નાણાંકીય વર્ષ 2022-23 સમાપ્ત થઇ ગયું છે અને કરદાતાઓ- નોકરિયાત વ્યક્તિ તેમના ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તૈયારી કરી રહ્યા છે. પણ શું તમને જૂની અને નવી કર વ્યવસ્થા અને તેના ફાયદા-ગેરફાયદા વિશે સંપૂર્મ જાણકારી છે. વર્ષોથી ચાલી રહેલી જુની ઇન્કમટેક્સ સિસ્ટમમાં ઘણા બધી કરમુક્તિ અને કરરાહતનો ફાયદો મળે છે કે નવી કર વ્યવાસ્થામાં. જો તમે અત્યાર સુધી આ મામલે કોઇ અંતિમ નિર્ણય નથી લીધો તો કોઇ પણ નિર્ણય પર આવતા પહેલા બંને ટેક્સ સિસ્ટમના ફાયદા – ગેરફાયદાઓેને સારી રીતે જાણી અને સમજી લો.
નવી ઇન્કમ ટેક્સ સિસ્ટમમાં સુધારો
- પાછલા વર્ષે નવી ઇન્કમ ટેક્સ સિસ્ટમ અપનાવનાર કરદાતાઓની સંખ્યા ઘણી ઓછી હતી. આ કારણસર જ કેન્દ્ર સરકારે નવા નાણાંકીય વર્ષની માટે નવી કર વ્યવસ્થામાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરીને તેને અગાઉ કરતા વધારે સરળ અને આકર્ષક બનાવી છે.
- ચાલુ નાણાંકીય વર્ષથી નવી ઇન્કમ ટેક્સ સિસ્ટમ ડિફોસ્ટ ટેક્સ સ્કીમ બનાવી દીધી છે. એટલે કે જો તમે પોતાની ઇન્કમ ટેક્સ સિસ્ટમ પસંદ કરવા અંગે જાતે કોઇ નિર્ણય લઇને તેની જાણકારી પોતાની કંપની કે નોકરીદાતાને આપી નથી, તો તમે આપમેળે નવી ટેક્સ સિસ્ટમના દાયરામાં આવી જશો.
- નવી કર વ્યવસ્થામાં મોટાભાગની કરમુક્તિ અને કરરાહતનો લાભ મળતો નથી. આથી જો આથી તમે જો અત્યાર સુધી તેનો લાભ ઉઠાવી રહ્યા છો તો નવા નાણાંકીય વર્ષમાં પોતાના નફા-નુકસાનની ગણતરી કરીને યોગ્ય નિર્ણય લઇ શકો છો.
નવી કર વ્યવસ્થામાં ક્યા-ક્યા ફેરફાર થયા
નાણાં મંત્રી નિર્મલા સીતારમને નાણાંકીય વર્ષ 2023-24ના બજેટની રજૂઆત કરતી વખતે નવી કર વ્યવસ્થામાં ઘણા બધા ફેરફારોની ઘોષણા કરી હતી છે, જે 1 એપ્રિલ 2023થી લાગુ થઇ ગયા છે.

- નવી ઇન્કમ ટેક્સ સિસ્ટમના કરમાળખામાં હવે 7ના બદલ માત્ર 5 જ ટેક્સ સ્લેબ છે. 3 લાખ રૂપિયા સુધીની આવક પણ કોઇ ટેક્સ લાગશે નહીં. ત્યારબાદ 3થી 6 લાખ સુધીની આવક પર 5 ટકા, 6થી 9 લાખ સુધીની આવક પર 10 ટકા, 9થી 12 ટકા સુધીની આવક પર 15 ટકા, 12થી 15 લાખ સુધીની આવક પર 20 ટકા અને 15 લાખથી વધારે આવક પર 30 ટકા ટેક્સ વસૂલાશે.
- કલમ-87A ટેક્સમાં રિબેટની મર્યાદા વધારીને 7 લાખ રૂપિયા કરાઇ છે. તેનો અર્થ એ છે કે 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોએ હવે નવી ટેક્સ સિસ્ટમમાં કોઇ ઇન્કમ ટેક્સ ચૂકવવો પડશે નહીં. જૂની કર વ્યવસ્થામાં આ આવક મુક્તિની મર્યાદા 5 લાખ રૂપિયા સુધીની હતી.
- નવી કર વ્યવસ્થામાં પહેલીવાર સ્ટાન્ડર્ડ ડિડ્ક્શનનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે. પાછલા વર્ષ સુધી આ લાભ માત્ર જૂની ટેક્સ સિસ્ટમમાં જ મળતો હતો.
- અત્યંત વધુ આવક ધરાવતા વર્ગ એટલે કે અલ્ટ્રા હાઇ નેટવર્થ વાળા જેમની વાર્ષિક આવક 5 કરોડ રૂપિયાથી વધારે છે તેવા કરદાતાઓ માટે સરચાર્જનો દર 37 ટકાથી ઘટાડીને 25 ટકા કરાયો છે. આમ ધનિક કરદાતાઓને હવે નવી કર વ્યવસ્થામાં વધારો ફાયદો મળશે.
