ભારતની અગ્રણી અગ્રણી લિસ્ટેડ આઇટી કંપની વિપ્રોએ ફરી એકવાર શેર બાયબેકની જાહેરાત કરી છે. કંપની શેરધારકો પાસેથી તેના પોતાના શેર પાછા ખરીદશે. માર્ચ ક્વાર્ટર 2023ના નાણાંકીય પરિણામોની ઘોષણા કરતાં કંપનીના બોર્ડે 12,000 કરોડ રૂપિયાના શેર બાયબેક ઓફરને મંજૂરી આપી છે, જે કંપનીનું અત્યાર સુધીનું સૌથી મોટું બાયબેક હશે. શેર બાયબેકની ઘોષણા બાદ વિપ્રો કંપનીના શેરમાં તેજી જોવા મળી છે. હવે અહીંયા એ પ્રશ્ન ઊભો થાય છે કે જો તમારી પાસે વિપ્રો કંપનીના શેર હોય તો તમારે તેને બાયબેકમાં વેચવા જોઈએ? સ્ટોક અને રોકાણકારો માટે આનો અર્થ શું છે?
વિપ્રોનો શેર 3 ટકા ઉછળ્યો
12000 કરોડ રૂપિયાના શેર બાયબેકની ઘોષણા બાદ વિપ્રો કંપનીના શેરમાં 3 ટકાની તેજી જોવા મળી છે. ગુરુવારના 374 રૂપિયાના બંધ ભાવની સામે શુક્રવારે વિપ્રો કંપનીનો શેર 382ના ભાવ ખૂલીને ઉપરમાં 388 રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચ બનાવી સેશનના અંતે 2.9 ટકાની મજબૂતીમાં 385 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. બંધ બજારે કંપનીની માર્કેટકેપ 2,11,373 કરોડ રૂપિયા રહી હતી.
વિપ્રો ક્યા ભાવે શેર બાયબેક કરશે
વિપ્રો કંપનીએ 12000 કરોડ રૂપિયાના શેર બાયબેક કરવાની ઘોષણા કરી છે. આ માટે કંપની શેરધારકો પાસેથી પ્રતિ ઇક્વિટી શેર દીઠ 445 રૂપિયાના ના ભાવે 26.96 કરોડ ઇક્વિટી શેર ખરીદશે. જે બાયબેકની ઘોષણા કરાઇ તે દિવસ 27 એપ્રિલ, 2023ના બંધ ભાવ 372 રૂપિયાની તુલનાએ 19 ટકા ઉંચો ભાવ છે. આમ જો તમારી પાસે વિપ્રો કંપનીના શેર તો બાયબેક હેઠળ તમને 19 ટકા રિટર્ન મળી શકે છે. ટકાવારીની રીતે જોઇએ તો કંપની તેના કુલ ઇક્વિટી શેરના 4.91 ટકા ઇક્વિટી શેર બાયબેક કરશે.
8 વર્ષમાં 45500 કરોડનું બાયબેક
વિપ્રો દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલુ 12,000 કરોડનું શેર બાયબેક એ આ કંપનીનું સૌથી મોટું બાયબેક છે. બેંગલુરુ સ્થિત આઇટી કંપનીએ વર્ષ 2016થી અત્યાર સુધીમાં 4 વખત શેર બાયબેક કર્યા છે, જે હેઠળ છેલ્લા 8 વર્ષમાં કુલ 45,500 કરોડ રૂપિયા શેર બાયબેક કરવામાં આવ્યા છે. વિપ્રો કંપનીએ છેલ્લે 2020માં 9500 કરોડ રૂપિયાનું શેર બાયબેક કર્યા બાદ, તે સમયે કંપનીએ 400 રૂપિયાના ભાવે 23.75 કરોડ ઇક્વિટી શેર બાયબેક કર્યા હતા.
માર્ચ ક્વાર્ટરમાં નફો ઘટ્યો
વિપ્રો કંપનીનો માર્ચ ક્વાર્ટર 2023માં ચોખ્ખો 10 ટકા ઘટીને 3,149 કરોડ થયો છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન સમયગાળામાં 3,524 કરોડનો નફો થયો હતો. જો કે વાર્ષિક તુલનાએ કંપનીની આવક વર્ષ પૂર્વેના સમાન ત્રિમાસિક ગાલાના 20860 કરોડ રૂપિયાની સામે 11 ટકા વધીને માર્ચ ક્વાર્ટરમાં 23,190 કરોડ રૂપિયા થઇ છે.
