scorecardresearch

શેર બજાર : ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં જોખમ કેમ વધારે હોય છે, નુકસાનથી બચવા કઇ બાબતો ધ્યાનમાં રાખવી? જાણો માર્કેટ એક્સપર્ટ્સ પાસેથી

Stock Intraday Trading : સામાન્ય રીતે ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં ઉંચા જોખમને જોતા નવા અને નાના રોકાણકારોને દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

Stock trading
ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન 95 ટકા રોકાણકારોને નુકસાન થાય છે. ( એક્સપ્રેસ ફોટો)

શેરબજારમાં મોટાભાગના લોકો જંગી નફો – કમાણી કરવાના વિચાર સાથે આવે છે. આ ક્ષેત્રના નિષ્ણાત ખેલાડીઓ નવા રોકાણકારોને લાંબા ગાળાના રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપે છે. પરંતુ શક્ય તેટલી ઝડપથી નાણાં કમાવવાની લાલચમાં મોટાભાગના રોકાણકારો પૈસા ગુમાવી દેતા હોય છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગ એ બજારમાં પૈસા કમાવવાનો સૌથી સહેલો રસ્તો છે, પરંતુ અનુભવી રોકાણકારો – જેઓ શેરબજારની તમામ આંટીઘૂંટીને સમજે છે, જેઓ જોખમ લેવાની અને નુકસાન સહન કરવાની ક્ષમતા ધરાવે છે, તેઓ આ રમતમાં જીતે છે. શેરબજારના બ્રોકર એન્જલ વનના જણાવ્યા અનુસાર, 95 ટકા રોકાણકારો ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ દરમિયાન નુકસાનનો સામનો કરે છે. તો ચાલો જાણીએ, ઇન્ટ્રાડે ટ્રેડિંગ શું છે અને તે કેટલું જોખમી છે અને શા માટે રિટેલ રોકાણકારોને તેનાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે? આ લેખમાં, આપણે એ પણ સમજીશું કે એવી કઇ આંટીઘૂંટીઓ છે જેને ટ્રેડિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ.

ઇન્ટ્રાડે ટ્રેડિંગ અને સ્ટોક માર્કેટમાં રોકાણ વચ્ચે શું તફાવત છે?

ઈન્ટ્રા-ડે ટ્રેન્ડિંગ અને સ્ટોક માર્કેટ ઈન્વેસ્ટમેન્ટ વચ્ચે આકાશ-જમીન જેટલો તફાવત છે. સામાન્ય રીતે રોકાણ તેને કહેવાય છે, જ્યાં તમે તમારી મૂડીનું લાંબા ગાળા માટે રોકાણ કરો અને તે થાપણો પર થોડુંક વળતર મેળવો છે. આ રોકાણ ઘણા વર્ષો સુધી ચાલે છે પરંતુ ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં આ બધું એક દિવસમાં થાય છે. થોડી મિનિટો કે કલાકોની રમતમાં, તમે નફો કમાવો છો અથવા નુકસાન સહન કરો છો.

ICICI સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ સૌરવ સુલતાનિયા ફાઇનાન્શિયલ એક્સપ્રેસને જણાવે છે કે, “ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ અને લાંબા ગાળાનું રોકાણ એ અલગ-અલગ ટાર્ગેટ, સમયમર્યાદા અને જોખમ ક્ષમતા સાથે અલગ-અલગ રોકાણના સ્વરૂપ છે. ઇન્ટ્રા-ડે ટ્રેડર્સ શેરની વધઘટથી શોર્ટ ટર્મ પ્રોફિટ મેળવે છે, જ્યારે લાંબા ગાળાના રોકાણકારો મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતી કંપનીઓમાં રોકાણ કરીને સમયની સાથે નફો મેળવે છે.

પ્રભુદાસ લીલાધરના ટેકનિકલ રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ વૈશાલી પારેખ કહે છે કે, “મુખ્ય મંત્ર એ છે કે ‘મોટાભાગની સંપત્તિનું સર્જન ઇન્ટ્રા – ડે ટ્રેડિંગ દ્વારા નહીં પણ રોકાણ મારફતે થાય છે.’ કંપનીના ફંડામેન્ટલ્સ પર સંશોધન કર્યા પછી ટૂંકા ગાળામાં ક્વોલિટી સ્ટોક્સમાં રોકાણ કરવાથી પણ સારો નફો થઈ શકે છે.”

કેમ 95% રોકાણકારોને ઇન્ટ્રા-ડેમાં નુકસાન થાય છે?

શેરબજારમાં લગભગ 90-95% રોકાણકારોને ઇન્ટ્રા-ડેમાં નુકસાન થાય છે. શા માટે? વેલ્થડેસ્કના વેલ્થબાસ્કેટ ક્યુરેટર નિરાકર પ્રધાન તેના ચાર કારણો જણાવે છે.

