ઓનલાઇન પેમેન્ટ ફર્મ Paytm કંપનીના શેરના રોકાણકારોની સ્થિતિ હાલ ‘લાખના બાર હજાર’ જેવી થઇ ગઇ છે. શેરબજારમાં લિસ્ટિંગના પ્રથમ દિવસે જ ધબડકો અને ત્યારબાદ શેરના ભાવમાં ધોવાણથી રોકાણકારોને જંગી નુકસાન સહન કરવું પડ્યુ છે. IPOમાં 2080 થી 2150 રૂપિયા પ્રતિ શેર દીઠ જેટલા ઉંચા ભાવ શેર પધરાવનાર આ કંપની હવે શેર બાયબેક કરવા જઇ રહી છે, તે પણ આઇપીઓ ઇશ્યૂ પ્રાઇસથી 62 ટકા નીચા ભાવે. હાલ BSE પર પેટીએમના શેરનો બજાર ભાવ 532 રૂપિયા બોલાઇ રહ્યો છે.
Paytm ઇશ્યૂ પ્રાઇસથી 62 ટકા નીચા ભાવે શેર બાયબેક કરશે
Paytm કંપનીનું મૂળનામ વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ (One 97 Communications Ltd) છે. પેટીએમ કંપનીનો શેર 18 નવેમ્બર, 2022ના રોજ શેરબજારમાં લિસ્ટ થયો હતો. કંપનીએ 2150 રૂપિયાના ભાવે ઇક્વિટી શેર રોકાણકારોને એલોટ કર્યા હતા. કંપનીએ શેરધારકો પાસેથી 810 રૂપિયાના ભાવે શેર બાયબેક કરવાની ઘોષણા કરી છે. આમ રોકાણકારોને આઇપીઓ ઇશ્યૂ પ્રાઇસની આધારે 1340 રૂપિયા કે 62.32 ટકા નુકસાન સહન કરવું પડશે.
ગુરુવારે પેટીએમના સ્ટોકની કરન્ટ માર્કેટ વેલ્યૂ શેરદીઠ 532 રૂપિયા હતી, આમ કંપનીના આઇપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરનાર રોકાણકારોને પહેલાથી જ 75 ટકાની ખોટ થઇ છે.

Paytm એ જણાવ્યું છે કે, મહત્તમ બાયબેકનું કદ 31 માર્ચ, 2022 સુધી કંપનીના કુલ સંપૂર્ણ ચૂકવેલ ઇક્વિટી શેર મૂડી અને ફ્રી રિઝર્વના 10 ટકાથી ઓછું છે. લઘુત્તમ બાયબેક સાઇઝ અને મહત્તમ બાયબેક કિંમતના આધારે કંપની ઓછામાં ઓછા 52,46,913 ઇક્વિટી શેર બાયબેક કરશે. કંપનીએ આ માહિતી સ્ટોક એક્સચેન્જને જણાવી છે. કંપનીએ રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, શેર બાયબેક પ્રક્રિયા છ મહિનામાં પૂરી કરવામાં આવશે.
બાયબેક પાછળ 850 કરોડ ખર્ચશે
પેટીએમ કંપની 810 રૂપિયા પ્રતિ શેરના ભાવે બાયબેક કરશે. આમાં તે કુલ 850 કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં શેર બાયબેકનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેનેજમેન્ટનું માનવું છે કે કંપનીની વર્તમાન લિક્વિડિટીને જોતાં બાયબેક શેરધારકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
રોકાણકારોએ 1,04,453 કરોડ ગુમાવ્યા
પેટીએમ કંપનીનો શેર લિસ્ટેડ થયો ત્યારથી સતત ઘટી રહ્યો છે અને 2150 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇસની સામે ગુરુવારે 532 રૂપિયાનો ભાવ હતો. આમ Paytmના IPOમાં રોકાણ કરનારા રોકાણકારોને ભારે નુકસાન થયું છે. જો IPOની સરખામણી કરીએ તો રોકાણકારોની 1.04 લાખ કરોડ રૂપિયાથી વધારે મૂડી ‘સ્વાહા’ થઇ ગઇ છે. IPOના સમયે Paytmની માર્કેટકેપ 1.39 લાખ કરોડ રૂપિયા હતી. જ્યારે ગુરુવારના રોજ કંપનીની માર્કેટકેપ 34,547 હજાર કરોડ રૂપિયા હતી.

આ પણ વાંચોઃ 5 સ્ટાર્ટઅપ્સ કંપનીમાં રોકાણ બન્યો ખોટનો સોદો, રોકાણકારોના 18.4 અબજ ડોલર ‘સ્વાહા’
દાયકાનો સૌથી ખરાબ IPO - ‘Paytm’
પેટીએમ કંપનીએ રોકાણકારોને પાયમાલ કરી દીધા છે અને શેરની કિંમતમાં 80 ટકા સુધીના જંગી ધોવાણને કારણે છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર વિશ્વનો સૌથી ખરાબ IPO બન્યો છે. પેટીએમનો શેર 24 નવેમ્બર 2022ના રોજ 439.60 રૂપિયાના ઐતિહાસિક નીચી સપાટીને સ્પર્શ્યો હતો.