ICICI બેન્કના લોન કૌભાંડના કેસમાં વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝના વડા વેણુગોપાલ ધૂતની સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશને (CBI) ધરપકડ કરતા ફરી વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝનું જંગી દેવું ચર્ચાનો વિષય બન્યો છે. આઇસીઆઇસીઆઇ બેન્કના તત્કાલિન સીઇઓ ચંદા કોચર અને વેણુગોપાલ ધૂતે સાંઠગાંઠ કરી બેન્કને કરોડો રૂપિયાનો ચૂનો લગાડ્યો છે. વેણુગોપાલ ધૂતના વીડિયોકોન ગ્રૂપના કથિત ₹ 90 હજાર કરોડનું લોન કૌભાંડ અને 13 ગ્રૂપ કંપનીઓ સામેના ચર્ચિત નાદારી કેસની તમામ વિગતો જાણો…
ચંદા કોચર, દિપક કોચર અને વેણુગોપાલ ધૂતનું લોન કૌભાંડ
વેણુગોપાલ ધૂતે ચંદા કોચરના પતિ દિપક કોચરની કંપની ન્યુપાવર રિન્યુએબલમાં રોકાણ કર્યુ હતુ તેની માટે વીડિયોકોન ગ્રૂપની કંપનીએ ICICI બેન્ક પાસેથી લોન લીધી હતી તે સમયે તેના વડા ચંદા કોચર હતા. વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝે ICICI બેન્ક પાસેથી 3250 કરોડ રૂપિયાની લોન મેળવી હતી અને તેના બદલામાં દિપક કોચરની કંપનીમાં 64 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતુ.
કેલેન્ડર વર્ષ 2009થી 2011 દરમિયન ચંદા કોચરના વડપણ હેઠળ ICICI બેન્કે વિડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ માટે 1875 કરોડ રૂપિયાની છ લોનને મંજૂરી આપી હતી. જો કે વિડિયોકોન ઇન્ડસ્ટ્રીઝે પરત ચૂકવણી ન કરતા આ લોન NPA (નોન પર્ફોર્મિંગ એસેટ્સ) બની ગઇ અને તેને બેન્કે લોન છેતરપીંડિ ગણાવી હતી.

CBIના જણાવ્યા અનુસાર, પદ્મ ભૂષણ પુરસ્કાર પ્રાપ્ત કરનાર ચંદા કોચરે પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો અને વીડિયોકોનને લોન મંજૂર કરવા બદલ તેના પતિ દિપક કોચરને વેણુગોપાલ તરફથી ખોટી રીતે આર્થિક લાભો અપાવ્યા હતા.
વીડિયોકોન ગ્રૂપ સામે કટ્ટર સ્પર્ધા અને જંગી લોન
વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝે વિવિધ બેન્કો પાસેથી મસમોટી લોન લીધી હતી. જો કે સતત ચોખ્ખી ખોટ અને કેટલાંક બિઝનેસ નિષ્ફળ જવાથી વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપ પર બેન્કોનું દેવું સતત વધતુ ગયુ અને વર્ષ 2017માં તેની વિરુદ્ધ નાદારીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપનો ટેલિકોમ બિઝનેસ નિષ્ફળ જવાથી લગભગ રૂ. 7,000 કરોડનું નુકસાન થયું હતું, તેમજ ગુજરાતમાં પિક્ચર ટ્યુબ પ્લાન્ટના આધુનિકીકરણમાં રૂ. 4,000 કરોડનો ખર્ચ થયો હતો. એલજી, સેમસંગ જેવી પ્રતિસ્પર્ધી કંપનીઓ તરફથી મળી રહેલી કટ્ટર હરિફમાં વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ વધારે સમય સુધી ટકી શકી નહીં અને મુખ્ય કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બિઝનેસ નબળો પડ્યો.
વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝની 13 ગ્રૂપ કંપનીઓ સામે નાદારીનો કેસ
સરકારી માલિકીની ધિરાણક્રતા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ 11,175 કરોડ રૂપિયાની વસૂલાત માટે ડિસેમ્બર 2017માં વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ સામે નાદારીની અરજી દાખલ કરી હતી. ત્યારબાદ આ કોર્પોરેટ ગ્રૂપની અન્ય 15 કંપનીઓ સામે ઇન્સોલ્વન્સી કેસ શરૂ કરવામાં આવ્યો હતો. જે કોઇ કોર્પોરેટ ગ્રૂપની સૌથી વધુ કંપનીઓ વિરુદ્ધ નાદારી કેસની સૌથી મોટી ઘટના છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર વર્ષ 2019માં વેણુગોપાલ ધૂતની માલિકીના વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપ ઉપર વિવિધ સરકારી અને ખાનગી બેંકો તેમજ અન્ય લેણદારોના લગભગ 90,000 કરોડ રૂપિયાથી વધારે લેણાં બાકી હતા. જેમાં વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પર 59,451.87 કરોડ રૂપિયા અને વીડિયોકોન ટેલિકોમ્યુનિકેશન્સ પર 26,673.81 કરોડ રૂપિયાનું દેવુ હતુ. વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપ ઉપર SBIનું સૌથી વધુ 11,175 કરોડ રૂપિયા તથા IDBI બેંકનું 9561 કરોડ રૂપિયાનું દેવું છે.

ધૂત પરિવારે બાકી લોનની પતાવટ કરવા અને વીડિયોકોન ગ્રૂપની 13 કંપનીઓને નાદારીની કાર્યવાહીમાંથી બહાર કાઢવા માટે બેન્કો- ધિરાણકર્તાઓને 30,000 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની ઓફર કરી હતી. જોકે લેણદારોએ ધ્રૂપ પરિવારની આ ઓફરને નકારી કાઢી હતી.
આ પણ વાંચોઃ ચંદા કોચર બાદ વીડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂતની CBIએ કરી ધરપકડ
નોંધનિય છે કે, ગત વર્ષે જૂનમાં, નાદારી કોર્ટ NCLTની મુંબઈ ખંડપીઠે ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની માલિકીના વેદાંતા ગ્રૂપની ટ્વિન સ્ટાર ટેક્નોલોજીસે વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને ટેકઓવર કરવા માટે રજૂ કરેલા રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. જો કે ડિસેમ્બર 2021માં ટેલિકોમ વિભાગે વિડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપના નાદારી કેસમાં NCLTએ આપેલા ચૂકાદાને નેશનલ કંપની લો એપલેટ ટ્રિ્બ્યુલનમાં (NCLAT) પડકાર્યો હતો. જેમાં NCLATએ જાન્યુઆરી 2021માં વેદાંતાની પ્રમોટેડ કંપની ટ્વીન સ્ટાર ટેક્નોલોજીસ દ્વારા રૂ. 2,692 કરોડની બિડની મંજૂરીને ફગાવી દીધા બાદ ધિરાણકર્તાઓએ વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝના રિઝોલ્યુશન પ્લાન માટે નવેસરથી બીડ મંગાવી હતી.