાય છે.
- વ્યાજદર : 7.1 ટકા વાર્ષિક
- જોઇન્ટ એકાઉન્ટનું મહત્તમ રોકાણ : 18 લાખ રૂપિયા
- વાર્ષિક વ્યાજ : 127800 રૂપિયા
- માસિક વ્યાજ : 10650 રૂપિયા