RBI Monetary Policy February 2023 News: રિઝર્વ બેંકે આ વર્ષના મે મહિનાથી છઠ્ઠી વખત વ્યાજ દરોમાં વધારો કર્યો છે. મોંઘવારીના કારણે દેશની અર્થવ્યવસ્થાને પણ અસર થઈ રહી છે અને રિકવરીમાં અડચણ આવી રહી છે. આવી સ્થિતિમાં, ફુગાવાને કાબૂમાં રાખવા માટે, રિઝર્વ બેંક (RBI) એ આજે એટલે કે 8 ફેબ્રુઆરી, 2023 ના રોજ ફરીથી વ્યાજ દરોમાં વધારો કર્યો છે. આરબીઆઈએ રેપો રેટ (rbi repo rate) માં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે, જેના કારણે તે 6.25 ટકાથી વધીને 6.50 ટકા થઈ ગયો છે. આ પહેલા ડિસેમ્બર 2022માં રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટ્સ, 30 સપ્ટેમ્બરે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ્સ, ઓગસ્ટ 2002માં 50 બેસિસ પોઈન્ટ્સ, જૂનમાં 50 બેસિસ પોઈન્ટ્સ અને મેમાં 40 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો હતો.
FY24: GDP વૃદ્ધિ 6.4% રહેવાનો અંદાજ
આરબીઆઈ ગવર્નરનું કહેવું છે કે, નાણાકીય વર્ષ 24 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ 7.8 ટકાના દરે શક્ય છે. જ્યારે નાણાકીય વર્ષ 24 માં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 6.4 ટકા રહેવાની ધારણા છે. FY23માં ફુગાવો 6.7 ટકાથી ઘટીને 6.5 ટકા થવાની ધારણા છે. જ્યારે FY23 ના ચોથા ક્વાર્ટરમાં ફુગાવાનો દર 5.9 ટકાથી ઘટીને 5.6 ટકા થવાની ધારણા છે. કેન્દ્રીય બેંકે ચાલુ નાણાકીય વર્ષ 2022-23 માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ 6.8 ટકાથી વધારીને 7 ટકા કર્યો છે.
નબળી માંગ હજુ પણ વૃદ્ધિ માટે ચિંતાનો વિષય છે
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે, છેલ્લા લગભગ 3 વર્ષોમાં વિવિધ પડકારોને કારણે વિશ્વભરની કેન્દ્રીય બેંકો માટે નાણાકીય નીતિના સ્તરે પડકાર ઉભો થયો છે. મોનેટરી પોલિસી કમિટીના 6માંથી 4 સભ્યોએ રેપો રેટ વધારવાની તરફેણમાં મત આપ્યો હતો. દાસે કહ્યું, વૈશ્વિક અર્થવ્યવસ્થાની સ્થિતિ અત્યારે એટલી નબળી દેખાતી નથી, મોંઘવારી પણ ધીમે ધીમે નીચે આવી રહી છે. તેથી, સમિતિ હવે ઉદાર વલણને પાછું ખેંચવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની તરફેણમાં છે. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે, નબળી વૈશ્વિક માંગ, વર્તમાન આર્થિક વાતાવરણ સ્થાનિક વૃદ્ધિને અસર કરી શકે છે.
મે 2022 થી રેપો રેટ 6 ગણો વધ્યો છે
તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે મોંઘવારી ચરમસીમાએ પહોંચ્યા બાદ સેન્ટ્રલ બેંકે મે 2022થી વ્યાજ દરો વધારવાની પ્રક્રિયા શરૂ કરી હતી. મે મહિનાથી અત્યાર સુધીમાં વ્યાજ દરમાં 6 વખત વધારો થયો છે. નિષ્ણાતોના મતે રિટેલ ફુગાવો રિઝર્વ બેન્કના 6 ટકાના સંતોષજનક સ્તરથી નીચે આવી ગયો છે. તો, એપ્રિલથી શરૂ થતા આગામી નાણાકીય વર્ષમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ની વૃદ્ધિ ધીમી થવાની ધારણા છે.
આ પણ વાંચો – Milk Prices: કેમ વારંવાર દૂધના ભાવ વધી રહ્યા છે? 2022માં જ 8 રૂપિયાનો થયો વધારો
રેપો રેટ શું છે
રેપો રેટ એ વ્યાજ દર છે કે, જેના પર વ્યાપારી બેંકો તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે મધ્યસ્થ બેંક પાસેથી ઉધાર લે છે. આમાં વધારાનો અર્થ એ છે કે બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી લીધેલી લોન મોંઘી થશે અને વર્તમાન લોનના માસિક હપ્તા (EMI) વધશે.