GPSSB Junior Clerk Exam: ગુજરાતમાં જુનિયર ક્લાર્કનું પેપર લીક થયા બાદ હવે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર અને લોકરક્ષક ભરતી બોર્ડની કમાન સંભાળી રહેલા આઈપીએસ અધિકારી હસમુખ પટેલને પંચાયત સેવા પસંદગી મંડળની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ તેમણે જુનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલ મહિનામાં યોજવાની જાહેરાત કરી છે. હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું કે મેં પંચાયત પસંદગી મંડળનો ચાર્જ સંભાળી લીધો છે. જુનિયર ક્લાર્કની રદ થયેલી પરીક્ષા એપ્રિલ માસમાં લેવામાં આવશે.
પેપર લીક થતા જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરી હતી
ગુજરાતમાં 29 જાન્યુઆરી 2023ના રોજ યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. 29 જાન્યુઆરીની વહેલી સવારે પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવી હતી. જેથી આ પરીક્ષા રદ કરાઇ હતી. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં રાજ્યભરમાં લગભગ 9 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા.
આ પણ વાંચો – ગુજરાતમાં દાયકામાં ડઝનથી વધુ સરકારી ભરતીની પરીક્ષા રદ કરાઇ, ‘પેપર લીક કાંડ’ની ઘટનાઓ પર એક નજર
પરીક્ષા હવે આગામી 100 દિવસમાં યોજવામાં આવશે
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના મતે આ મોકુફ રાખવામા આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી 100 દિવસમાં યોજવામાં આવશે તેવી જાહેરાત કરાઇ હતી. રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાની તારીખો ધ્યાને લઈ ને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે.
ઉમેદવારો એસટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે
મંડળ દ્વારા એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે પછીની પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે આવવા તથા પરત જવા માટે તેમના ઓળખપત્ર (કોલ લેટર/હોલ ટીકીટ)ના આધારે ગુજરાત એસટીબસમાં વિના મૂલ્યે મુસાફરી કરી શકશે.