ફેબ્રુઆરી મહિનામાં સોના-ચાંદી અને શેરબજારમાં રોકાણકારોને નેગેટિવ રિટર્ન મળ્યું છે, જો કે કિંમતી ધાતુમાં ઇન્વેસ્ટમેન્ટ કરનારને સૌથી વધારે નુકસાન સહન કરવું પડ્યું છે. બજેટ મહિનો આમ પણ રોકાણકારો માટે એકંદરે ફ્લેટ રહેતો હોય છે. વૈશ્વિક અને સ્થાનિક નકારાત્મક પરિબળોને કારણે હાલ રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પડી રહ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં સેન્સેક્સ – નિફ્ટી અને સોના-ચાંદીમાં 10 ટકા સુધીનું નેગેટિવ રિટર્ન મળ્યું છે. જાણો શેમાં સૌથી વધારે નુકસાન થયું.
સેન્સેક્સ-નિફ્ટીમાં નેગેટિવ રિટર્ન
ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસ 28 ફેબ્રુઆરી,2023ના રોજ ભારતીય શેરબજાર વેચવાલી વચ્ચે રેડ ઝોનમાં બંધ થયું હતું. બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સ 326 પોઇન્ટની નુકસાનીમાં 59000ની સપાટીની નીચે 58962ના સ્તરે બંધ રહ્યો હતો. તેવી જ રીતે એનએસઇ નિફ્ટી- 50 ઇન્ડેક્સ 89 પોઇન્ટ ઘટીને 17304 લેવલ પર બંધ થયા છે. આમ ફેબ્રુઆરી મહિનામાં સેન્સેક્સમાં 587 પોઇન્ટ અને નિફ્ટીમાં 358 પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. ટકાવારીની દ્રષ્ટિએ સેન્સેક્સના 1 ટકાની સામે નિફ્ટીમાં બે ટકાનો માસિક ઘટાડો થયો છે. 31 જાન્યુઆરીના રોજ સેન્સેક્સ 59549 અને નિફ્ટી 17662ના સ્તરે બંધ રહ્યા હતા.
સોના કરતા ચાંદીમાં બમણું નુકસાન
ફેબ્રુઆરીની શરૂઆતમાં સોનું ઐતિહાસિક ઉંચી સપાટી બનાવ્યા બાદ સતત ઘટી રહ્યું છે. તો ચાંદી પણ બે વર્ષની ઉંચી સપાટીને સ્પર્શ્યા બાદ સતત ઘટી રહી છે. 28 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના ઝવેરી બજારમં 99.9 શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 200 રૂપિયા ઘટીને 57200 રૂપિયા થયો છે, 6 જાન્યુઆરી પછીનો સૌથી નીચો ભાવ છે. તો ચાંદીની કિંમત પણ 500 રૂપિયા ઘટી હતી અને પ્રતિ એક કિલોગ્રામનો ભાવ 64000 રૂપિયા થયો હતો, 3 ડિસેમ્બર પછીનો સૌથી નીચો ભાવ છે. તો 31 જાન્યુઆરીના રોજ સ્થાનિક બજારમાં સોના -ચાંદીનો ભાવ અનુક્રમે 58600 રૂપિયા અને 67500 રૂપિયા હતા. આમ માસિક ધોરણે રોકાણકારોને સોનામાં પ્રતિ 10 ગ્રામ દીઠ 1400 રૂપિયા કે 2.38 ટકાનું નુકસાન થયું છે. તેવી જ રીતે ચાંદીમાં પ્રતિ 1 કિગ્રા દીઠ 3500 રૂપિયા કે 5.18 ટકા નેગેટિવ રિટર્ન મળ્યું છે.
વિગત | 31 જાન્યુઆરી | 28 ફેબ્રુઆરી | ઘટાડો | ટકાવારી |
---|---|---|---|---|
સેન્સેક્સ | 59549 | 58962 | 587 | -1 ટકા |
નિફ્ટી | 17662 | 17304 | 358 | -2.02 ટકા |
સોનું | ₹58600 | ₹57200 | ₹1400 | –2.38 ટકા |
ચાંદી | ₹67500 | ₹64000 | ₹3500 | -5.18 ટકા |
સોનું ઐતિહાસિક ટોચથી 5 ટકા સસ્તુ થયું, ચાંદીમાં પણ 10 ટકાનો કડાકો
ફેબ્રુઆરીમાં સોના-ચાંદીમાં મોટી વધ-ઘટ જોવા મળી છે. 2 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામની 60500 રૂપિયાની ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શ્યા હતા. તો ચાંદી પણ ઉછળીને 71500 રૂપિયા પ્રતિ એક કિગ્રા થઇ છે. જો કે ત્યારબાદથી બંને કિંમતી ધાતુઓ સતત ઘટી અને ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે સોનું 57200 અને ચાંદી 64000 રૂપિયા થઇ હતી. આમ સોનું તેની ઐતિહાસિક ટોચથી પ્રતિ 10 ગ્રામ દીઠ 3300 રૂપિયા અને ચાંદી પ્રતિ 1 કિગ્રા દીઠ 7500 રૂપિયા સસ્તી થઇ છે. ટકાવારીની રીતે સોનું 5.45 ટકા અને ચાંદી 10.48 ટકા સસ્તી થઇ છે.
વિગત | 2 ફેબ્રુઆરી | 28 ફેબ્રુઆરી | ઘટાડો | ટકામાં |
---|---|---|---|---|
સોનું | ₹60500 | ₹57200 | ₹3300 | -5.45 ટકા |
ચાંદી | ₹71500 | ₹64000 | ₹7500 | -10.48 ટકા |