Baps Akshardham Temple Delhi : 2024 માં અયોધ્યા (ayodhya) માં રામ મંદિર (Ram Mandir) ના અભિષેક પહેલા, સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરે મંગળવારે 300 દિવસનું ભક્તિ અભિયાન શરૂ કર્યું છે. તમને જણાવી દઈએ કે, અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠાનો ઉત્સવ 15 જાન્યુઆરી 2024ના રોજ યોજાવાનો છે. આ અંતર્ગત બીએપીએસ સંસ્થા દ્વારા સમગ્ર દેશમાં સાંસ્કૃતિક ચેતના જાગ્રત કરવા માટે દિલ્હી અક્ષરધામથી એક વિશાળ ભક્તિ અભિયાન શરૂ કર્યું છે.
દિલ્હીમાં અક્ષરધામ મંદિરના પરિસરમાં શ્રીરામ જન્મભૂમિ અયોધ્યામાં થનાર પ્રતિષ્ઠા નિમિત્ત ભવ્ય ઉદ્ઘોષ સભા યોજાઈ હતી, અને દેશવ્યાપી શતકોટી હનુમાન ચાલીસા અભિયાનનો ભવ્ય પ્રારંભ થયો. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર કાર્યક્રમના વ્યવસ્થાપનમાં અક્ષરધામ મંદિરના પ્રભારી મુનિવત્સલ સ્વામીનું અપૂર્વ યોગદાન રહ્યું. સાંજે ૪ કલાકે આ વિશિષ્ટ કાર્યક્રમનો શુભારંભ થયો હતો. BAPS બાલપ્રવૃત્તિના બાળકોએ વૈદિક શાંતિગાન કરીને સભાનો મંગલ પ્રારંભ કર્યો હતો.
300 દિવસ કેવો ભક્તિ કાર્યક્રમ થશે?
વિવિધ સંપ્રદાયો – પ્રદેશો – ભાષા – સમુદાયોમાં વિભાજિત રાષ્ટ્રના નૈતિક, ચારિત્ર્ય, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સશક્તિકરણ માટે અક્ષરધામ મંદિરના મંચ પર સૌએ એકઠા થઈને સંકલ્પ કર્યો કે, શ્રીરામ મંદિરની સ્થાપના પહેલાં લાખો-હજારો ભક્તોએ હનુમાનજીની જેવી ભક્તિ જગાડવા માટે સમર્પિત થવું જોઈએ. આ માટે હનુમાન ચાલીસાનો પાઠ ભગવાનનાં ચરણોમાં અર્પણ કરવો જોઈએ. આ વિશિષ્ટ ભક્તિ દેશભક્તિ, વિશ્વ કલ્યાણ અને ભાઈચારાનું પણ મૂળ હોવાથી, તેની વિધિ આગામી શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા સુધી ચાલુ રાખવામાં આવશે. આ સાથે ભગવાન શ્રી રામના જીવન પર આધારિત કથા-પ્રવચનો, પુસ્તક-નિબંધ લેખન, સુંદરકાંડ આધારિત કથાઓ, પરિષદો, પરિસંવાદો, સ્પર્ધાઓ વગેરે અનેક પ્રકારની ભક્તિ પ્રવૃત્તિઓ પણ વર્ષભર ચાલુ રહેશે.
સંતો-મહંતોએ પોતાના પ્રવચનમાં શું કહ્યું?
BAPS અક્ષરધામના વડા મહંત સ્વામી મહારાજે આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, “શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે મંદિરની સ્થાપનાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ આ ભક્તિમય સમારોહ વિશ્વભરમાં આધ્યાત્મિક મૂલ્યોનો ફેલાવો કરશે. આપણા ગુરુ પ્રમુખસ્વામી મહારાજે સનાતન ધર્મ અને તેના સાંસ્કૃતિક મૂલ્યોના પ્રસાર અને પ્રસાર માટે તેમનું સમગ્ર જીવન સમર્પિત કર્યું. પ્રમુખ સ્વામી મહારાજે શ્રી રામ મંદિરના શિલા પૂજનથી શરૂ કરીને અને તેની સ્થાપનાના આયોજનમાં સક્રિય યોગદાન આપ્યું હતું.

