ગુજરાતમાં ભારતનો પહેલો સેમીકન્ડક્ટર ચીપ પ્લાન્ટ સ્થાપવાની વેદાંતા રિસોર્સેઝ કંપનીની યોજના પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. ગુજરાતમાં આ ચીપ પ્લાન્ટની સ્થાપના માટે ભારતીય ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની વેદાતા કંપનીએ તાઇવાનની Hon Hai precision industry એટલે કે ફોક્સકોન સાથે ભાગીદાર કરાર કર્યા હતા. જો કે અમુક કારણોસર આ પ્લાન્ટની સ્થાપવા મામલે હાલ કોઇ નોંધપાત્ર પ્રગતિ થઇ શકી નથી.
ચીપ પ્લાન્ટ સ્થાપવા 1.54 લાખ કરોડ રૂપિયાની જરૂર
વેદાંત લિમિટેડ વિદેશની ફોક્સકોન કંપનીની સાથે મળીને ગુજરાતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ સ્થાપવા કરાર કર્યા છે, જે ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચર્સ પ્લાન્ટ છે. આ ચીપ પ્લાન્ટની સ્થાપના માટે લગભગ 1.54 લાખ કરોડનું મૂડીરોકાણ થવાનું છે.
સેમીકન્ડક્ટરની સ્થાપના આડેના અવરોધો
લગભગ 1.54 લાખ કરોડનો ચીપ પ્લાન્ટ સ્થાપવા આડે એક ટેકનોલોજી પાર્ટનરની શોધ અને સરકાર પાસેથી નાણાંકીય સહાયતા હાંસલ કરવામાં પડકારોના લીધે સંકટ ઉભું થયું છે. અલબત્ત અત્યાર સુધી કોઇ ફેબ્રિકેશન યુનિટ ઓપરેટર કે લાઇસન્સ મેન્યુફેક્ચરિંગ ગ્રેડ ટેકનોલોજીનીસાથે વાતચીત સફળ થઇ નથી. સરકાર પાસેથી નાણાંકીય સહાયતા મેળવવા માટે તેમાંથી કોઇ એકની જરૂર પડે છે.
નોંધનિય છે કે, વેદાંતા એક મેટલ અને માઇનિંગ કંપની છે જ્યારે ફોક્સકોન આઇફોન એસેમ્બલ કરતી કંપની છે. આમ વેદાંતા અને ફોક્સકોન બંનેમાંથી કોઇ એકની પણ પાસે સેમીકન્ડક્ટર કે ચીપ અંગેની નિપુણતા નથી. ઉપરાંત નાણાંકીય મુશ્કેલીનો સામનો કરી રહેલી વેદાંતા કંપનીને સરકાર તરફથી પણ ફંડિગની આવશ્યકતા છે કારણ કે આ પ્રોજેક્ટમાં જંગી મૂડીરોકાણની જરૂર છે.
કંપનીએ પ્રોજેક્ટ કોસ્ટ વધારે દેખાડી – સરકાર
ભારતમાં પહેલો ચીપ પ્લાન્ટ સ્થાપવામાં સૌથી મોટી મુશ્કેલી નાણાંકીય ભંડોળની ઉપલબ્ધતા છે. કંપનીએ આ પ્લાન્ટ માટે સરકારની પાસે 1 હજાર કરોડ ડોલરના મૂડીરોકાણનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જો કે સરકારનું માનવું છે કે કંપનીએ વધારી-ચઢાવીને પ્રસ્તાવ રજૂ કર્યો છે અને તેમનો અનુમાન છે કે આ પ્રોજેક્ટમાં 1 હજાર કરોડ ડોલર નહીં હકીકતમાં 500 કરોડ ડોલરનો ખર્ચ થશે. જો તમામ આવશ્યકતાઓ પૂર્ણ થશે તો સરકાર પ્રોજેક્ટના કુલ ખર્ચની અડધી મૂડી આપશે.
આ ચીપ પ્લાન્ટ ભારતે માટે કેટલુ મહત્વપૂર્ણ છે ?
સેમીકન્ડક્ટર અને માઇક્રો ચીપ માટે ચીન અને તાઇવાન પર નિર્ભરતા ઘટાડવા માટે અમેરિકા સહિત દુનિયાભરના દેશો પોતાને ત્યાં ચીપનું મેન્યુફેક્ચરિંગ કરવાની યોજના ઘડી રહ્યા છે. આ કડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં ચીપના પ્રોડક્શનની માટે 1 હજાર કરોડ ડોલરની ડ્રાઇવ શરૂ કરી હતી. જો કે ભારતમાં અત્યાર સુધી આ અંગે કોઇ પ્રગતિ થઇ શકી નથી.
હાલ મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ નાની-મોટી તમામ ઇલેક્ટ્રિક પ્રોડક્ટમાં ચીપ એટલે કે સેમીકન્ડક્ટરનો ઉપયોગ થાય છે. કોરોના કાળમાં ચીન અને તાઇવાનમાં ચીપનું પ્રોડક્શન અટકતા સપ્લાય ઠપ્પ થઇ ગઇ હતી.