Mahakumbh 2025: જ્યારે હિંદુ ધર્મની રક્ષા માટે હજારો નાગા સાધુઓએ યુદ્ધ લડ્યું, જાણો નાગા સાધુઓનો ઈતિહાસ

Naga Sadhu History: નાગા સાધુઓએ મધ્ય યુગ દરમિયાન હિંદુ ધર્મ, માન્યતાઓ, પરંપરાઓ અને મંદિરોના રક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે મુઘલ, અફઘાન અને તુર્કી આક્રમણકારોના હુમલાઓથી હિંદુ મંદિરોનું રક્ષણ કર્યું.

Written by Rakesh Parmar
December 24, 2024 20:37 IST
Mahakumbh 2025: જ્યારે હિંદુ ધર્મની રક્ષા માટે હજારો નાગા સાધુઓએ યુદ્ધ લડ્યું, જાણો નાગા સાધુઓનો ઈતિહાસ
મહા કુંભ મેળા સાથે નાગા સાધુઓનો વિશેષ સંબંધ છે. (તસવીર: MahaaKumbh/X)

Naga Sadhu at Kumbh Mela: મહા કુંભ મેળાના ભવ્ય આધ્યાત્મિક ઉત્સવને હવે થોડા જ દિવસો બાકી છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આવતા મહિને શરૂ થનારી વિશ્વની સૌથી મોટી અને સૌથી આધ્યાત્મિક સભા ‘સંસ્કૃતિ, શ્રદ્ધા અને પ્રાચીન’ પરંપરાઓનો સંગમ હશે. આ ભવ્ય સમારોહ વિશ્વના ખૂણે-ખૂણેથી લાખો ભક્તોને આકર્ષે છે. દર 12 વર્ષે ઉજવાતો મહાકુંભ મેળો 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી, 2025 દરમિયાન પ્રયાગરાજ ખાતે યોજાશે. સુપ્રસિદ્ધ ત્રણ પવિત્ર નદીઓ ‘ગંગા, યમુના અને સરસ્વતી’ના સંગમ સ્થાન ત્રિવેણી સંગમ ખાતે મહા કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

લાંબા સમયથી રાહ જોવાતા આ ધાર્મિક મેળાવડા એ ભારતમાં નાગા સાધુઓની રહસ્યમય દુનિયાનો અનુભવ કરવાની એક અનોખી તક પણ છે. કુંભ મેળા પહેલા જ ઘણા સંતો અને નાગા સાધુઓ પ્રયાગરાજ આવવા લાગ્યા છે. નાગા સાધુઓ કુંભ મેળાનું મુખ્ય આકર્ષણ છે. આ સાધુઓ પ્રાચીન હિન્દુ પરંપરા અનુસાર સ્થાપિત વિવિધ અખાડાઓના છે. આ સાધુઓ ભગવાન શિવના સમર્પિત ભક્તો છે અને તેમની આત્યંતિક તપસ્યા અને લાંબા સમય સુધી ચાલતી સખત આધ્યાત્મિક પ્રથાઓ માટે જાણીતા છે.

Naga Sadhu history, Kumbh Mela 2025, Naga Sadhus protecting Hinduism,
ફોટો: બિસ્વરૂપ ગાંગુલી, વિકિપીડિયા

