ચાલુ વર્ષે પણ ફેબ્રુઆરીમાં રેકોર્ડ ગરમીથી ઘઉં સહિતના કૃષિ પાકોના ઉત્પાદન પર પ્રતિકુળ અસર થવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે જેવું ગત પાછલા વર્ષે થયુ હતું. ફેબ્રુઆરી મહિનામાં જ દિવસનું તાપમાન સરેરાશ કરતા 5થી 7 ડિગ્રી સેલ્શિયલ ઉંચુ રહ્યુ છે. જળવાયુ પરિવર્તનની સાથે અચાનક વધી રહેલા તાપમાન ખેડૂતોની ચિંતા વધારી દીધી છે કારણ કે તેનાથી ઘઉં સહિતના વિવિધ કૃષિ પાકોના ઉત્પાદનમાં ઘટાડો થવાની ચિંતા છે. ઉંચા તાપમાનથી ઘઉંનો પાક 8થી 10 ટકા ઘટવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. હવામાનમાં આવેલા આ પરિવર્તનની અન્ય કૃષિ પાકો પર પણ માઠી અસર થઇ શકે છે.
ઉંચા તાપમાનથી ઘઉંના પાકને સૌથી વધુ જોખમ
ફેબ્રુઆરી મહિનામાં દિવસનું તાપમાન સરેરાશ કરતા ઉંચુ રહેવાથી પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ સહિત મુખ્ય ઘઉં ઉત્પાદક રાજ્યોમાં પાક સમય પહેલા પરિપક્વ થવાની ચિંતા સતાવી રહી છે. ઉંચા તાપમાનથી એક બાજુ પાક જલ્દી પરિપક્વ થઇ રહ્યો છે, તો બીજી બાજુ ઘઉંના દાણાનો પૂર્ણ રીતે વિકાસ થઇ રહ્યો નથી. પરિણામે ઘઉંનું ઉત્પાદન ઓછું રહી શકે છે. જો આગામી દિવસોમાં હવામાન સામાન્ય રહે તો ઘઉંના દાણાનો હજી વિકાસ થવાની શક્યતા રહેલી છે, પરંતુ ભયંકર તડકો અને ગરમ હવામાનની પરિસ્થિતિમાં પાક વહેલા પરિપક્વ થઇ જશે.
અપેક્ષા કરતા ઓછું ઉત્પાદન થશે
IIFના વાઇસ પ્રેસિડેન્ટ – રિસર્ચ (કોમોડિટી)ના અનુજ ગુપ્તાએ કહ્યું કે, વધી રહેલા તાપમાનથી ઘઉંના પાક પર થોડીક અસર થઇ શકે છે. તેમણે ઉમેર્યુ કે, પાછલા વર્ષે ઘઉંની કિંમતોમાં જંગી વધારો થયો હતો, જેને પગલે આ વખતે ખેડૂતોએ ઘઉંનું વાવેતર નોંધપાત્ર વધાર્યુ છે. વાવેતરમાં વૃદ્ધિથી ઉત્પાદન વધવાની પણ અપેક્ષા છે. એક અંદાજ મુજબ ચાલુ વર્ષે ઘઉંનું ઉત્પાદન 4.1 ટકા વધીને રેકોર્ડ બ્રેક 1122 કરોડ ટન થવાની સંભાવના છે. તેનાથી મહદંશે ડેમેજ કન્ટ્રોલ થઇ શકે છે. પરંતુ તેની કિંમત પર અસર થઇ શકે છે. તેમનું કહેવુ છે કે, સરકારે ગરીબ કલ્યાણ યોજનામાં ડિસ્ટ્રીબ્યૂશન વધારતા ગોદામ ખાલી પડેલા છે. પરિણામે આગામી સમયમાં ઘઉંના ભાવ વધી શકે છે.
કેડિયા કોમોડિટીઝના ડિરેક્ટર અજય કેડિયાનું કહેવુ છે કે, સમય પહેલા અત્યંત ગરમ હવામાનથી કેટલાંક વિસ્તારોમાં ઘઉંના દાણાનો વિકાસ થઇ રહ્યો નથી, પરિણામે તેની ઉત્પાદકતા ઘટી રહી છે. જો ઘઉંના પાકમાં નુકસાની 10 ટક કરતા વધારે રહી તો અનાજની કિંમતોમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. સરસવ, ધાણા અને જીરાના પાકને પણ અસર થઇ શકે છે.
આ પણ વાંચોઃ સરકાર ઘઉંનો 30 લાખ ટન જથ્થો ખુલ્લો બજારમાં વેચશે
ક્યાં – ક્યાં ઘઉંના પાકને માઠી અસર
ઓરિગો કોમોડિટીની મુજબ માર્ચ મહિનામાં ઉંચા તાપમાન અને હીટ વેવની આગાહી ઘઉંના પાક પર નકારાત્મક અસર કરશે. તેનાથી ઘઉંના પાકમાં અનાજના દાણાનો સંપૂર્ણપણે વિકાસ થવામાં પુરતો સમય મળી રહ્યો નથી, પરિણામે નુકસાન થઇ રહ્યું છે. ઉંચા તાપમાનની સૌથી વધુ અસર પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના ઘઉંના પાક પર જોવા મળી રહી છે, જ્યાં પાકનું મોડું વાવેતર કરવામાં આવ્યું હતુ. આથી અમારું માનવું છે કે, ઘઉંનું ઉત્પાદન 980 લાખ ટનની આસપાસ રહી શકે છે, જે પાછલા વર્ષની તુલનામાં 1.6 ટકા વધારે છે. નોંધનીય છે કે, અગાઉ પાછલા વર્ષની સરખામણીએ ઘઉંના ઉત્પાદનમાં ચાર ટકાનો વધારો થવાની ધારણા હતી.