/indian-express-gujarati/media/media_files/2026/01/21/rbi-gold-reserve-1-2026-01-21-10-35-41.jpg)
RBI Gold Reserve : આરબીઆઈ પાસે કુલ 880.2 ટન ગોલ્ડ રિઝર્વ છે. Photograph: (Canva)
RBI Gold Reserve : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા વર્ષ 2025માં આઠ વર્ષના સૌથી ઓછું સોનું ખરીદવામાં આવ્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના અહેવાલ મુજબ, આરબીઆઈ એ 2025 માં કુલ 4.02 ટન સોનું ખરીદ્યું હતું, જે 2024 માં 72.6 ટન હતું. ગયા વર્ષની તુલનામાં, આરબીઆઈએ 2025માં લગભગ 94% ઓછું સોનું ખરીદ્યું હતું.
RBI પાસે કેટલું સોનું છે?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ 2025માં સોનાની ખરીદી 94 ટકા ઘટવા છતાં ભારતની મધ્યસ્થ બેંક પાસે જંગી સુવર્ણ ભંડાર છે. RBI પાસે રેકોર્ડ 880.2 ટન ગોલ્ડ હોલ્ડિંગ છે. 2024ના અંતમાં ગોલ્ડ રિઝર્વ 876.18 ટન હતું. આરબીઆઈના વિદેશી હૂંડિયામણના ભંડારમાં સોનાનો હિસ્સો પણ રેકોર્ડ ઉંચાઈએ છે. નવેમ્બર 2025 સુધીમાં, આરબીઆઈનું સોનું આધારિત ફોરેન એક્સચેન્જ રિઝર્વ 100 અબજ ડોલરથી વધુ હતું.
વર્ષ 2024માં સોનાની જંગી ખરીદી અને 2025માં સોનાના ભાવમાં તીવ્ર વધારાએ રિઝર્વ બેંકના વિદેશી હૂંડિયામણ ભંડારમાં સોનાનો હિસ્સો નોંધપાત્ર રીતે વધાર્યો છે, જે એક વર્ષમાં લગભગ 10 ટકાથી વધીને 16 ટકા થયો છે.
RBI ના આંકડા દર્શાવે છે કે માર્ચ 2021માં ભારતના ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો (ડોલરમાં) 5.87% હતો. માત્ર પાંચ વર્ષમાં આરબીઆઈનું ગોલ્ડ એસેટ્સ એલોકેશન લગભગ 6 ટકાથી વધીને 16 ટકા થઈ ગયું છે. તમામ ગોલ્ડ ડિપોઝિટ દેશમાં રાખવામાં આવતી નથી, કારણ કે આરબીઆઈના સોનાના ભંડારનો મોટો ભાગ વિદેશમાં તિજોરીમાં સુરક્ષિત છે.
5 મેના રોજ પ્રકાશિત વિદેશી હૂંડિયામણ અનામતના સંચાલન અંગેના આરબીઆઈના અર્ધવાર્ષિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, માર્ચ 2025 સુધીમાં, રિઝર્વ બેંક પાસે 879.59 મેટ્રિક ટન સોનું હતું, જેમાંથી 511.99 મેટ્રિક ટન દેશમાં રાખવામાં આવ્યું હતું. જ્યારે 348.62 મેટ્રિક ટન સોનું બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (બીઆઈએસ) પાસે સેફ કસ્ટડીમાં રાખવામાં આવ્યું હતું, જ્યારે 18.98 મેટ્રિક ટન સોનું ડિપોઝિટ તરીકે રાખવામાં આવ્યું હતું. ”
દુનિયાભરની મધ્યસ્થ બેંકો પાસે કેટલું સોનું છે?
સમગ્ર વિશ્વની મધ્યસ્થ બેંકો પાસે ડિસેમ્બર 2025 સુધીમાં સત્તાવાર રીતે 32,140 ટન સોનું છે. સેન્ટ્રલ બેંક દ્વારા સોનાની જંગી ખરીદીનો સિલસિલો વર્ષ 2022માં શરૂ થયો હતો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, વૈશ્વિક કેન્દ્રીય બેંકોએ 2022માં 1,082 ટન, વર્ષ 2023માં 1,037 ટન અને વર્ષ 2024માં રેકોર્ડ 1,180 ટન સોનું ખરીદ્યું હતું. કેન્દ્રીય બેંકો 2025માં 1,000 ટનનો આંકડો પાર કરે તેવી અપેક્ષા છે.
કેન્દ્રીય બેંકો દ્વારા રાખવામાં આવેલા વિદેશી હૂંડિયામણ ભંડારમાં સોનું 20% હિસ્સો ધરાવે છે, જે ડોલરના 46% હિસ્સા પછી બીજા ક્રમે છે. આ યુરોના 16 ટકા હિસ્સા કરતા વધારે છે. આ ઉપરાંત, વૈશ્વિક મધ્યસ્થ બેંકો હવે યુએસ ટ્રેઝરી બોન્ડ કરતાં વધુ સોનું ધરાવે છે. 1996 પછી પ્રથમ વખત, કેન્દ્રીય બેંકોના વિદેશી વિનિમય ભંડારમાં યુએસ ટ્રેઝરી બોન્ડ કરતાં વધારે સોનું છે.
વર્ષ 2025ના પ્રથમ બે ક્વાર્ટરમાં સેન્ટ્રલ બેંકની ખરીદીમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું હતું, જ્યારે પ્રથમ ક્વાર્ટરમાં 244 ટન અને બીજા ક્વાર્ટરમાં 166 ટન સોનાની ખરીદી કરવામાં આવી હતી.
વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે કેન્દ્રીય બેંકો દ્વારા મોટા પાયે સોનાની ખરીદીને કારણે 2022થી સોનાના ભાવમાં લગભગ 175% નો વધારો થયો છે. 2025માં સોનાના ભાવમાં 65% થી વધુનો વધારો જોવા મળ્યો હતો કારણ કે રોકાણકારોએ સલામત રોકાણ વિકલ્પો શોધવાનું ચાલુ રાખ્યું હતું.
સોનાના ભાવ ઐતિહાસિક ટોચ પર
સોના અને ચાંદીના ભાવ અટકવાનું નામ લઈ રહ્યા નથી. વૈશ્વિક ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોએ સલામત રોકાણના વિકલ્પો તરફ વળ્યા હોવાથી ચાંદીના ભાવ મંગળવાર, 20 જાન્યુઆરી, 2026ના રોજ અમદાવાદમાં 3,20,000 રૂપિયા પ્રતિ 1 કિલોની ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચ્યા હતા. તો પ્રતિ 10 ગ્રામ સોનાો ભાવ પણ 1,55,000 રૂપિયા રેકોર્ડ હાઇ થયો હતો. વધુ વાંચવા અહીં ક્લિક કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us