ચંપત રાય (શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા) એ આ પ્રસંગે કહ્યું કે, જણાવ્યું, “૧૯૮૩-૧૯૮૪ માં રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની શિબિરમાં સરસંઘચાલક બાલાસાહેબ દેવરસે કહ્યું હતું કે ,’દેશ આઝાદ થઈ ગયો છે તો ક્યાં સુધી રામ જન્મભૂમિ પર તાળા લાગેલા રહેશે ?’ મને સ્વ. અશોક સિંઘલ કહેતા કે ‘હું રામમંદિર દ્વારા રાષ્ટ્રમંદિરનું નિર્માણ કરવા ઈચ્છું છું.’ રામમંદિરનો માર્ગ સત્યનો માર્ગ છે. કરોડો લોકોએ તેના માટે કષ્ટ સહ્યાં છે. આજે આ સભા અને સંતો મહંતોને જોઈને એ સપનું સાકાર થતું જણાય છે.આજે રામ મંદિરના નિર્માણમાં રૂપમાં રાષ્ટ્રના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે કારણકે દેશના ૩ લાખ ગામડાઓમાંથી ઇંટો(શિલા) પૂજન થઈને અયોધ્યામાં પહોંચી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હજારો સ્વયંસેવકોએ સતત ૪૨ દિવસ સુધી ઘરે ઘરે જઈને “નિધિ એકત્રીકરણ” કાર્યક્રમ હેઠળ રામ મંદિર નિર્માણ માટે ભંડોળ એકઠું કર્યું છે.”
સ્વામી ગોવિંદદેવ ગિરિજી (રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસ, કોષાધ્યક્ષ અયોધ્યા)એ જણાવ્યું હતુ કે, “રામમંદિર નિર્માણ અંતર્ગત શતકોટી હનુમાન ચાલીસા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ રામ મંદિર નિર્માણ બાદ સંસારની કોઈ પણ દુષ્ટ શક્તિ મંદિર ને નુકસાન ન પહોંચાડે તે છે અને તે માટે ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ જરૂરી છે અને સમગ્ર દેશમાં હનુમાનજીની અપાર શક્તિનો સંચાર થાય તે આવશ્યક છે કારણકે આ રામમંદિર એ રાષ્ટ્રનું મંદિર છે. હનુમાનજીનો મહિમા સ્વયં ભગવાન શ્રીરામ ગાય છે. હનુમાન ચાલીસાના પાઠથી દેશમાં શક્તિમય, મંગલમય વાતાવરણ સર્જાશે. “શતકોટી હનુમાન ચાલીસા અભિયાન” દ્વારા સમગ્ર દેશમાં હનુમાન ચાલીસાના પાઠ કરાવવામાં આવશે જેનાથી સમગ્ર દેશના નાગરિકોમાં હનુમાનજીના ગુણો આવશે અને ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ થશે અને સમાજ સંગઠિત થશે. આજે આપણે એક સંકલ્પ લઈએ કે ,” રામમંદિર પ્રતિષ્ઠા પહેલા આ હનુમાનચાલીસા ના પાઠ કરીને આપણે ભગવાન શ્રીરામને અનુષ્ઠાન રૂપી અંજલિ આપીશું”

જૈન આચાર્ય લોકેશ મુનિજી મહારાજે જણાવ્યું કે, “હું સમગ્ર વિશ્વના જૈન ધર્મગુરુઓને સંદેશો આપવા માગું છું કે ,”જેમ આપણાં ધર્મમાં ભગવાન આદિનાથ અને ભગવાન મહાવીરનું સ્થાન છે તેવું જ ભગવાન શ્રી રામનું સ્થાન પણ જૈન ધર્મમાં છે અને જેટલું માહાત્મ્ય નવકાર મંત્રનું છે એટલું જ માહાત્મ્ય હનુમાનચાલીસાનું છે. ૪ એપ્રિલે ભગવાન મહાવીર જયંતિ છે અને તે શુભ દિવસથી હું પણ હનુમાનચાલીસાનું પઠન શરૂ કરીશ”.
