જો તમે નવુ વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે તો ડિસેમ્બર મહિનો 2022 સમાપ્ત થયા તેની પહેલા ખરીદી લેજો કારણ કે ત્યારબાદ ખરીદશો તો તમારે વધારે નાણાં ચૂકવવાની તૈયારી રાખવી પડશે. હાલ મોટાભાગની વ્હિકલ કંપનીઓ તેમના વાહનોની કિંમત જાન્યુઆરી મહિનાથી વધારવાની તૈયારી કરી રહી છે, જેમા ટાટા મોટર્સ પણ જોડાઇ ગઇ છે. ટાટા મોટર્સે જાન્યુઆરીથી તેના કોમર્શિયલ વ્હિકલની કિંમત વધારવાની ઘોષણા કરી છે.
જાન્યુઆરીથી ટાટા મોટર્સના કોમર્શિયલ વ્હિકલ મોંઘા થશે
વાહનોના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને સરભર કરવા માટે ઓટો કંપનીઓ તેમના વ્હિકલની કિંમતો વધારી રહી છે. ટાટા મોટર્સ જાન્યુઆરીથી તેના કોમર્શિયલ વ્હિકલની કિંમતમાં બે ટકા સુધીનો વધારો કરશે. કંપનીએ મંગળવારે એક નિવેદનમાં આ વાત કહી.

કંપનીના જણાવ્યા અનુસાર, જો કે કિંમતોમાં વધારો મોડલ-મૉડલ અને વેરિઅન્ટ મુજબ અલગ-અલગ હશે, તે કોમર્શિયલ વ્હિકલની સંપૂર્ણ સિરિઝ પર લાગુ થશે. ઓટો કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટાટા મોટર્સ વધેલા ખર્ચનો મોટાભાગનો બોજ પોતે ઉઠાવી રહી છે. પરંતુ કુલ ખર્ચમાં ઝડપી વધારાને કારણે કંપનીએ વાહનોની કિંમતમાં ઓછામાં ઓછો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
વર્ષ 2022માં ચાર વખત કિંમત વધારી
ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં દેશની અગ્રણી કંપની છે. કંપનીએ પહેલેથી જ જાહેરાત કરી છે કે તે એપ્રિલ, 2023માં અમલમાં આવનારા કડક પ્રદૂષણ ઉત્સર્જનના માપદંડોને પૂરો કરવા માટે આગામી મહિનાથી તેના પેસેન્જર વ્હિકલ્સની કિંમતોમાં વધારો કરવાનું વિચારી રહી છે.
કેલેન્ડર વર્ષ 2023માં કોમર્શિયલ વ્હિકલ્સની કિંમતોમાં વધારો કરવાનો ટાટા મોટર્સનો આ પહેલો નિર્ણય હશે. ઉલ્લેખનિય છે કે, વ્હિકલ કંપનીએ વર્ષ 2022ના જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબર મહિનામાં કોમર્શિયલ વ્હિકલ્સની કિંમત વધારી છે.
ટાટા મોટર્સના કોમર્શિયલ વ્હીકલની સિરિઝ
ટાટા મોટર્સ પાસે કોમર્શિયલ વાહનોની વિશાળ રેન્જ છે જેમાં Tata Ace, Tata Signa, Tata Ultra, Tata LPK, Tata SFC અને Tata LPTનો સમાવેશ થાય છે. ટાટા મોટર્સના કોમર્શિયલ વ્હિકલ્સની રેન્જ રૂ. 3.99 લાખથી શરૂ થઇને રૂ. 78.03 લાખ સુધીની છે.
આ પણ વાંચોઃ નવા વર્ષે કાર ખરીદવી મોંઘી પડશે, મારૂતિ સુઝુકી તમામ વાહનોની કિંમત વધારશે
કંપનીના કોમર્શિયલ વ્હિકલ લાઇનઅપમાં સૌથી મોંઘું મોડલ ટાટા સિગ્ના 2823 છે. ટાટાની ડ્રિલ રિગ (Tata K Drill Rig) એક પિકઅપ ટ્રક છે જેની કિંમત રૂ. 78.03 લાખ છે, કંપનીના આ વાહનમાં મિની ટ્રક, ટ્રક, ટીપર, ટ્રેલર અને ટ્રાન્ઝિટ મિક્સરનો પણ સમાવેશ થાય છે.