ગોલ્ડ બોન્ડ એટલે સોનામાં રોકાણ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જાણો તેના ફાયદા અને નવો બોન્ડ ઇશ્યૂ ક્યારે ખુલશે

Sovereign Gold Bond scheme: સોનામાં રોકાણ (Gold investment) સૌથી સુરક્ષિત ગણાય છે જો કે તેની કિંમતમાં (Gold price) મોટી વધ-ઘટ થતી રહી છે. આવી સ્થિતિમાં સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ (Sovereign Gold Bond scheme) એ સોનામાં રોકાણ માટેનો શ્રૈષ્ઠ વિકલ્પ (safe investment options) છે. તેમાં પાકતી મુદ્દતે સોનાની કિંમત જેટલા વળતર ઉપરાંત દર વર્ષે વ્યાજ કમાવવાની તક મળે છે, જાણો તેના ફાયદા (Gold bond Benefits) અને નવો ગોલ્ડ બોન્ડ ઇશ્યૂ (gold bond issue) ક્યારેય ખુલશે તેની વિગતો...

Written by Ajay Saroya
Updated : October 27, 2023 15:55 IST
ગોલ્ડ બોન્ડ એટલે સોનામાં રોકાણ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જાણો તેના ફાયદા અને નવો બોન્ડ ઇશ્યૂ ક્યારે ખુલશે

સોનાને સંકટ સમયની ‘સાંકળ’ કહેવાય છે અને ભારતીય સૌથી વધારે સોનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે. ભારતીયોનો સોના પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે અને ચીન બાદ ભારત સોનાનો સૌથી મોટો વપરાશકાર દેશ છે. દુનિયાભરમાં હાલ મંદીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે સોનામાં રોકાણ સૌથી સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે. અગાઉ કોરોના મહામારી અને હવે મંદીની આશંકા સોનાના ભાવ રોકેટ ગતિએ ફરી વધી રહ્યા છે. આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે જો આગામી દિવસોમાં શેરબજારોમાં મોટો કડાકો બોલાય તો રોકાણકારોનું સોના તરફ આકર્ષણ વધશે. સોનું રોકાણકારો માટે ફરીથી સલામત આશ્રયસ્થાન એટલે કે ‘સેફ-હેવન’ સાબિત થઈ શકે છે. અત્યારે તમારી પાસે સોનામાં રોકાણ કરવાની સારી તક છે. ભારત સરકાર આવતા સપ્તાહથી સસ્તું સોનું વેચવાનું શરૂ કરવા જઈ રહી છે. જાણો આ સોનું ખરીદવાની રીત અને તેના ફાયદાઓ વિશે…

સોવરિન ગોલ્ડ બોન્ડ એટલે શું?

સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ એ સોનામાં રોકાણ કરવા માટેની એક યોજના છે. આ ગોલ્ડ બોન્ડ રિઝર્વ દ્વારા જારી કરવામાં આવે છે. આ ગોલ્ડ બોન્ડ મારફતે રોકાણકારોને હાજર સોનાના બદલે ડિજિટલ સ્વરૂપે સોનામાં રોકાણ કરવાની તક મળે છે. જેનાથી રોકાણકારોને સોનાની ચોરી થવાની કે ખોવાઇ જવાની ચિંતા રહેતી નથી. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં સોનાની ભૌતિક આયાત ઘટાડવાનો અને વિદેશી હૂંડિયામણની બચત કરવાનો છે.

ગોલ્ડ બોન્ડનો નવો ઇશ્યૂ ક્યારે ખુલશે?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ફેઝ-2માં સોવરિન ગોલ્ડ બોન્ડ જારી કરશે. ગોલ્ડ બોન્ડનો નવો ઇશ્યૂ 19 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલશે. તો ત્યારબાદ નવો ઇશ્યૂ વર્ષ 2023માં 6 થી 10 માર્ચ સુધી ખુલશે. ભારત સરકાર વતી રિઝર્વ બેન્ક ગોલ્ડ બોન્ડ ઇશ્યૂ કરે છે. તેમાં રોકાણ કરવાના ઘણા ફાયદા છે.