જો તમારી પાસે વિપ્રો કંપનીના શેર છે તો તમારે શું કરવું જોઇએ?
માર્કેટ એનાલિસ્ટોનું માનનવું છે કે, વિપ્રોમાં શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ ધરાવતા રોકાણકારો માટે આ બાયબેક ઓફર રિટર્ન મેળવવાની એક સારી તક છે. ત્રિરિમાસિક પરિણામો બાદ મોટાભાગના માર્કેટ એક્સપર્ટ્સ નજીકના ગાળામાં શેર પર દબાણ વિશે વાત કરી રહ્યા છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે આગામી કેટલાક દિવસો સુધી સ્ટોકમાં ઘટાડો જોવા મળી શકે છે.
બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલના અહેવાલ મુજબ, કંપનીએ બાયબેકનું કદ મોટું રાખ્યું છે. 12000 કરોડ રૂપિયાના બાયબેક અને ટેક્સ સહિત તે 14800 કરોડ રૂપિયામાં પડશે. આનાથી કંપની રોકડ અને રોકાણનો એક મોટો હિસ્સો ગુમાવશે અને નાણાંકીય વર્ષ 2024-25 પછીના પેઆઉટને ટકાવી રાખવાની તેની ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે.
શેર બાયબેક એટલુ શું?
જ્યારે કોઈ કંપની શેરધારકો પાસેથી પોતાના શેર પરત ખરીદે છે, ત્યારે તેને બાયબેક કહેવામાં આવે છે. તમે તેને IPOથી તદ્દન વિરુદ્ધ કામગીરી તરીકે પણ જોઇ શકો છો. બાયબેક પ્રક્રિયા પૂર્ણ થયા પછી આ શેરનું અસ્તિત્વ બંધ થઈ જાય છે. બાયબેક માટે મુખ્યત્વે બે પદ્ધતિઓનો ઉપયોગ થાય છે – ટેન્ડર ઓફર અથવા ઓપન માર્કેટ.
શેર ભાવ પર બાયબેકની અસર
શેર બાયબેક એ કંપની અને શેરના ભાવને ઘણી રીતે અસર કરે છે. શેરબજારમાં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ કંપનીના શેરની સંખ્યામાં ઘટાડો થાય છે. આનાથી શેર દીઠ કમાણી (EPS) વધે છે. શેરનું PE પણ વધે છે. તેનાથી કંપનીના બિઝનેસમાં કોઈ ફેરફાર થયો નથી.
કંપનીઓ શા માટે શેર બાયબેક કરે છે
તેનું સૌથી મોટું કારણ કંપનીની બેલેન્સ શીટમાં વધુ પડતી રોકડ મૂડી છે. કંપની પાસે વધુ પડતી રોકડ હોવી સારી માનવામાં આવતી નથી. તેના પરથી એવું માનવામાં આવે છે કે કંપની તેની રોકડનો ઉપયોગ કરી શકતી નથી. કંપની તેની વધારાની રોકડનો ઉપયોગ શેર બાયબેક મારફતે કરે છે. ઘણી વખત કંપનીને લાગે છે કે તેના શેરની કિંમત ઓછી છે (અંડરવેલ્યુડ), તો તે બાયબેક દ્વારા તેને વધારવાનો પ્રયાસ કરે છે.
શેર બાયબેક પ્રક્રિયા શું છે
સૌપ્રથમ, કંપનીનું ડિરેક્ટર બોર્ડ શેર બાયબેકના પ્રસ્તાવને મંજૂરી આપે છે. ત્યારબાદ કંપની શેર બાયબેકના પ્રોગ્રામની જાહેરાત કરે છે. તેમાં રેકોર્ડ ડેટ અને બાયબેકના સમયગાળાનો ઉલ્લેખ હોય છે. રેકોર્ડ ડેટનો અર્થ એ છે કે તે ચોક્કસ તારીખ સુધી કંપનીના શેર ધરાવતા શેરધારકો આ બાયબેકમાં ભાગ લઈ શકશે. બાયબેક કંપની અને તેના શેરને ઘણી રીતે પ્રભાવિત કરે છે. શેરબજારમાં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ કંપનીના શેરની સંખ્યામાં ઘટાડો થાય છે અને તેનાથી શેર દીઠ કમાણી (EPS) વધે છે.