બેકાબૂ મોંઘવારી, વધતા વ્યાજદર, વૈશ્વિક સ્તરે યુદ્ધ, કોવિડ-19 મહામારીના ઓછાયા વચ્ચે વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીના ભયનો સામનો કરી રહ્યા છે અને દહેશતનો આ માહોલ વધારે ગંભીર સ્વરૂપ ધારણ કરશે તેવી સંભાવના છે. વર્ષ 2022 બહુ જ પીડાદાયક વિત્યુ છે અને વર્ષ 2023 પ્રોત્સાહક રહેવાની આશા રાખવામાં આવી રહી છે. શેરબજાર માટે નવુ વર્ષ કેવું રહેશે? આ પ્રશ્નોનો જવાબ 6 પરિબળોમાં છુપાયેલો છે, જે વર્ષ 2023માં દેશના શેરબજારને ઉંડી અસર કરી શકે છે.
(1) ફુગાવો અને નાણાકીય નીતિ
વર્ષ 2022નું સમગ્ર વર્ષ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે મોંઘવારી અંકુશમાંથી બહાર જવાની ચિંતાથી ભરેલું વિત્યુ. ફુગાવાને અંકુશમાં રાખવા માટે વ્યાજદરમાં વારંવાર વૃદ્ધિ કરવા જેવા પગલા લેવામાં આવ્યા હતા. તેનાથી કિંમતો અમુક અંશે નિયંત્રણમાં આવી હતી, પરંતુ નાણાંની તરલતામાં ઘટાડો અને મોંઘી લોનની અસર આર્થિક રિકવરી પર પણ પડી હતી. તેણે રોજગાર અને વિકાસદર સામે સમસ્યા ઊભી કરી. આગામી વર્ષે તમામ વૈશ્વિક બજારોની નજર આ તમામ બાબતો પર રહેશે.
તાજેતરના આંકડા દર્શાવે છે કે અમેરિકાની સ્થિતિ એટલી ખરાબ નથી જેટલી થોડાક સમય પહેલા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ યુરોપના ઘણા મોટા દેશોની હાલત સારી નથી. આવી સ્થિતિમાં, 2023 દરમિયાન, ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ આ તમામ બાબતો દુનિયાભરના બજારોની ચાલને પ્રભાવિત કરે તેવી સંભાવના છે.

(2) આર્થિક વૃદ્ધિ દર
વૈશ્વિક અર્થવ્યવસ્થાની પડકારજનક પરિસ્થિતિઓ જણાવી રહી છે કે ભારતીય અર્થવ્યવસ્થા અને માર્કેટ્સની ગ્રોથ સ્ટોરી એટલે કે વિકાસની કહાણી મુખ્યત્વે દેશની આંતરિક માંગના દમ પર આગળ વધશે. ભારત માટે સારી વાત એ છે કે આપણી અર્થવ્યવસ્થા વિશ્વના અન્ય મોટા દેશોની સરખામણીમાં સારી સ્થિતિમાં દેખાઇ રહી છે. મોટાભાગના નિષ્ણાંતોનો અનુમાન છે કે ભારતીય અર્થતંત્રમાં રિકવરીની પ્રક્રિયા 2023માં પણ ચાલુ રહેશે. મૂડી ખર્ચને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા તમામ પગલાંઓ, તેના ફાયદા કંપનીઓની સારી બેલેન્સ શીટના રૂપમાં જોવા મળશે. તેનાથી ભારતીય શેરબજારો પણ મજબૂત થવાની ધારણા છે.
(3) કેન્દ્રીય બજેટ 2023-24
1 ફેબ્રુઆરી 2023ના રોજ રજૂ થનાર દેશનું આગામી બજેટ પણ ભારતીય શેરબજાર પર ઉંડી અસર કરી શકે છે. આગામી નાણાકીય વર્ષ એટલે કે 2023-24 માટેનું આ કેન્દ્રીય બજેટ 2024માં યોજાનારી આગામી લોકસભા ચૂંટણી પહેલાનું છેલ્લું પૂર્ણ બજેટ હશે. આવી સ્થિતિમાં સરકાર આર્થિક પ્રવૃતિઓ અને તેના દ્વારા રોજગારને પ્રોત્સાહન આપતી નીતિઓ પર વધુ ભાર મૂકે તેવી પુરી સંભાવના છે. એકંદરે, નવા બજેટમાં ટૂંકા અને મધ્યમ ગાળામાં બજારને અસર કરતી નીતિઓ જાહેર થાય તેવી ઘણી શક્યતાઓ છે. જો સરકાર મધ્યમ વર્ગને ખુશ કરવા માટે ઇન્કમ ટેક્સના સ્લેબમાં છુટછાટ આપવા અથવા 80C હેઠળ રોકાણ રાહતની મર્યાદા વધારવા જેવી કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરે છે, તો તેનાથી પણ માંગને વેગ મળશે. સ્વાભાવિક છે કે, શેરબજારને પણ તેનાથી ફાયદો મળી શકે છે. ભૂતકાળમાં લોકસભાની ચૂંટણી પહેલા વર્ષમાં શેરબજારે સારો દેખાવ કર્યો છે. જો કે, ચૂંટણીલક્ષી ફાયદાઓ માટે લેવામાં આવતા લોકપ્રિય પગલાંઓ, જે અર્થતંત્રને કોઇ ફાયદો કરાવતા નથી, તે સરકારની આર્થિક તંદુરસ્તી માટે પણ પડકારરૂપ બની શકે છે. એકંદરે, નવા બજેટમાં જાહેર કરાયેલા નિર્ણયો અને નીતિઓની દિશા ગમે તે હોય, દેશના શેરબજારો પર તેની હકારાત્મક કે નકારાત્મક અસર થશે તે નક્કી છે.
