(અધિલ શેટ્ટી) આજના સમયમાં લોકો ટૂંકા અને લાંબા ગાળાના વિવિધ નાણાકીય લક્ષ્યો હાંસલ કરવા માટે બેન્ક, ફાઇનાન્સિયલ કંપનીઓ પાસેથી લોન સ્વરૂપે ઉધાર નાણાં લેતા હોય છે. જો કે હાલ બેન્કો દ્વારા લોનના વ્યાજદરમાં સતત વધારો થવાથી લોનધારકો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. લોનના વ્યાજદર વધતા લોનધારકોના માસિક લોનના હપ્તા (Loan EMI)ની રકમ અતિશય વધી ગઇ છે જ્યારે બીજી બાજુ મોટાભાગના લોકોની આવક આ સમયગાળામાં સ્થિર રહી છે.
આવી સ્થિતિમાં લોકો માટે દેવામુક્ત થવું મુશ્કેલ બની ગયુ છે, પણ મજબૂત નાણાકીય આયોજન અને શિસ્તતા સાથે દેવામુક્ત થવું શક્ય છે. જો તમે નવા વર્ષ 2023માં દેવામુક્ત થવાનું લક્ષ્ય રાખ્યું છે, તો અહીં પાંચ ફાઇનાન્સિયલ સ્ટ્રેટજી જણાવી છે જેનો અમલ તમને દેવાની ચૂંગલમાંથી બહાર નીકળવામાં મદદ મળશે.
તમારા પર કેટલું દેવુ છે? તે જાણો
દેવામુક્ત થવા માટે તમારી હાલની લોનથી શરૂઆત કરો. સૌથી પહેલા તમે કેટલી લોન લીધી, કઇ લોનના કેટલા માસિક EMI ચૂકવ્યા છે અને હવે કેટલા વર્ષ સુધી તમારે લોનની ચૂકવણી કરવાની છે તેમજ તમે હાલ લોનના ક્યાં તબક્કામાં છે તેની સટિક જાણકારી મેળવો. બને ત્યાં સુધી તમારી ટૂંકા ગાળાની લોનની ચૂકવણીને પ્રાથમિકતા આપો, એટલે કે 3 વર્ષ સુધીની મુદતવાળી લોનની પહેલા ચૂકવણી કરો. લોન ચુકવણીના શરૂઆતના તબક્કામાં લાંબા ગાળાની લોન રાહ જોઈ શકાય છે. આ સાથે જ તમને તમારી હાલની નાણાકીય જવાબદારીઓનો સુવ્યવસ્થિત ખ્યાલ આવશે.
ખર્ચમાં કાપ મૂકો, બચત વધારો
તમારા માસિક ખર્ચનું વિશ્લેષ્ણ અને સમિક્ષા કરો. તમે એવા ખર્ચાઓને ઓળખી કાઢો જેમાં તમે સંપૂર્ણપણે કાપી શકો છો અથવા ઘટાડી શકો છો. પૈસા બચાવવા માટે મોટી રકમની નવી ખરીદીને ટાળો. બહાર જમવાનું, શનિ-રવિ બહાર ફરવા જવાનું અને વાહનના પેટ્રોલ-ડીઝલ પાછળના ખર્ચાઓમાં ઘટાડો કરીને તમે તમારી બચતમાં વધારો કરી શકો છો. જો તમે મોંઘા ભાડાના મકાનમાં રહેતા હોવ તો નાના મકાનમાં અથવા જ્યાં ઓછું ભાડું છે તેવા અલગ વિસ્તારમાં મકાન ભાડે રહેવા જવાનું વિચારી શકો છો, જેનાથી તમારો મકાન ભાડા પાછળનો ખર્ચ ઘટશે. તમે તમારા વધેલા પગાર અને બોનસનો તમારી લોનની વહેલા ચૂકવણી કરવા અને લોનની મુદત ઘટાડવા માટે ઉપયોગ કરી શકો છો.
