(અવિનાશ નાયર) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગુજરાતની બે શહેરી સહકારી બેંકો – વડોદરાની શ્રી છાણી નાગરિક સહકારી બેંક અને જામનગર પીપલ્સ કોઓપરેટિવ બેંકને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ નાણાકીય દંડ ફટકાર્યો છે. જેમાં શ્રી છાણી નાગરિક સહકારી બેંકને 4 લાખ રૂપિયા અને જામનગર પીપલ્સ કોઓપરેટિવ બેંકને 1 લાખનો દંડ કર્યો છે.
શ્રી છાણી નાગરિક સહકારી બેંકને 4 લાખ રૂપિયાનો દંડ
વડોદરા સ્થિત શ્રી છાણી નાગરિક બેંક વીમા કંપનીના એજન્ટ તરીકે કામગીરી કરતા તેના એક ડિરેક્ટર પાસેથી વીમા પૉલિસી ખરીદતી હોવાનું જાણવા મળ્યું હતું.
મધ્યસ્થ બેંક દ્વારા હાથ ધરવામાં આવેલા “બેંકના સ્ટેચ્યુટરી ઇન્સ્પક્શન” નો ઉલ્લેખ કરતા 3 માર્ચ, 2023ના રોજ RBIના નિવેદનમાં જણાવાયું છે કે, વડોદરા સ્થિત શ્રી છાણી નાગરિક બેંકે “તેના કર્મચારીઓ માટે તેના એક ડિરેક્ટર પાસેથી વીમા પૉલિસી ખરીદી હતી જે એક વીમા કંપનીનો એજન્ટ પણ હતો.”
બેંકે “એક એવી લોન પણ મંજૂર કરી હતી જેમાં એક ડિરેક્ટરના સંબંધીએ જામીનગીરી આપી હતી”. જો કે RBIએ આ ડિરેક્ટરનું નામ જાહેર કર્યું નથી. RBIએ જણાવ્યું હતું કે સહકારી બેંક નિર્ધારિત સમયમર્યાદામાં રિઝર્વ બેંકને છેતરપિંડીના પાંચ કેસની જાણ કરવામાં નિષ્ફળ રહી હતી, એકાઉન્ટનું સમયાંતરે અપડેટ કર્યું ન હતું અને તેને નોન પર્ફોમિંગ એસેટ્સ એટલે કે એનપીએ તરીકે વર્ગીકૃત કરી હતી.
RBI દ્વારા આ સહકારી બેંકને શો-કોઝ નોટિસ જારી કરવામાં આવી હતી અને તેના પ્રત્યુતરને જવાબને ધ્યાનમાં લીધા બાદ નિયમનકારી પાલનમાં ખામીઓ બદલ 4 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
જામનગર પીપલ્સ કોઓપરેટિવ બેંકને 1 લાખનો દંડ
તેવી જ રીતે જામનગર પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સહકારી બેંક પર “આવકની ઓળખ, સંપત્તિનું વર્ગીકરણ અને લોન અને થાએડવાન્સિસ માટેની જોગવાઈના ઉલ્લંઘન કરવાનો આરોપ છે.
RBIએ નોંધ્યું કે, જામનગર પીપલ્સ કોઓપરેટિવ બેંકે “નિયમિત ધોરણે તેની અસ્કયામતોને એનપીએ તરીકે વર્ગીકૃત કરી નથી અને પાકતી મુદતની સ્થિતિથી લઇને પરત ચૂકવણીની તારીખ સુધી બચત થાપણોને લાગુ પડતા દરે વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ રહી હતી.
આ પણ વાંચોઃ બેંકોમાં જમા ₹ 35,012 કરોડની થાપણોનો કોઇ દાવેદાર નથી, શું છે RBIનો નિયમ? જાણો
નોંધનીય છે કે, ડિસેમ્બર 2022માં RBIએ ગુજરાતની 17 વિવિધ બેંકો પર સમાન નાણાકીય દંડ લાદ્યો, જેમાં ભુજ મર્કેન્ટાઈલ કોઓપરેટિવ બેંક લિમિટેડ, અમદાવાદની બેંકો સામેલ હતી. તેવી જ રીતે જાન્યુઆરી 2023માં અમદાવાદની નૂતન નાગરિક સહકારી બેંકને 26 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.