રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના રેપો રેટમાં વધારો કર્યા બાદ હવે ફરીવાર તમારી હોમ લોન સહિતની વિવિધ લોનના વ્યાજદર અને માસિક EMIમાં પણ વધારો થશે. જેમાં કાં તો, તો તમારે દર મહિને વધારે રકમના માસિક EMI ચૂકવવા પડશે અથવા જો માસિક ઇએમઆઇ સમાન રાખવાથી તમારી લોન ચૂકવણીના સમયગાળામાં વધારો થશે. પરંતુ શું એવું પણ બની શકે કે જેના દ્વારા તમે વ્યાજદર અને EMIના આ બોજને વધુ સારી રીતે ઘટાડી શકો અથવા તેનું મેનેજમેન્ટ કરી શકો? આવી કેટલીક ટ્રિક અંગે વિચારણા કરીને તમે આ બાબતે યોગ્ય નિર્ણય લઈ શકો છો. અત્રે ઉલ્લેખનિય છે કે, રિઝર્વ બેંકે 8 ફેબ્રુઆરી, 2023ના રોજ સતત છઠ્ઠી વખત રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો કરતા હવે તે 6.5 ટકા થયો છે.
જૂના વ્યાજદરની સિસ્ટમ ચાલુ રાખો
જો તમારી હોમ લોન હજુ પણ જૂની વ્યાજ સિસ્ટમ એટલે કે MCLR, BPLR અથવા બેઝ રેટ પર આધારિત છે અને તમારો વર્તમાન વ્યાજ દર EBLR કરતા ઓછો છે, તો તમારા માટે તેને ચાલુ રાખવું વધુ સારું રહેશે. કારણ કે, રેપો રેટમાં વધારો કર્યા બાદ, જૂની વ્યાજની પદ્ધતિમાં વ્યાજ દરોમાં વધારો કરવામાં વધુ સમય લાગે છે. ભવિષ્યમાં, જ્યારે પણ રિઝર્વ બેંક વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરશે, ત્યારે તમે તમારી લોનને EBLR પર સ્વિચ કરી શકો છો, કારણ કે તેમાં તમારા વ્યાજ દરમાં ઝડપથી ઘટાડો થશે.
હકીકતમાં જૂના વ્યાજદરની પદ્ધતિમાં તમારી હોમ લોનનો ઇન્ટરેસ્ટ રેટ બેઝ રેટ, માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ આધારિત લેન્ડિંગ રેટ (MCLR) અને બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ (BPLR) ના આધારે નક્કી કરવામાં આવે છે, જેમાં ફેરફાર થવામાં વધારે સમય લાગે છે. પરંતુ નવી પદ્ધતિ હેઠળ, એક્સટર્નલ બેન્ચમાર્ક લિંક્ડ રેટ (EBLR)ના આધારે વ્યાજદર નક્કી કરવામાં આવે છે, જેમાં રેપો રેટમાં વધારો અથવા ઘટાડો થવાની અસર ખૂબ જ ઝડપથી થતી હોય છે. આ જ કારણસર જૂની ઇન્ટરેસ્ટ રેટની પદ્ધતિ વ્યાજદર વૃદ્ધિના ચક્ર દરમિયાન વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
હોમ લોનને યોગ્ય સમયે સ્વિચ કે ટ્રાન્સફર કરો
જો તમે તમારી જૂની હોમ લોનને વ્યાજદરની નવી પદ્ધતિમાં સ્વીફ ઓફર કરવાનું એટલે કે બદલવાનું વિચારી રહ્યા છો, તો પહેલા જુઓ કે તમારી બેંક અથવા NBFC એ EBLR હેઠળ નવા ગ્રાહકોને ક્યાં વ્યાજદરે લોન ઓફર કરી રહી છે? જો નવા ગ્રાહકોને બહુ નીચા વ્યાજદરે લોન ઓફર કરવામાં આવી રહી છે, તો તમે નજીવો ચાર્જ ચૂકવીને નવા ઇન્ટરેસ્ટ રિઝિમ તરફ ડાયવર્ટ કરવાનું વિચારી શકો છો. પરંતુ જો તમારી બેંક આ સુવિધા આપવા માટે તૈયાર નથી અથવા અન્ય ધિરાણકર્તાઓ ખૂબ ઓછા વ્યાજ દરો ઓફર કરી રહ્યા છે, તો તમારી હોમ લોન અન્ય બેંક અથવા NBFC ને ટ્રાન્સફર કરવી વધુ સારું રહેશે. જેનાથી તમારા પર વ્યાજનો બોજ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.
જો તમારી લોન EBLR પર આધારિત હોય તો શું કરવું?
