ઓક્ટોબર મહિના દરમિયાન અનેક જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. ધ ફ્રી પ્રેસ જર્નલના એક રિપોર્ટ અનુસાર, છેલ્લા એક અઠવાડીયા દરમિયાન દેશમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં 60 થી 80 ટકાનો વધારો થયો છે. આ સાથે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં એટલે કે નવેમ્બરના પહેલા સપ્તાહમાં આ વસ્તુઓની કિંમત રેકોર્ડ સ્તરને સ્પર્શી શકે છે.
ઑક્ટોબર, 2022ની શરૂઆતમાં, છૂટક બજારમાં ડુંગળીની કિંમત 15-25 રૂપિયા પ્રતિ કિલો હતી, પરંતુ હવે તેની કિંમત 40 રૂપિયા પ્રતિ કિલો છે અને આગામી દિવસોમાં તે વધીને 50 રૂપિયા થઈ શકે છે. મતલબ કે અન્ય શાકભાજીના ભાવ પણ વધી શકે છે. જો કે, એવી દલીલ કરવામાં આવી રહી છે કે ડુંગળીનો જૂનો સ્ટોક ખતમ થઈ રહ્યો છે અને નવો સ્ટોક ખેડૂતો પાસેથી આવ્યો નથી. જેના કારણે ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
રિપોર્ટ અનુસાર, ગોડાઉનમાંથી ડુંગળીની ખરીદી પર 15 દિવસ દરમિયાન ડુંગળીના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો થયો છે. આ કારણોસર, ડુંગળીના ભાવ હાલમાં 15 થી 30 રૂપિયા પ્રતિ કિલો છે. વેપારીઓનું કહેવું છે કે, રવિ પાકના આગમન બાદ ભાવ સ્થિર થશે. ડુંગળીના કુલ ઉત્પાદનમાં રવિ ડુંગળીનો ફાળો 70 ટકા છે. જ્યારે ખરીફ ડુંગળી ખૂબ જ ઓછો ફાળો આપે છે પરંતુ સપ્ટેમ્બર-નવેમ્બરના ટૂંકા ગાળા દરમિયાન અછતને પહોંચી વળવામાં મદદ કરે છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં દેશની બે સૌથી મોટી દૂધ બ્રાન્ડ કંપનીઓ અમૂલ અને મધર ડેરીએ ફુલ ક્રીમ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કર્યો છે. ગુજરાત કોર્પોરેટ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધનો સપ્લાય કરે છે, તેણે અમૂલ ગોલ્ડ ફુલ ક્રીમ અને બફેલો મિલ્કના ભાવમાં રૂ. 2નો વધારો કર્યો છે, પરંતુ આ વધારો ગુજરાત રાજ્યમાં લાગુ કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો – ગુજરાત સિવાય બધા રાજ્યોમાં અમૂલ દૂધના ભાવ વધ્યા, લોકોએ કહ્યું – ‘ચૂંટણીના કારણે ડર…’
આ વધારા બાદ અમૂલ ગોલ્ડના એક લિટરની કિંમત 61 રૂપિયાથી વધીને 63 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે 500 mlના પેકની કિંમત 32 રૂપિયા થશે. ત્યાં ભેંસના દૂધની કિંમત 65 રૂપિયા પ્રતિ લિટર હશે. એ જ રીતે મધર ડેરીના દૂધની કિંમત 63 રૂપિયા પ્રતિ લિટર અને ગાયના દૂધની કિંમત 55 રૂપિયા થઈ ગઈ છે.