નાગા સાધુઓ ભૌતિક સુખ-સુવિધાઓને ટાળીને ત્યાગ, તપસ્યા અને ધાર્મિક ભક્તિનું જીવન જીવે છે. તેઓ અન્ય સંતો કરતાં અલગ પરંપરાનું પાલન કરે છે. જે તેમની એક અલગ ઓળખ ઉભી કરે છે. પ્રાચીન પરંપરા અનુસાર નાગા સાધુઓને હિન્દુ સંસ્કૃતિ અને ધર્મના રક્ષક માનવામાં આવે છે. તેઓ હિમાલયમાં રહે છે અને કુંભ મેળા દરમિયાન જ આ સાધુઓ સામાન્ય લોકોમાં જોવા મળે છે. તેઓ તેમની સાથે ત્રિશૂળ લઈ જાય છે અને તેમના નગ્ન શરીર પર રાખ છાંટતા હોય છે. આ સિવાય તેઓ રુદ્રાક્ષની માળા પહેરે છે અને પ્રાણીઓની ચામડી જેવા પરંપરાગત વસ્ત્રો અપનાવે છે. નાગા સાધુઓ મહા કુંભ મેળામાં મહત્વની ભૂમિકા ભજવે છે, ખાસ કરીને શાહી સ્નાન (રાજવિભૂષિત સ્નાન) દરમિયાન. આ પવિત્ર ધાર્મિક વિધિ તેમના આધ્યાત્મિક મહત્વને દર્શાવે છે. આ સાધુઓ હિન્દુ કેલેન્ડર દ્વારા નિર્ધારિત શાહી સ્નાનના દિવસોમાં ભવ્ય ધાર્મિક સરઘસમાં ભાગ લે છે. સરઘસ સૂર્યોદય સમયે પવિત્ર નદીમાં ડૂબકી લગાવે છે અને ઢોલ વગાડે છે. એવું માનવામાં આવે છે કે આ પવિત્ર સ્નાન આત્માને શુદ્ધ કરે છે અને પુનર્જન્મના ચક્રમાંથી મુક્ત કરે છે.

મહા કુંભ મેળામાં નાગા સાધુઓનું મહત્ત્વ

મહા કુંભ મેળા સાથે નાગા સાધુઓનો વિશેષ સંબંધ છે. મહા કુંભ મેળામાં નાગા સાધુઓને પ્રથમ સ્નાન કરાવવામાં આવે છે. આ સાધુઓ પવિત્ર જળમાં ડૂબકી લગાવે છે ત્યાર બાદ અન્ય ભક્તોને પવિત્ર સ્નાન કરવાની મંજૂરી આપવામાં આવે છે.

આ પણ વાંચો: મહાકુંભમાં જઈ રહ્યા છો તો આ મંદિરમાં જરૂરથી માથું ટેકજો, નહીં તો યાત્રા રહી જશે અધૂરી!

નાગા સાધુઓની ઐતિહાસિક ભૂમિકા

નાગા સાધુઓએ મધ્ય યુગ દરમિયાન હિંદુ ધર્મ, માન્યતાઓ, પરંપરાઓ અને મંદિરોના રક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે મુઘલ, અફઘાન અને તુર્કી આક્રમણકારોના હુમલાઓથી હિંદુ મંદિરોનું રક્ષણ કર્યું. 1757 માં અફઘાન સમ્રાટ અહેમદ શાહ અબ્દાલીએ ચોથી વખત ભારત પર આક્રમણ કર્યું. તે સમયે મુઘલ સામ્રાજ્ય નબળું પડ્યું હતું જ્યારે ઈસ્લામિક આક્રમણકારોને પડકારવા માટે ઉત્તર ભારતમાં કોઈ મોટી હિંદુ શક્તિ અસ્તિત્વમાં ન હતી. આનો લાભ લઈને અફઘાનોએ મુઘલ બાદશાહ આલમગીર સાથે અયોગ્ય સંધિ કરી. આ કરારથી અબ્દાલીને દિલ્હી લૂંટવાની છૂટ મળી. અબ્દાલીએ 1757માં દિલ્હીને લૂંટી લીધું અને મંદિરોનો નાશ કર્યો. તેણે તેના બે અફઘાન સેનાપતિઓ નજીબ ખાન અને જહાન ખાનને 20,000 સૈનિકો સાથે બલ્લભગઢ, મથુરા, આગ્રા અને વૃંદાવન પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો.