વિશ્વ હિન્દુ પરિષદના આલોક કુમારજીએ જણાવ્યું હતુ કે, “શતકોટી હનુમાન ચાલીસા અભિયાનનું આયોજન સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો હતો પરંતુ લાખો લોકો નું બલિદાન, ૩ લાખ ઈષ્ટિકારૂપી શિલા પૂજનનું આયોજન , ૧૦ કરોડ પરિવારો તેમજ ૬૫ કરોડ લોકોનું મંદિર નિર્માણ માટે દાન વગેરે યાદ કરીને મને દ્રઢ વિશ્વાસ આવી ગયો કે આ આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થશે. હનુમાનચાલીસાના પાઠ દ્વારા ભારત જરૂર વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત કરશે.”
સરસ્વતી પ્રણવાનંદ સરસ્વતીજીએ જણાવ્યું આ પ્રસંગે કહ્યું કે, “આ આંદોલન જન જન સુધી રામને પહોંચાડવાનું માધ્યમ છે. આ અભિયાન સાથે જોડાઈને હું ગૌરવ અનુભવું છું. આપણો સંકલ્પ રાષ્ટ્ર નિર્માણ અને હિન્દુ એકતાનો છે.”

સ્વામી ભદ્રેશદાસજીએ (BAPS સ્વામિનારાયણ શોધ સંસ્થાન, અક્ષરધામ, નવી દિલ્હી) જણાવ્યું, “શતકોટી હનુમાનચાલીસા પાઠના આયોજનની પ્રથમ ચર્ચા આચાર્ય ગોવિંદ દેવગીરીજી મહારાજ સાથે ઈન્ડોનેશિયા દેશમાં થઈ હતી. રાષ્ટ્રવાદ એ અધ્યાત્મસહિત હોવો જોઈએ અને ભારત વર્ષના ઇતિહાસમાં ક્યારેય રાષ્ટ્રવાદ અધ્યાત્મથી વિચલિત થયો નથી.
સ્વામી વિશ્વેશ્વરાનંદ ગિરિજી મહારાજે જણાવ્યું, “આજે મને ૧૯૮૩-૮૪ ની ઘટનાઓ યાદ આવે છે જ્યારે વિજ્ઞાન ભવનથી શ્રીરામ જન્મભૂમિ માટેના પ્રયત્નો ધર્મ સંસદ દ્વારા શરૂ થયા હતા. આપણા સૌનું પરમ સૌભાગ્ય છે કારણકે આપણે સૌ આ દિવ્ય મંદિર નિર્માણના સાક્ષી બની રહ્યા છીએ અને ૧૦૦૦ વર્ષ સુધી મંદિર રહી શકે તેવા મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે અને હજારો વર્ષ સુધી સનાતન ધર્મની પણ રક્ષા આવા પ્રકલ્પ દ્વારા થશે તેવું હું દ્રઢપણે માનું છું. તેમણે કહ્યું કે, આજે અશોક સિંઘલજી ને જરૂર યાદ કરવા જોઈએ કારણકે તેમને સમગ્ર જીવન દરમ્યાન રામ સિવાય બીજું કોઈ કામ નથી કર્યું.”
સ્વામી ગોપાલશરણદેવાચાર્યજી મહારાજે જણાવ્યું હતુ કે, “શતકોટી હનુમાનચાલીસા આયોજનમાં જોડાયેલા તમામ લોકો વંદનીય છે. આપણી સરકાર સનાતન સંસ્કૃતિ , માતૃશક્તિ તેમજ ગૌ શક્તિના રક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે. હનુમાનજી મહારાજ કોઈ એક દેશના નથી પરંતુ પ્રત્યેક દેશ અને સમગ્ર વિશ્વના છે અને દેવાધિદેવ મહાદેવજીના અંશ છે. સનાતન ધર્મની સંસ્કૃતિ અજર અને અને અમર છે.”