જો તમારી હોમ લોન પહેલેથી જ એક્સટર્નલ બેન્ચમાર્ક લિંક્ડ રેટ (EBLR) પર આધારિત છે, તો તમારી હાલની બેંક અથવા NBFC તરફથી તમને વધુ આકર્ષક વ્યાજદર મળવાની શક્યતા ઓછી છે. આવી સ્થિતિમાં, તમે તમારા વ્યાજ દરની અન્ય બેંકો અથવા NBFCની ઑફર્સ સાથે સરખામણી કરીને નિર્ણય લઈ શકો છો. જો તમારા વર્તમાન વ્યાજ દર અને બજારમાં ઉપલબ્ધ ઑફર્સ વચ્ચે 0.5 ટકાથી વધુનો તફાવત છે, તો લોન ટ્રાન્સફર કરાવવી તમારા માટે ફાયદાકારક સાબિત થશે. જો કે, આ સંબંધમાં કોઈપણ નિર્ણય લેતા પહેલા, નવા ધિરાણકર્તા કેટલા વિશ્વસનીય અને પારદર્શક છે તે તપાસો. સામાન્ય રીતે સરકારી બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ તેમની નીતિઓ વિશે માહિતી આપવામાં વધુ પારદર્શિતા અપનાવે છે. જો તમે તમારી લોન ખાનગી બેન્કને ટ્રાન્સફર કરવા ઇચ્છો છો તો, તો મોટી અને પ્રતિષ્ઠિત બેંકોની પસંદગી કરવી જોઈએ.
ક્રેડિટ સ્કોરમાં સુધારાનો ફાયદો ઉઠાવો
જો તમે તમારી હાલની હોમ લોન ઘણા વર્ષો પહેલા લીધેલી છે અને ત્યારથી તમારી નાણાકીય સ્થિતિ, પગાર વગેરેમાં નોંધપાત્ર વધારો થયો છે અને તમે હંમેશાથી સમયસર તમારી લોનનો માસિક EMI ચૂકવ્યા છે, તો તમારા લેટેસ્ટ ક્રેડિટ સ્કોરના આધારે બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ પાસેથી આકર્ષક લોન ઓફર મેળવવાનો પ્રયાસ કરી શકો છો. તમે જ્યારે વર્ષો પહેલા લોન લીધી હશે ત્યારે તમારો ક્રેડિટ સ્કોર એટલો સારો ન હોય તેવુ પણ હોય, આથી વધુ સારા ક્રેડિટ સ્કોરની સ્થિતિમાં તમે નીચા વ્યાજે લોન મળવી શકો છે. પ્રોપર્ટીની વેલ્યુએશનમાં વધારાને કારણે તમે વધુ સારી શરતો પર હોમ લોન પણ મેળવી શકો છો.
વહેલી તકે લોન ચૂકવવાનો પ્રયાસ કરો
જો તમારું કોઈ રોકાણ અથવા સંપત્તિ અત્યંત ઓછું રિટર્ન આપી રહી છે અથવા તમારી પાસે વધારે નાણાંકીય ભંડોળ છે, તો તમે તમારી ખર્ચાળ હોમ લોનનું પ્રીપેમેન્ટ એટલે કે મુદ્દત કરતા વહેલી ચૂકવણી કરવાનો પ્રયાસ કરી શકો છો. જો તમે સમય પહેલા સમગ્ર લોન ચૂકવી શકતા નથી, તો પણ તમે લોનના કેટલાક હિસ્સાનું પ્રીપેમેન્ટ કરીને વ્યાજનો બોજ ઘટાડી શકો છો. થોડાક વર્ષો પહેલા સુધી બેંક FD પર માત્ર 5-6 ટકા વ્યાજ મળતું હતું. જો તમારી પાસે આવી કોઈ FD પડેલી છે, તો તમે તેને તોડીને ઊંચા વ્યાજવાળી હોમ લોનનો બોજ ઘટાડી શકો છો.
આ પણ વાંચો : રિઝર્વ બેન્કે સતત છઠ્ઠી વખત રેપોરેટ વધાર્યા, લોનધારકોની મુશ્કેલી વધશે
નવી કર વ્યવસ્થાની ગણતરી પણ ચકાસી લો
વધુ એક વાત, જો તમે વ્યાજ અને મુદ્દલની ચુકવણી પર ઉપલબ્ધ ઇન્કમ ટેક્સ બેનિફિટ્સને કારણે હોમ લોનની વહેલી ચુકવણી કરવામાં સંકોચ અનુભવતા હોવ, તો હવે તમારી પાસે નવી ઇન્કમ ટેક્સ સિસ્ટમનો વિકલ્ ઉપલબ્ધ છે, જેમાં કેટલાક વિશેષ ઇન્કમ સ્લેબમાં આવતા કરદાતાઓને હોમ લોનની રકમ અને વ્યાજ પર મળતા ટેક્સ બેનિફિટ વગર પણ તમે પહેલાની તુલનાએ ઓછો ટેક્સ ચૂકવવો પડશે. આથી તમારા ટેક્સ કન્સલ્ટન્ટની મદદ વડે તમે તમારી લોનની ગણતરી કર્યા બાદ નિર્ણય લઈ શકો છો.