(4) વિદેશી રોકાણકારોનો મૂડીપ્રવાહ
વર્ષ 2023માં વિશ્વના સમૃદ્ધ અને વિકાસશીલ દેશો વચ્ચે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI)નું મૂડીપ્રવાહ કઈ દિશામાં વહેશે તેની સીધી અસર શેરબજારને પ્રભાવિત કરશે. છેલ્લા બે વર્ષ દરમિયાન, ભારતીય શેરબજાર મોટાભાગે દેશના રિટેલ ઇન્વેસ્ટર્સ એટલે કે નાના રોકાણકારો દ્વારા સંચાલિત કરવામાં આવ્યા છે. પરંતુ નવા વર્ષમાં, જો વિદેશી રોકાણકારો ફરીથી ચોખ્ખા વેચવાલ (નેટ સેલર) બને, એટલે કે તેઓ નવા રોકાણની તુલનાએ વધારે વેચવાલી કરવાનું ચાલુ રાખે, તો ભાતીય માર્કેટ માટે ખરાબ બાબત ગણાશે.

અલબત્ત, તેનું બીજું પાસું એ છે કે, જો વર્ષ 2023માં વિશ્વના ઘણા સમૃદ્ધ દેશો આર્થિક મંદીનો શિકાર બને છે, તો ભારત વિદેશી રોકાણકારો માટે વધુ સારું ડેસ્ટિનેશન સાબિત થઈ શકે છે. જો કે તમામ પડકારો અને અનિશ્ચિતતાઓ વચ્ચે પણ 2022નું વર્ષ શેરબજારના રોકાણકારોને કઇને કઇ આપીને ગયું છે. મોટી અફરા-તફરી વચ્ચે પણ વર્ષ 2022માં સેન્સેક્સે 4.5 ટકા અને નિફ્ટીએ 4.33 ટકાનું રિટર્ન આપ્યું છે.
(5 )કોવિડ 19 ની અસર
આપણે બધાએ જોયું કે કેવી રીતે 2022ના છેલ્લા દિવસોમાં કોવિડ -19ની મહામારી ફરી એકવાર ચર્ચામાં આવી. નવા વર્ષમાં આ મહામારીના સંક્રમણની અસર શેરબજારો પર પણ થઇ શકે છે. ખાસ કરીને ચીનમાં, કોવિડ 19 વાયરસનું નવું વેરિયન્ટ ઝડપથી ફેલાવાને કારણે, જે રીતે આર્થિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાદવામાં આવ્યા હતા તેનાથી ચિંતાઓ વધી ગઇ છે. હવે તમામની નજર તેના પર રહેશે કે ચીનની અર્થવ્યવસ્થા ફરીથી ખુલ્યા બાદ કેટલી ઝડપથી ફરી પાટે ચઢે છે. વૈશ્વિક સપ્લાય ચેઇન અને વેપારમાં ચીનનું સ્થાન ખૂબ મહત્વનું છે, જે ભારત સહિત સમગ્ર વિશ્વને પ્રભાવિત કરે છે. આ પરિબળ નવા વર્ષમાં તમામ શેરબજારો પર પણ ઉંડી અસર કરશે તે સ્વાભાવિક છે.
આ પણ વાચોઃ સેન્સેક્સ-નિફ્ટીમાં 4 ટકા રિટર્ન સાથે વર્ષ 2022ની વિદાય, જાણો રોકાણકારોએ કેટલી કમાણી કરી
(6) રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ
રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ પણ આવી જ એક આંતરરાષ્ટ્રીય ઘટના છે, જે છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને માઠી અસર કરી રહી છે. નવા વર્ષમાં બંને દેશો વચ્ચેનો સંઘર્ષ જે પણ સ્વરૂપ ધારણ કરે, તેની અસર કૃષિથી લઈને ઉદ્યોગો અને આર્થિક વિકાસ દરથી લઈને શેરબજાર સુધીની દરેક બાબત પર પડશે તે વાત નક્કી છે. જો કે ભારતે આ યુદ્ધને કારણે સર્જાયેલી મુશ્કેલીઓનો ઘણા વિકસિત દેશોની તુલનાએ વધુ સારી રીતે સામનો કર્યો છે, તેમ છતાં નવા વર્ષમાં માર્કેટ એક્સપર્ટ્સ ચોક્કસપણે આ મહત્વપૂર્ણ ભૂ-રાજકીય મુદ્દા પર નજર રાખશે.