શેર બજારમાં નાણાંકીય વર્ષ 2022-23ના છેલ્લા ટ્રેડિંગ દિવસે 1000 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. વૈશ્વિક સ્તરેથી સાનુકુળ સંકેતો અને બ્લુચીપ સ્ટોકમાં સુધારાથી સેન્સેક્સ – નિફ્ટીમાં સારી એવી રિકવરી જોવા મળી હતી. શેરબજારમાં સુધારાની સાથે રોકાણકારોની સંપત્તિમાં પણ 3.4 લાખ કરોડ રૂપિયાનો ઉમેરો થયો હતો. જોકે નાણાંકીય વર્ષ 2022-23માં સેન્સેક્સ – નિફ્ટીમાં ઘટાડો થયો છે અને રોકાણકારો નેગેટિવ મળ્યું છે.
સેન્સેક્સ 1031 પોઇન્ટ વધ્યો, નિફ્ટીમાં 279 પોઇન્ટનો સુધારો
ભારતીય શેરબજારના મુખ્ય બેન્ચમાર્ક સેન્સેક્સે નાણાંકીય વર્ષ 2022-23ના છેલ્લા દિવસે મોટો ઉછાળો દેખાડ્યો છે. સેન્સેક્સ 31 માર્ચ, 2023ના રોજ ઉંચા ગેપમાં 58213ની સપાટીએ ખૂલીને 59068ની ઇન્ટ્રા-ડે ઉંચી સપાટી સુધી ગયો હતો. સેશનના અંતે 1031 પોઇન્ટના ઉછાળામાં 58991ના લેવલ પર બંધ થયો હતો. ટકાવારીની રીતે સેન્સેક્સ 1.8 ટકા મજબૂત થયો છે. તો વિતેલ નાણાંકીય વર્ષમાં સેન્સેક્સમાં 423 પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. 31 માર્ચ, 2022ના રોજ સેન્સેક્સ 58568ના લેવલ પર બંધ થયો હતો.
તો 31 માર્ચ 2023ના રોજ બેન્ચમાર્ક નિફ્ટી પણ 279 પોઇન્ટ વધીને 17359ના લેવલ પર બંધ થયો હતો. આમ નાણાંકીય વર્ષ 2022-23માં નિફ્ટી 105 પોઇન્ટ ઘટયો છે. 31 માર્ચ 2022ની રોજ નિફ્ટીનું ક્લોઝિંગ લેવલ 17464 હતું.
એક દિવસમાં રોકણકારોની સંપત્તિ 3.48 લાખ કરોડ વધી
નાણાંકીય વર્ષના છેલ્લા દિવસે સેન્સેક્સમાં હજાર પોઇન્ટ કરતા મોટો ઉછાળો આવ્યો છે જેના પગલે રોકાણકારોની સંપત્તિમાં પણ 3.48 લાખ કરોડનો ઉમેરો થયો છે. 31 માર્ચ 2023ના રોજ બંધ બજારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)ની માર્કેટકેપ 258.19 લાખ કરોડ રૂપિયા રહી હતી, જે 29 માર્ચ 2023ના રોજ 254.71 લાખ કરોડ રૂપિયા હતી. રામનવમી નિમિત્તે 30 માર્ચના રોજ શેરબજાર બંધ રહ્યા હતા. આમ એક જ દિવસમાં રોકાણકારોને 3.48 લાખ કરોડ રૂપિયાની કમાણી થઇ છે.
રોકાણકારોને એક વર્ષમાં 5.87 લાખ કરોડનું નુકસાન
જો વાર્ષિક ધોરણે વાત કરીયે તો નાણાંકીય વર્ષ 2022-23માં શેરબજારના રોકાણકારોને નુકસાન સહન કરવું પડ્યું છે. 31 માર્ચ 2022ના રોજ બીએસઇ ખાતે લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટકેપ 264.06 લાખ કરોડ રૂપિયા હતી, જે ઘટીને 31 માર્ચ 2023ના રોજ 258.19 લાખ કરોડ રૂપિયા રહી છે. આમ વિતેલ એક વર્ષમાં બીએસઇની માર્કેટકેપમાં 5.87 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે.
માર્ચ ક્વાર્ટરમાં સેન્સેક્સ 3 ટકા તૂટ્યો
કેલેન્ડર વર્ષ શેરબજાર માટે અત્યંત નિરાશાજનક રહ્યું છે. ભૂ-રાજકીય – આર્થિક સંકટના પગલે ભારત સહિત દુનિયાભરના શેરબજારમાં મોટા કડાકા બોલાયા છે. કેલેન્ડર વર્ષ 2023માં જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિકમાં સેન્સેક્સ 1,849 પોઇન્ટ કે 3 ટકા તૂટ્યો છે. 30 ડિસેમ્બર 2022ના રોજ સેન્સેક્સનું ક્લોઝિંગ લેવલ 60840 હતું અને 31 માર્ચ 2023ના રોજ સેન્સેક્સ 58991ના સ્તરે બંધ થયો છે. આમ વિતેલ ત્રણ મહિનામાં સેન્સેક્સમાં 1,849 પોઇન્ટનું ધોવાણ થયું છે. ઉલ્લેખનિય છે કે, નાણાંકીય વર્ષ 2022-23 દરમિયાન શેરબજારમાં મોટી વધ-ઘટ જોવા મળી હતી, જેમાં 17 જૂન 2022ના રોજ સેન્સેક્સ 50921ની વર્ષની સૌથી નીચી સપાટી બની હતી. તો 1 ડિસેમ્બર 2022ના રોજ સેન્સેક્સ 63583ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.