Gangeshwar Mahadev Temple: 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ છે અને આ દિવસે શિવ ભક્તો મહાદેવની પૂજા-અર્ચના અને આરાધના કરતા હોય છે. ત્યારે આજે અમે તમને એક એવા શિવાલય વિશે જણાવીશું જે દીવના દરિયાકિનારે આવેલું છે. દીવના દરિયાકિનારે પાંડવકાલિન ‘ગંગેશ્વર મહાદેવ’નું શિવાલય આવેલું છે. ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પાંચ શિવલિંગ છે, તેથી આ મંદિરને ֥‘પંચ શિવલિંગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરને ‘દરિયાકિનારાના મંદિર’ તરીકે પણ સ્થાનિક લોકો ઓળખાવે છે.
શું છે પૌરાણિક કથા?
એવી માન્યતા છે કે, વનવાસ દરમિયાન પાંચેય પાંડવો અહીં આવ્યા હતા અને ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ પાંડવોને દેવાતીદેવ મહાદેવે દર્શન આપ્યા અને સ્વયંભૂ શિવલિંગ તરીકે પ્રગટ થયા હતા. પાંડવોએ અમાસની રાતના દિવસે અહીં સ્વયંભૂ શિવલિંગ પર પૂજા કરી હતી. ત્યારથી આ મંદિરમાં પાંચ શિવલિંગની પૂજા કરવામાં આવે છે.
સમુદ્રદેવ દિવસભર કરે છે જળાભિષેક
આ મંદિર સમુદ્રકિનારે આવેલું છે. ત્યારે દિવસભર સમુદ્રદેવ મહાદેવનો જળાભિષેક કરતા હોય છે. આ નજારો ખૂબ જ મનોરમ્ય હોય છે. ગંગેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન ગણેશ, ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિઓ પણ છે. આ મંદિરની આસપાસનું વાતાવરણ એટલું શાંતિપૂર્ણ છે કે, જ્યારે પણ કોઈ આ મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને સમુદ્રનાં મોજાંઓનો અવાજ સ્પષ્ટપણે સંભળાય છે.
આ પણ વાંચો: ગુજરાતનું આ 5200 વર્ષ જૂનુ શિવ મંદિર, અહીં ભક્તોની તમામ મનોકામના થાય છે સિદ્ધ
અરબી સમુદ્રના કિનારે આવેલા આ મંદિરનું નામ ગંગેશ્વર રાખવામાં આવ્યું છે. કારણ કે, ભગવાન શિવનું એક નામ ‘ગંગેશ્વર’ છે. માતા ગંગાને જટામાં ધારણ કરતાં જ તેમને ‘ગંગેશ્વર’ કહેવાયા હતા. તે નામ પરથી આ મંદિરને ‘ગંગેશ્વર મહાદેવ’ તરીકે ઓળખવામાં આવે છે.