2000ની નોટ વટાવવા લોકોનો પેટ્રોલ પંપ પર ધસારો, મોટા મૂલ્યની નોટમાં ચૂકવણી ગુજરાતમાં 50 ટકા અને દેશમાં 90 ટકા વધી

Fuel payments in 2000 notes : પેટ્રોલ પંપ પર અગાઉ ઇંધણ માટે 2000ની નોટમાં ચૂકવણીનું પ્રમાણ માત્ર 10 ટકા જ હતું, જો કે ગત શુક્રવારે રિઝર્વ બેંકની ઘોષણા બાદ તે 90 ટકા સુધી વધી ગયું છે.

Written by Ajay Saroya
May 22, 2023 22:41 IST
2000ની નોટ વટાવવા લોકોનો પેટ્રોલ પંપ પર ધસારો, મોટા મૂલ્યની નોટમાં ચૂકવણી ગુજરાતમાં 50 ટકા અને દેશમાં 90 ટકા વધી
RBIની ઘોષણા બાદ પેટ્રોલ પંપ પર ઇંધણ પુરાવવા માટે 2000 રૂપિયાની નોટના ઉપયોગ નોંધપાત્ર વધ્યો.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 2,000 રૂપિયાની ચલણી નોટો સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લેવાની ઘોષણા બાદ પેટ્રોલ પંપ પર ઇંધણ પુરાવવા માટે 2000 રૂપિયાની નોટના ઉપયોગમાં 90 ટકા સુધીનો વધારો થયો છે. બીજા શબ્દોમાં કહીયે તો લોકો પેટ્રોલ પંપ પર ઇંધણ પુરાવીને 2000ની નોટ વટાવી રહ્યા છે.

ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, અગાઉ પેટ્રોલ પંપ પર ઇંધણ માટે 2000ની નોટમાં ચૂકવણીનું પ્રમાણ માત્ર 10 ટકા જ હતું, જો કે ગત શુક્રવારે રિઝર્વ બેંકની ઘોષણા બાદ પેટ્રોલ પંપ પર પેમેન્ટ માટે 2000 રૂપિયાની નોટનો ઉપયોગ 90 ટકા સુધી વધી ગયો છે. રિઝર્વ બેંકના નવા નિયમ બાદ એક બાજુ કેશ પેમેન્ટ વધ્યુ છે તો બીજી બાજુ ડિજિટલ પેમેન્ટમાં ધરખમ ઘટાડો થયો છે. એસોસિએશને જણાવ્યું હતું કે, અગાઉ પેટ્રોલ પંપના કુલ વેચાણમાં ડિજિટલ પેમેન્ટનો હિસ્સો 40 ટકા હતો, જે હાલ માત્ર 10 ટકા થઈ ગયો છે.

100 રૂપિયાના પેટ્રોલ માટે 2000ની નોટનો ઉપયોગ

પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર “મોટા ભાગના ગ્રાહકો 100-200 રૂપિયાનું પેટ્રોલ પુરાવા માટે પણ 2,000ની નોટોનો ઉપયોગ કરી રહ્યા છે. વાહન ચાલકો પેટ્રોલ પંપો પર 2000ની નોટ વટાવવાની અપેક્ષા રાખી રહ્યા છે અને તેથી દેશભરમાં પેટ્રોલ આઉટલેટ્સ પર ઓછા મૂલ્યની ચલણી નોટોની ભારે તંગી સર્જાઇ છે.” એવું એસોસિએશને જણાવ્યું હતું. તેમણે RBIને પણ વિનંતી કરે છે કે તે ફ્યૂઅલ આઉટલેટ્સ પર સરળતાપૂર્વક કામગીરી થઇ શકે તે હેતુસર પેટ્રોલ પંપોને 2,000 રૂપિયાની નોટોની સામે બદલામાં નાના મૂલ્યની નોટો પૂરતા પ્રમાણમાં પ્રદાન કરવા બેંકોને નિર્દેશ આપે.

એસોસિએશને જણાવ્યું હતું કે, રિઝર્વ બેંકના નિર્ણયે ફરીથી દેશભરના પેટ્રોલ પંપો પર ફરી એવી વિકટ પરિસ્થિતિ ઊભી કરી દીધી છે જેવી વર્ષ 2016ની નોટબંધી વખતે સર્જાઇ હતી. આ દરમિયાન ટેક્સ અધિકારીઓ દ્વારા ફ્યૂઅલ ડીલરોની કનડગત કરવામાં આવે તેવી પણ આશંકા વ્યક્ત કરી હતી.

અમને ડર છે કે હાલની પરિસ્થિતિને કારણે અમારે ફરીથી એવી જ સમસ્યાઓનો સામનો કરવો પડશે જેવું નોટબંધી બાદ થયુ હતુ. કારણ કે, તે વખતે મોટાભાગના ડીલરોને આવકવેરાની નોટિસ મળી હતી.

એસોસિએશને ગ્રાહકોને કાર્ડનો ઉપયોગ કરીને અથવા ડિજિટલ પેમેન્ટ કરવા વિનંતી કરી છે.

આ પણ વાંચોઃ SBIએ કહ્યું- 2000ની નોટ બદલવા માટે ID પ્રૂફની જરૂર નથી, કોઈ ફોર્મ ભરવું પડશે નહીં

ગુજરાતમાં પેટ્રોલ પંપ પર 2000ની નોટનું પેમેન્ટ 40-50 ટકા વધ્યુ

દેશભરમાં વાહનમાં ફ્યૂઅલ પુરાવવા માટે પેટ્રોલ પંપ 2000ની નોટનો ઉપયોગ નોંધપાત્ર વધ્યો છે. જો ગુજરાતની વાત કરીયે તો પેટ્રોલ પંપ પર 2000ની નોટમાં પેમેન્ટ કરવાનું પ્રમાણ 40 થી 50 ટકા વધ્યુ છે એવું જણાવતા ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી ધીમંતભાઇ ઘેલાણી જણાવે છે કે, કેટલાંક વાહન ચાલકો વાહનમાં 100 રૂપિયાના ફ્યૂઅલ સામે 2000ની નોટ આપીને 1900 રૂપિયા છુટા લઇ જાય છે. આવી સ્થિતિમાં અમારી પાસે માન્ય ચલણી નોટોનું પ્રમાણ ઘટી જાય છે. જો અમે વધારે પ્રમાણમાં 2000ની નોટો બેંકમાં જમા કરાવીયે તો આવકવેરા વિભાગના શંકાના દાયરામાં આવી શકીયે છીએ. નોંધનિય છે કે, ગુજરાતમાં સરકારી ઓઇલ કંપનીઓના 4500 પેટ્રોલ પંપ છે. આ પેટ્રોલ પંપ પર દરરોજ 82,00,000 લીટર પેટ્રોલ અને 1,66,73,000 લીટર ડીઝલનું વેચાણ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