સોવરિ ગોલ્ડ બોન્ડના મુખ્ય ફાયદાઓ

સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં મેચ્યોરિટી 8 વર્ષની હોય છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે સોનાના ભાવમાં આવેલા ઉછાળા ઉપરાંત રોકાણકારોને દર વર્ષે 2.5 ટકાનું વ્યાજ મળે છે. તે સોનાના ભાવમાં મોટી વધ-ઘટ દરમિયાન રોકાણકારોને રક્ષણ આપે છે.ગોલ્ડ બોન્ડની પાકતી વખતે રોકાણકારોને 999 શુદ્ધતા વાળા સોનાની કિંમત જેટલી રકમ મળે છે, જે પાકતી મુદ્દતે કરમુક્ત હોય છે.આ બોન્ડની મુદત 8 વર્ષની છે. પરંતુ 5 વર્ષ સુધી હોલ્ડિંગ કર્યા પછી, તમે તેમાંથી બહાર નીકળી શકો છો.આ બોન્ડનો ઉપયોગ લોન લેવા માટે કોલેટરલ એટલે કે જામીનગીરી તરીકે પણ થઈ શકે છે.

ગોલ્ડ બોન્ડ પર ટેક્સ લાગે છે?

ગોલ્ડ બોન્ડ પર મળતું વ્યાજ અર્ધવાર્ષિક ધોરણે રોકાણકારના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ વ્યાજ આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ કરપાત્ર છે. એક નાણાકીય વર્ષમાં, ગોલ્ડ બોન્ડમાંથી મળેલા વ્યાજને કરદાતાના અન્ય સ્ત્રોતોમાંથી આવક તરીકે ગણવામાં આવે છે. કરદાતા કયા સ્લેબમાં આવે છે તેના આધારે ટેક્સ વસૂલવામાં આવે છે. જોકે, પાકતી મુદત પર મળતું વળતર કરમુક્ત છે.

ગોલ્ડ બોન્ડની કિંમત કેવી રીતે નક્કી થાય છે?

ગોલ્ડ બોન્ડની કિંમત સબ્સ્ક્રિપ્શન પહેલાના અઠવાડિયાના છેલ્લા ત્રણ કામકાજના દિવસોમાં 999 શુદ્ધતાવાળા સોનાની સરેરાશ કિંમતના આધારે નક્કી કરવામાં આવે છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) 999 શુદ્ધતાના સોનાના ભાવ જાહેર કરે છે. આમ હાલ ગોલ્ડ બોન્ડની કિંમત પ્રતિ 10 ગ્રામ દીઠ 54,000 રૂપિયાની આસપાસ નક્કી કરવામાં આવી શકે છે. જો તમે ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માટે અરજી કરી છે અને તેની માટે ઓનલાઈન પેમેન્ટ કરો છો, તો રોકાણકારોને 50 રૂપિયા પ્રતિ ગ્રામ એટલે કે 10 ગ્રામ દીઠ 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

કેટલું રોકાણ કરી શકાય છે

સોવરિન ગોલ્ડ બોન્ડમાં ઓછામાં ઓછું 1 ગ્રામ સોનાના માટે રોકાણ કરવું જરૂરી છે. એક વ્યક્તિને મહત્તમ 4 કિલોગ્રામ સુધી અને ટ્રસ્ટ જેવી નાણાંકીય સંસ્થાઓને મહત્તમ 20 કિલો સુધીના ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની છૂટ છે. ભારતનો કોઇ પણ રહેવાસી અને હિંદુ અવિભાજિત કુટુંબ, ટ્રસ્ટો, યુનિવર્સિટીઓ અને ચેરિટેબલ સંસ્થાઓ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણ કરવા પાત્ર છે.

આ પણ વાંચોઃ દુબઇથી એક વ્યક્તિ ભારતમાં કેટલું સોનું લાવી શકે? કેટલો ટેક્સ ચૂકવવો પડે? 

ગોલ્ડ બોન્ડ ક્યાંથી ખરીદી શકાય?

ગોલ્ડ બોન્ડ બેંકો (સ્મોલ ફાઇનાન્સ બેંકો અને પેમેન્ટ બેંકો સિવાય), સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (SHCIL), ઓથોરાઇઝ્ડ પોસ્ટ ઓફિસો અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) જેવા સ્ટોક એક્સચેન્જો પરથી ખરીદી શકાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