ડેટ કોન્સોલિડેશન લોનનો વિચાર કરો
ડેટ કોન્સોલિડેશન લોન્સ એ દેવું ઘટાડવાનો એક સરળ રસ્તો છે. તે ફિક્સ્ડ ઈન્ટરેસ્ટ લોન છે જે તમને એક જ લોનમાં એકથી વધારે લોનને એકીકૃત કરવાની પરવાનગી આપે છે, આમ તમને લોન EMI અને વ્યાજની રકમ બચાવવામાં મદદ કરે છે. દાખલા તરીકે, તમે તમારા ક્રેડિટ કાર્ડના બાકી પેમેન્ટને તમારી હોમ લોન સાથે સાંકળી લઇને 29-42 ટકાના સરેરાશ APRને બદલે વાર્ષિક 30 ટકા વ્યાજ ચૂકવી શકો છો

ડેટ કોન્સોલિડેશન લોન લેતા પહેલા, આ બાબત તમારા ક્રેડિટ સ્કોરને કેવી રીતે અસર કરી શકે છે તે પણ અચૂક તપાસી લેવું. ઉપરાંત તમારી હાલની લોન પર લાગુ થતા પ્રી-ક્લોઝર ચાર્જીસ અને નવી લોન પરની પ્રોસેસિંગ ફી પણ ચકાસી લો. લોનની વહેલી ચૂકવણી તમને બચત કરવામાં મદદ કરશે કે કેમ તે જાણવા માટે ગણતરી કરો. તમારા ઋણ બોજને અંકુશમાં રાખવા માટે વધારે પડતા ખર્ચાઓ અને વધારે લોન લેવાનું ટાળવું હિતાવહ રહેશે.
બેલેન્સ ટ્રાન્સફર ક્રેડિટ કાર્ડ્સ પસંદ કરો
જો તમે તમારા વ્યાજનો બોજ ઓછો કરવા અને દેવું ઝડપથી ચૂકવવા માંગતા હોવ તો બેલેન્સ ટ્રાન્સફર ક્રેડિટ કાર્ડ્સ એક સારો વિકલ્પ છે. આ સુવિધા પસંદગીના ક્રેડિટ કાર્ડ્સ સાથે ઓફર કરવામાં આવે છે અને તમને ઉંચા વ્યાજદરવાળા ક્રેડિટ કાર્ડમાંથી ઓછા વ્યાજવાળા બેલેન્સ ટ્રાન્સફર ક્રેડિટ કાર્ડમાં દેવાને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે. કેટલીક બેંકો પ્રારંભિક ઓફરના ભાગરૂપે બેલેન્સ ટ્રાન્સફર કાર્ડ પર ઝીરો ઇન્ટરેસ્ટ રેટ પણ ઓફર કરે છે.
બોનસ અથવા વધેલા પગારમાંથી ટૂંકા ગાળાની લોન ચૂકવો
કાર અથવા પર્સનલ લોન જેવી ટૂંકા ગાળાની લોનની પતાવટ કરવા માટે પગાર વધારો અને બોનસ પેટે મળેલી રકમ એક સરળ રસ્તો બની શકે છે. આમ, તમે તમારા દેવાના બોજને ઘટાડવા હેતુ હોમ લોન જેવી લાંબા ગાળાની લોન ચૂકવવા માટે તમારી નિયમિત આવકનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકો છો.
આ પણ વાંચોઃ નવા વર્ષે ઉંચો ટેક્સ ચૂકવવાથી બચવાની 5 સરળ રીતો
દેવામુક્ત થવાની કામગીરી શરૂઆતમાં મુશ્કેલ લાગે છે, પરંતુ તે અશક્ય નથી. દેવામુક્ત થવાનો ધ્યેય હાંસલ કરવા માટે નાણાકીય શિસ્ત જાળવવી મહત્વપૂર્ણ છે. તમારા નાણાંનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાનું અને બને ત્યાં સતત બચત કરવાનું ચાલુ રાખો.