જ્ઞાનાનંદજી મહારાજે કહ્યું હતુ કે, “આજે પણ ગામડે ગામડે થી પૂજન થઈને આવેલી રામ શિલાઓ યાદ આવે છે. જાન્યુઆરી ૨૦૨૪ માં ભગવાન રામની પ્રતિષ્ઠા થશે તેની સાથે સાથે જન જન ના હૃદયમાં પણ ભગવાન રામની પ્રતિષ્ઠા થશે. સ્માર્ટ સિટી ની સાથે સાથે સ્માર્ટ સિટીઝન બને તે માટે જન જનના હૃદયમાં ભગવાન રામની પ્રતિષ્ઠા થવી જરૂરી છે અને આવનારા વર્ષો સુધી આજનો આ શુભ દિવસ અને શતકોટી હનુમાનચાલીસા પાઠનું આયોજન યાદ કરવામાં આવશે. રામમંદિરનો મજબૂત પાયો એ રાષ્ટ્ર નિર્માણના અને હિન્દુ સ્વાભિમાનના મજબૂત પાયા સમાન છે.”
સ્વામી પુણ્યાનંદ ગિરીજી મહારાજે જણાવ્યું હતુ કે, “શતકોટી હનુમાનચાલીસાનું આયોજન ખૂબ જ પ્રશંસનીય છે અને જો રોજ સવારે ઘરમાં ગાવામાં આવશે તો ઘરના નાના બાળકોને પણ કંઠસ્થ થઈ જશે અને ભલે તેમને લખતા વાંચતા આવડતું નહિ હોય તો પણ સાંભળીને શીખી જશે. હનુમાનચાલીસા દ્વારા બાળકો અને યુવાઓને સનાતન ધર્મ સાથે જોડવાનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે.”
બાલકાનંદ ગિરિજી મહારાજે જણાવ્યું કે, “આ શતકોટી હનુમાન ચાલીસા સંકલ્પ એ એક દિવસમાં પણ પૂર્ણ થઈ શકે તેમ છે. ભગવાન શ્રી રામ એ સૃષ્ટિના કણ કણમાં વસેલા છે. તેમણે કહ્યું કે, રામદેવજી મહારાજ જેમ રોજ સવારે સમગ્ર વિશ્વના લાખો લોકોને યોગ કરાવે છે તે રીતે આપણે પણ રોજ સવારે હનુમાન ચાલીસા નો પાઠ કરીશું તો શતકોટીનો સંકલ્પ એક જ દિવસમાં પૂર્ણ થઈ જશે તેવું હું દ્રઢપણે માનું છું.”
આ પણ વાંચો
બાબા રામદેવે (પતંજલિ યોગપીઠ, હરિદ્વાર) આ પ્રસંગે કહ્યું કે, “સ્વામિનારાયણ સંપ્રદાય સમગ્ર ભારત સાધુ સમાજનું ગૌરવ છે અને સાધુ જીવન કેવું હોવું જોઈએ તો તેનું ઉત્તમ ઉદાહરણ બી.એ.પી.એસ સંસ્થાની સંત પરંપરા છે. હનુમાન ચાલીસાના પાઠ કરતા કરતા સ્વયં હનુમાનજી મહારાજ આપણાં હૃદયમાં વસી જશે તેવું હું માનું છું. લાખો વર્ષો સુધી સનાતન રહેશે તેવા ભવ્ય અને દિવ્ય રામમંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. ઋષિઓએ તેમના પુરુષાર્થ અને પરાક્રમ દ્વારા આ રાષ્ટ્રનું નિર્માણ કર્યું છે. રામમંદિરની પ્રતિષ્ઠાની સાથે સાથે રામરાજ્ય અને હિન્દુ રાષ્ટ્રની પ્રતિષ્ઠા થશે. શતકોટી હનુમાનચાલીસા દ્વારા આપણને સાંસ્કૃતિક અને ઐતિહાસિક રામના દર્શન થશે.”