Happy Birthday Ratan Tata: પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનો જન્મદિવસ છે (Ratan Tata Birthday), આજે એટલે કે 28 ડિસેમ્બરે તેઓ 85 વર્ષના થઈ ગયા છે. રતન ટાટાની કહાની રસપ્રદ છે, તેમના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. જ્યારે ટાટા માત્ર 10 વર્ષના હતા ત્યારે તેમના માતા-પિતાથી અલગ થઈ ગયા હતા અને તેમનો ઉછેર તેમની દાદી દ્વારા થયો હતો. રતન ટાટા વર્ષ 1991માં પ્રથમ વખત ટાટા સન્સના ચેરમેન બન્યા હતા. તેમની સામે સૌથી મોટો પડકાર ટાટા જૂથની ઘણી કંપનીઓનું નેતૃત્વ બદલવાનો હતો. આ કંપનીઓનું નેતૃત્વ એવા લોકો કરતા હતા જેઓ કંપનીમાં દાયકાઓથી હતા અને એક રીતે કંપની પર કબજો કરી લીધો હતો.
રતન ટાટા પહેલા, જેઆરડી ટાટા 1938 થી 1991 સુધી ટાટા સન્સના ચેરમેન હતા. જેઆરડી ટાટાએ ગ્રુપની અલગ-અલગ કંપનીઓની કમાન રૂસી મોદી, દરબારી સેઠ અને અજીત કેરકરને આપી હતી. જેઆરડી ટાટાએ ક્યારેય તેમના કામમાં દખલગીરી કરી ન હતી, પરંતુ જ્યારે રતન ટાટા ગ્રુપના ચેરમેન બન્યા ત્યારે તેમણે નેતૃત્વ બદલવાનો નિર્ણય કર્યો.
પોતાની કંપનીમાં પરિવર્તન માટે લડવું પડ્યું
તે દિવસોમાં રૂસી મોદી ટાટા સ્ટીલના સીએમડી હતા. તેઓ વર્ષ 1939માં ટાટા સ્ટીલમાં જોડાયા અને 1984 સુધીમાં તેના ચેરમેન બન્યા હતા. એક રીતે તેમણે કંપનીનો કબજો મેળવી લીધો હતો. રતન ટાટાએ રૂસી મોદીને હટાવવા માટે કંપનીની નિવૃત્તિ નીતિનો એક હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો, જે મુજબ કોઈપણ જૂથની કંપનીના બોર્ડ ડિરેક્ટરને 75 વર્ષની ઉંમર પછી પદ છોડવું પડશે. રુસી મોદીને મજબૂરીથી આખરે જવું પડ્યું.
રતન ટાટાનું આગામી લક્ષ્ય દરબારી સેઠ હતા, જેઓ ટાટા કેમિકલ્સ અને ટાટા ટીના સર્વે સર્વા હતા. તેમને પણ કંપની છોડવાની ફરજ પણ પડી હતી, પરંતુ જતા-જતા તેમણે તેમના પુત્ર મનુ શેઠને ટાટા કેમિકલ્સના એમડી બનાવ્યા હતા, જોકે બાદમાં મનુએ પણ રાજીનામું આપવું પડ્યું હતું.
ત્યારપછીનો નંબર અજીત કેરકરનો હતો જેઓ તે દિવસોમાં ઈન્ડિયન હોટેલ્સનું નેતૃત્વ કરતા હતા. તેમણે તેમના પદ પરથી હટી જવાની તમામ આનાકાની કરી અને નિવૃત્તિ નીતિ મુજબ, તેમની પાસે હજુ થોડા વર્ષો બાકી હતા. જોકે રતન ટાટા ઈચ્છતા ન હતા કે તેઓ કંપનીમાં રહે. આ પછી, કેરકર વિરુદ્ધ FERA નિયમોમાં ગડબડીને આધાર બનાવવામાં આવ્યું હતું. કેરકરને પણ કંપની છોડવાની ફરજ પડી હતી. તમને જણાવી દઈએ કે, વર્ષ 1992 માં, રતન ટાટાએ કંપનીની નિવૃત્તિ નીતિને ફરીથી જીવંત કરી. વર્ષ 2002માં પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા.
હાર્વર્ડ બિઝનેસ સ્કૂલને 50 મિલિયન ડોલરનું દાન કર્યું
તમને જણાવી દઈએ કે, રતન ટાટાએ હાર્વર્ડમાંથી અભ્યાસ કર્યો છે. 2010 માં, તેમણે હાર્વર્ડને $50 મિલિયનનું દાન કર્યું. આ કારણે ત્યાં એક એક્ઝિક્યુટિવ સેન્ટર શરૂ કરવામાં આવ્યું અને તેને ટાટા હોલ નામ આપવામાં આવ્યું.
આ પણ વાંચો – વેણુગોપાલ ધૂતના વીડિયોકોન ગ્રૂપનું કથિત ₹ 90 હજાર કરોડનું લોન કૌભાંડ, જાણો ચર્ચિત નાદારી કેસની તમામ વિગત
રતન ટાટા ખિસ્સા વગરના શર્ટ પહેરવાના શોખીન છે અને તે ન્યૂયોર્કના ‘બ્રુક્સ બ્રધર્સ’ પાસેથી ખરીદે છે. ટાટાને માઉથ ઓર્ગન વગાડવાનો પણ શોખ છે. તેઓ હંમેશા જૂના ગીતો સાંભળે અને ગાય પણ છે.