ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા હવે 9 એપ્રિલના રોજ યોજાશે. હસમુખ પટેલ ટ્વિટ કરી આ જાહેરાત કરી છે.આ સિવાય નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. 29 જાન્યુઆરી 2023ના રોજ યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જુનિયર ક્લાર્ક (વહીવટ-હિસાબ)ની 29 જાન્યુઆરીના રોજ યોજાનાર પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી. આ પરીક્ષા હવે 9 એપ્રિલ 2023ના રોજ 11.00થી 12.00 વાગ્યા દરમિયાન યોજાશે.
ગુજરાતમાં જુનિયર ક્લાર્કનું પેપર લીક થવાની ઘટના પછી ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર અને લોકરક્ષક ભરતી બોર્ડની કમાન સંભાળી રહેલા આઈપીએસ અધિકારી હસમુખ પટેલને પંચાયત સેવા પસંદગી મંડળની વધારાની જવાબદારી સોંપવામાં આવી હતી. તે જ સમયે તેમણે જુનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલ મહિનામાં યોજવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો – ગુજરાત બોર્ડ પરીક્ષાઃ ધો.12 સાયન્સમાં એ ગ્રૂપ કરતા બી ગ્રૂપના વિદ્યાર્થીઓ બમણા

ઉમેદવારો એસટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે
પેપર લીક થયા પછી મંડળ દ્વારા એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે પછીની પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે આવવા તથા પરત જવા માટે તેમના ઓળખપત્ર (કોલ લેટર/હોલ ટીકીટ)ના આધારે ગુજરાત એસટી બસમાં વિના મૂલ્યે મુસાફરી કરી શકશે.
પેપર લીક થતા જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરી હતી
ગુજરાતમાં 29 જાન્યુઆરી 2023ના રોજ યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. 29 જાન્યુઆરીની વહેલી સવારે પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવી હતી. જેથી આ પરીક્ષા રદ કરાઇ હતી. જુનિયર ક્લાર્કની પરીક્ષા રાજ્યભરમાં લગભગ 9 લાખ ઉમેદવારો આપવાના હતા.