વિશ્વ મહિલા દિવસ દુનિયાભરમાં મહિલાઓના અધિકારોને સમર્થન આપવા માટે ઉજવાય છે. મહિલાઓને વાસ્તવિક રીતે સશક્ત બનાવવા તેમને રાજકીય – સામાજિક ક્ષેત્રે સમાન અધિકારો મળવા જરૂરી છે, પરંતુ મહિલા સશક્તિકરણનું કોઇ પણ લક્ષ્ય આર્થિક સદ્ધરતા વગર અધરું છે. આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ કામગીરી કરી રહી છે. જો તમે વર્કિગ વુમન છો, તો અહીંયા જણાવી કેટલીક ટીપ્સ અનુસરીને સુવ્યવસ્થિત રીતે ઇન્કમ ટેક્સ પ્લાનિંગ કરી શકો છો.
1. ઘર બચાવશે ઇન્કમ ટેક્સ
જો તમે હોમ લોન લીધી છે અને દર મહિને તેનો EMI ચૂકવી રહ્યા છો, તો તમે તેનો સરળતાથી ઇન્કમ ટેક્સ બચાવવા માટે ઉપયોગ કરી શકો છો. હોમ લોન પર મુદ્દલ અને વ્યાજ બંને પર કર કપાતનો દાવો કરી શકાય છે. લોનની મૂળ રકમ પર કલમ 80C હેઠળ એક વર્ષમાં 1.5 લાખ રૂપિયા સુધીની ચુકવણી પર કર મુક્તિ મળે છે, જ્યારે લોનના વ્યાજની રકમ પર કલમ-24 હેઠળ એક વર્ષમાં 2 લાખ રૂપિયા સુધીની કર મુક્તિ મળે છે. જો તમે તમારા જીવનસાથી સાથે સંયુક્ત રીતે હોમ લોન લીધી હોય, તો તમે બંને ટેક્સ કપાતનો લાભ લઈ શકો છો. આ ઉપરાંત હોમ લોન લેતી વખતે તમે કેટલીક બેંકો દ્વારા મહિલાઓને સમયાંતરે આપવામાં આવતી વ્યાજદરમાં વિશેષ રાહતનો ફાયદો પણ ઉઠાવી શકો છો. કેટલાક રાજ્યોમાં મહિલાઓને પ્રોપર્ટીના રજિસ્ટ્રેશન ચાર્જમાંથી મુક્તિ મળે છે. જો તમારા રાજ્યમાં પણ આવી છૂટછાટ ઉપલબ્ધ છે, તો તમે ઘર ખરીદતી વખતે તેનો લાભ લઈ શકો છો.
2. ભાડાના મકાન પર પણ ટેક્સ બચાવો
જો તમે ભાડાના મકાનમાં રહો છો, તો તમે દર મહિને ચૂકવેલા ભાડા પરથી પણ ઘણો બધો ટેક્સ બચાવી શકો છો. હોમ રેન્ટ એલાઉન્સ (HRA) માટે તમને કેટલી કર મુક્તિ મળશે, તે ભાડાની રકમ તેમજ તમારો મૂળ પગાર કેટલો છે અને તમે કયા શહેરમાં રહો છો તેના આધારે નક્કી કરવામાં આવશે. હોમ રેન્ટ એલાઉન્સ પર મુક્તિ તમારા મૂળ પગારના 40 અથવા 50 ટકાથી વધુ ન હોઈ શકે. આ મર્યાદા દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં રહેતા લોકો માટે 50 ટકા અને બાકીના શહેરો માટે 40 ટકા છે.
3. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી ટેક્સ બચાવો
જો તમારી ઉંમરની પુત્રી 10 વર્ષથી ઓછી છે, તો તમે તેના માટે સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) માં રોકાણ કરી શકો છો. આ યોજનામાં કરેલા રોકાણ પર ટ્રિપલ E (EEE) લાભ ઉપલબ્ધ છે. એટલે કે તેમાં કરાયેલું રોકાણ, મળતું વળતર અને પાકતી મુદતે મળતી કુલ રકમ – આ ત્રણેય પર ઇન્કમ ટેક્સ ચૂકવવો પડતો નથી. તમારી પુત્રી જ્યારે 21 વર્ષની થાય ત્યારે SSY યોજનામાં મેચ્યોર થાય છે. અલબત્ત જ્યારે તમારી દીકરી 18 વર્ષની થાય ત્યારે 50 ટકા રકમ ઉપાડી શકાય છે.
4. એજ્યુકેશન લોન પર મેળવો કર મુક્તિ
જો તમે તમારા તમારા જીવનસાથી અથવા બાળકોના ભણતર માટે એજ્યુકેશન લોન લીધી હોય, તો તમે કલમ 80E હેઠળ વ્યાજ પર કર કપાતનો દાવો કરી શકો છો. ખાસ વાત એ છે કે એજ્યુકેશન લોન પર કપાત મેળવવા માટે મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી. પરંતુ વ્યાજની પરત ચુકવણી પર આ કર મુક્તિનો લાભ વધુમાં વધુ 8 વર્ષ સુધી જ મેળવી શકાય છે.
5. હેલ્થ ઇન્સ્યોરન્સ લઇ કર મુક્તિનો આનંદ માણો
હેલ્થ ઇન્સ્યોરન્સ તમને અચાનક આવી પડેલી બીમારીની સારવારના જંગી ખર્ચથી તો બચાવે છે, પરંતુ તે તેમને કર જવાબદારી ઘટાડવામાં પણ મદદ કરે છો. ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80D હેઠળ તમે તમારા, તમારા જીવનસાથી, બાળકો અથવા માતાપિતા માટે લીધેલા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન પર કર મુક્તિનો ફાયદો ઉઠાવી શકો છો. હેલ્થ ઇન્સ્યોરન્સ પર ઉપલબ્ધ કર મુક્તિની મર્યાદા તે વ્યક્તિની ઉંમર પર આધારિત છે કે જેના માટે તમે આરોગ્ય વીમો લઇ રહ્યા છે. 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે આ મર્યાદા 25,000 રૂપિયા છે, જ્યારે 60 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન માટે આ મર્યાદા 50,000 રૂપિયા રાખવામાં આવી છે.
થોડાક વર્ષો પહેલા મહિલાઓને સરકાર તરફથી ઇન્કમ ટેક્સના સ્લેબમાં વિશેષ છુટછાટ મળતી હતી. હવે આ વિશેષ જ સ્લેબ સમાપ્ત થઈ ગયા છે, પરંતુ સુવ્યવસ્થિત ફાઇનાન્સિયલ પ્લાનિંગ મારફતે મહિલાઓ પણ પુરુષોની જેમ તેમની ઇન્કમ ટેક્સ ચૂકવવાની જવાબદારી ઘટાડી શકે છે.