દેશમાં ચલણી સિક્કાઓની અછતને દૂર કરવા ભારતીય રિઝર્વ બેંકે આજે જાહેર કરેલી મોનેટરી પોલિસીમાં એક મહત્વપૂર્ણ ઘોષણા કરી છે. રિઝર્વ બેન્ક એટીએમ મશીનની જેમ હવે દેશમાં QR કોડ આધારિત કોઇન વેન્ડિંગ મશીનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે. શરૂઆતમાં 12 શહેરોમાં આ પાયલોટ પ્રોજેકટ શરૂ કરાશે. જેમાં કોઈપણ વ્યક્તિ QR કોડ સ્કેન કરીને અને UPI વડે પેમેન્ટ કરીને કોઇન વેન્ડિંગ મશીનમાંથી ચલણી સિક્કા પ્રાપ્ત કરી શકે છે.
નવી નાણાકીય નીતિની ઘોષણા કરતી વખતે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, ટૂંક સમયમાં જ આરબીઆઈ એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે. જો આ પાયલોટ સફળ થશે તો બેંકોને આવા કોઇન વેન્ડિંગ મશીનો લગાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
UPI વડે પેમેન્ટ કરીને મશીનમાંથી સિક્કા પ્રાપ્ત કરી શકાશે
QR કોડ આધારિત કોઇન વેન્ડિંગ મશીનને સૌપ્રથમ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરવામાં આવશે જેમાં દેશના 12 શહેરોમાં આવા મશીન ઇન્સ્ટોલ કરાશે. ગવર્નર શક્તિકાંત દાસે 8 ફેબ્રુઆરીના રોજ MPC મીટિંગની ઘોષણા કરતી વખતે જણાવ્યું કે, ટૂંક સમયમાં દેશના 12 શહેરોમાં QR કોડ આધારિત કોઇન વેન્ડિંગ મશીન લગાડવામાં આવશે. આ પહેલથી સિસ્ટમમાં ચલણી સિક્કાની ઉપલબ્ધતા અને ટ્રાન્ઝેક્શનમાં સરળતા આવશે. કોઇન વેન્ડિંગ મશીનો એ ઓટોમેટિક મશીન છે જે બેંક કરન્સી નોટની સામે ચલણી સિક્કા આપશે.
આ મશીનો કેવી રીતે કામ કરશે
રિઝર્વ બેન્કના ગવર્નરના નિવેદન મુજબ, આ વેન્ડિંગ મશીનો બેંક નોટને બદલે યુપીઆઈનો ઉપયોગ કરીને ગ્રાહકના એકાઉન્ટમાંથી પૈસા મેળવશે અને તેટલી મૂલ્યના ચલણી સિક્કાઓ આપશે. આનાથી સિક્કાની ઉપલબ્ધતા સરળ બનશે. આ પાયલોટ પ્રોજેક્ટમાંથી મળેલા અનુભવના આધારે, આવા કોઇન વેન્ડિંગ મશીનોનો ઉપયોગ કરીને ચલણી સિક્કાના વિતરણ – ચલણને પ્રોત્સાહન આપવા માટે બેંકોને માર્ગદર્શિકા જારી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ હોમ લોનના વધતા EMIનો બોજ ઘટાડવાના ઉપાયો
UPIનો દાયરો વધશે
રિઝર્વ બેન્કે મર્ચન્ટ પેમેન્ટ્સ માટે ઈનબાઉન્ડ પ્રવાસીઓ માટે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) સુવિધા વિસ્તારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. શરૂઆતમાં આ સુવિધા G20 દેશોના મુસાફરો માટે હશે.