  • મોટાભાગના રોકાણકારો બજારના વર્તન પાછળના કારણોને સમજતા નથી.
  • રોકાણકારોમાં રિસ્ક મેનેજમેન્ટનો અભાવ હોય છે. મોટાભાગના લોકો ‘કટ લોસ’ અને ‘બુક-પ્રોફિટ’ની આંટીઘૂંટીથી અજાણ હોય છે.
  • ટ્રેડિંગમાં ટ્રાન્ઝેક્શન કોસ્ટ (Transaction Cost ઘણી વધારે છે.
  • ઈન્ટ્રા-ડે ટ્રેડિંગ સામાન્ય રીતે લાગણી, અફવા અને ટોળાની માનસિકતા પર આધારિત હોય છે.

આખરે, મોટાભાગના રોકાણકારો આમાં કેમ નિષ્ફળ જાય છે તે મામલે સૌરવ સુલતાનિયા જણાવે છે કે, આ એક લાગણીશીલ બિઝનેસ છે. આમાં લોકોના નિર્ણય પર લાગણીઓ હાવી હોય છે. ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ ખૂબ જ ભાવનાત્મક હોઈ શકે છે, જે ઘણા આવેગજન્ય નિર્ણયો તરફ દોરી જાય છે, જેના પરિણામે નુકસાન થાય છે. ઉપરાંત યોગ્ય જાણકારીના અભાવે અને નિયમોનું પાલન ન કરવા અને ઓવર ટ્રેડિંગને કારણે નુકસાન થાય છે.

નાના રોકાણકારોએ કઇ-કઇ બાબતો ધ્યાનમાં રાખવી

જો તમે ઇન્ટ્રા – ડે ટ્રેડિંગમાં જોખમ હોવા છતા ટ્રેડિંગ કરવા કરવા માંગો છો તો તમારે કેટલીક બાબ ધ્યાનમાં રાખવી જોઈએ. જો કે જોખમ હોવાનો મતલબ એ નથી કે તમને ચોક્કસપણે નફો થશે.

પ્રયત્ન માઈક્રોફાઈનાન્સના સીઇએ સૌમ્યા શ્રીવાસ્તવ કહે છે કે, “જે રોકાણકારો ઈન્ટ્રાડે ટ્રેડિંગમાં સફળ થવા ઈચ્છે છે તેમણે રિસ્ક મેનેજમેન્ટ , માર્કેટ રિસર્ચ, ટ્રેડિંગની સચોટ વ્યૂહરચના, મૂડી વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ઉપરાંત સ્ટોપ-લોસ ઓર્ડર આપવા, રિસર્ચ કરવું, યોજના બનાવવી, લાગણીના આધારે ટ્રેડિંગ ન કરવાથી પણ જોખમ ઓછું થાય છે. જો કે, વૈશાલી પારેખ માને છે કે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં એક ખરાબ ટ્રેડિંગ પણ મહેનતથી કમાવેલા નફાને એક જ છાટકામાં સાફ કરી દે છે.

આ પણ વાંચોઃ એસઆઇપીમાં રોકાણ અંગેની 5 ખોટી માન્યતાઓ, લાંબા ગાળે કમાણી વધારવામાં કરશે મદદ

ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ એક પ્રકારનો સટ્ટો છે?

ઈન્ટ્રાડેમાં કેટલું જોખમ છે તે બાબતને લઇને ભારતીય શેરબજારના ‘બિગ બુલ’ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલા પણ તેનાથી બચવાની સલાહ આપે છે. શું ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ એક પ્રકારનો સટ્ટો છે? આ અંગે સૌરવ સુલતાનિયા કહે છે, “જેમની પાસે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કેવી રીતે થાય છે તેની મર્યાદિત જાણકારી હોય, તો તેમની માટે તે એક સટ્ટો છે. પરંતુ તેની પાછળ પણ ચાર્ટ અને ટ્રેન્ડનું વિજ્ઞાન છે. જો કે જેઓ ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ કરવા માગે છે તેઓએ હજુ પણ અનુભવી અને સેબીના રજિસ્ટર્ડ એનાલિસ્ટોની સલાહ લેવી જોઈએ. બીજી તરફ સૌમ્યા શ્રીવાસ્તવ કહે છે કે તે સંપૂર્ણપણે લાગણીઓ પર આધારિત છે અને ટેકનિકલ/ફન્ડામેન્ટલ એનાલિસિસ વગર કરવામાં આવેલું ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ જુગાર જેવું હોઈ શકે છે.

Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.

Web Title: Stock market intraday trading risk avoid loss your money

Best of Express