જૂની ટેક્સ સિસ્ટમમાં હજી પણ ઘણા બધા ફાયદા
નવી ટેક્સ સિસ્ટમમાં થયેલા સકારાત્મક ફેરફારો થવા છતાં ઘણા ફાયદાઓ હજી પણ જૂની કર વ્યવસ્થામાં જ ઉપલબ્ધ છે. આ કારણસર જ આ તમામ કરમુક્તિ અને કર રાહતનો લાભ મેળવનાર હજી પણ જૂની કર વ્યવસ્થાને પસંદ કરી રહ્યા છે. અલબત્ત આ અંગે કોઇ પણ નિર્ણય દરેક બાબતની અલગથી વિચારણા કરીને જ લેવો જોઇએ.

કોઇને માટે કઇ ટેક્સ સિસ્ટમ ફાયદાકારક છે?
- જો તમારી આવક 7 લાખ રૂપિયા સુધીની છે, તો નવી ટેક્સ સિસ્ટમ તમારા માટે વધુ સારી છે, કારણ કે તમારે તેમાં કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ ઉપરાંત, નવી કર વ્યવસ્થામાં આ વર્ષથી 50,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ ઉપલબ્ધ છે, જે ગયા વર્ષ સુધી ઉપલબ્ધ નહોતું.
- વાર્ષિક 7 લાખ રૂપિયાથી વધુની કમાણી કરનારાઓએ તેમની ટેક્સ વ્યવસ્થા નક્કી કરતા પહેલા તેમના કર બચત રોકાણો અને કપાતની સ્થિતિ તપાસવાની જરૂર છે.
- જો તમે ટેક્સ બચાવવા માટે કોઈ રોકાણ ન કર્યું હોય અને કોઈપણ કપાતનો દાવો કરવાની સ્થિતિમાં ન હોવ તો પણ, નવી કર વ્યવસ્થા તમારા માટે વધુ સારી છે, કારણ કે નવી યોજનામાં ટેક્સના દરો ઓછા છે અને કોઈ પણ ટેક્સ બચાવવા માટે કોઇ રોકાણની જરૂર નથી.
- જો તમે ઇન્કમ ટેક્સ બચાવવા માટે માત્ર 80C હેઠળ 1.5 લાખ રૂપિયાની છૂટનો લાભ લેવા જઈ રહ્યા છો, તો નવી કર વ્યવસ્થા તમારા માટે વધુ સારી રહેશે તેવી ઘણી શક્યતાઓ છે, કારણ કે તેમા ટેક્સનો દર નીચો અને વધુ સારા સ્લેબનો લાભ મળશે.
- જો તમે 80Cની સિવાય હોમ લોન પર ઉપલબ્ધ કર મુક્તિનો પણ લાભ મેળવો છો, તો જૂની ટેક્સ વ્યવસ્થા તમારા માટે વધુ સારી સાબિત થઈ શકે છે. આ કારણ છે કે જૂની કર વ્યવસ્થામાં, કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયાની મર્યાદામાં હોમ લોનની ચુકવણી પર કર મુક્તિ મેળવવા ઉપરાંત તમે 2 લાખ રૂપિયા સુધીના વ્યાજની ચુકવણી પર પણ કર મુક્તિનો દાવો કરી શકો છો. આવી રીતે તમને 3.5 લાખ રૂપિયાની સીધી કર કપાત મળે છે, જે નવી કર વ્યવસ્થામાં ઉપલબ્ધ નથી.
- જો તમે ભાડાના મકાનમાં રહેતા હોવ અને તેના બદલામાં હોમ રેન્ટ એલાઉન્સ (HRA) હેઠળ મોટા પ્રમાણમાં કરમુક્તિનો લાભ ઉઠાવવે છે, તો તેમની માટે જૂની કર વ્યવસ્થા વધુ સારી હોઈ શકે છે.
- નવી કર વ્યવસ્થામાં LTA અને પ્રોફેશનલ ટેક્સ પર મળતા ટેક્સ છૂટનો લાભ પણ ઉપલબ્ધ નથી. તેથી, જેઓ તેનો લાભ લઇ રહ્યા છે તેઓએ પણ જૂના કર પ્રણાલીમાં ચાલુ રાખવાનું વિચારવું જોઈએ.
આ પણ વાંચોઃ હોમ લોનની વહેલી પતાવટ કરવાની સ્માર્ટ ટીપ્સ, લાખો રૂપિયાની બચત થશે
- આવકવેરા વિભાગે તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરવા માટે ટેક્સ કેલ્ક્યુલેટર લોન્ચ કર્યું છે, જે અહીં ઉપલબ્ધ છે: https://incometaxindia.gov.in/Pages/tools/115bac-tax-calculator-finance-bill- 2023.aspx
- આ કેલ્ક્યુલેટરમાં તમારી આવક અને રોકાણ સહિતની તમામ જરૂરી માહિતી ભરીને, તમે જાણી શકો છો કે કઇ ટેક્સ સિસ્ટમમાં, તમારી કર જવાબદારી કેટલી હશે. બંનેની સરખામણી કરીને, તમે સરળતાથી નક્કી કરી શકો છો કે તમારા માટે કયો વિકલ્પ સૌથી બેસ્ટ રહેશે.