અફઘાન સેનાએ મથુરામાં મંદિરોનો નાશ કર્યો, મહિલાઓનું અપમાન કર્યું, હિંદુ પુરુષોનો શિરચ્છેદ કર્યો, સ્ત્રીઓ અને બાળકોને ગુલામ બનાવ્યા. અફઘાન સેનાએ 12 કરોડ રૂપિયાની સંપત્તિ લૂંટી લીધી અને 6,000 હિંદુ મહિલાઓને કાબુલમાં વેચવા માટે ગુલામ બનાવી હતી. મથુરા પર હુમલો કર્યા પછી અફઘાન સૈન્ય વૃંદાવન તરફ આગળ વધ્યું, જ્યાં મથુરાની જેમ નરસંહાર અને વિનાશ થયો. વૃંદાવનનો નાશ કર્યા પછી અફઘાન સેનાએ મહાવન પર હુમલો કર્યો. તિજોરી લૂંટી અને હિંદુઓનો નરસંહાર કર્યો. તેમના આગલા હુમલાનું લક્ષ્ય આગ્રા હતું.

જો કે, અચાનક અફઘાન સેનાપતિ સરદાર ખાને મહાવનથી માત્ર 9 કિલોમીટર દૂર આવેલા ગોકુલને લૂંટવાનો વિચાર કર્યો. તે 10,000 અફઘાન સૈનિકો સાથે ગોકુલ તરફ વળ્યો. પરંતુ ગોકુલમાં તેને 4,000 નાગા સાધુઓ યુદ્ધ માટે ઉભા જોવા મળ્યા હતા. હિંદુઓ પર અફઘાન સૈનિકો દ્વારા કરવામાં આવેલા અત્યાચારો વિશે નાગા સાધુઓને જાણ થયા બાદ હરિદ્વાર અને ઉજ્જૈન જેવા હિંદુઓના પવિત્ર શહેરોમાંથી 10,000 નાગા સાધુઓ ગોકુલ ગયા હતા. જોકે, લાંબા અંતરને કારણે તેઓનું આગમન મોડું થયું હતું.

ગોકુલમાં અફઘાન સેના અને નાગા સાધુઓની સેના વચ્ચે યુદ્ધ શરૂ થયું. શરૂઆતમાં અફઘાન સૈન્યને સમજ હતી કે આ ભસ્મ લગાવનારાઓ શું લડશે. પરંતુ ટૂંક સમયમાં જ નાગા સાધુઓની લડાયક કુશળતાથી અફઘાન સૈનિકો સંપૂર્ણપણે પરાજિત થઈ ગયા. નાગા સાધુઓ તલવારો, આર્ટિલરી અને સળગતી મશાલથી સજ્જ હતા. અફઘાન સૈનિકોમાં તેમના ભસ્મીભૂત ચહેરાઓએ ભારે ડર પેદા કર્યો હતો. અફઘાન સૈનિકો પ્રતિકાર કરી શક્યા નહીં. અફઘાન સેનાને ભારે નુકસાન થયું હતું. યુદ્ધના મેદાનમાં તેમની તાકાત ઝડપથી ઘટવા લાગી હતી.

યુદ્ધમાં નાગા સાધુઓનું પરાક્રમ અને અફઘાન સેનાની હાર

આ હારથી અબ્દાલીને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. તેણે યુદ્ધમાં વધુ સૈનિકો મોકલ્યા પરંતુ કોઈ ફાયદો થયો નહીં. અફઘાન સૈનિકોની લાશો પડી રહી હતી અને તેમનું મનોબળ ખરડાઈ રહ્યું હતું. આ દરમિયાન નાગા સાધુઓના અન્ય જૂથો પણ યુદ્ધના મેદાનમાં પ્રવેશ્યા. આથી નાગા સાધુઓના હુમલાની તીવ્રતા વધી ગઈ. યુદ્ધમાં હાર અને સૈનિકો ગુમાવવાના ડરથી, સરદાર ખાને અફઘાન સેનાને પીછેહઠ કરવાનો આદેશ આપ્યો. આ યુદ્ધમાં 5000 થી વધુ અફઘાન સૈનિકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. તો 2000 નાગા સાધુઓએ બલિદાન આપ્યું. તે જાણીતું હતું કે ગોકુલમાં આ હાર અબ્દાલી સરદાર ખાન માટે અપમાનજનક સજામાં પરિણમશે. તેથી તેણે જુગલ કિશોર પાસેથી ખોટો અહેવાલ તૈયાર કરાવ્યો, જેને અબ્દાલી દ્વારા બંગાળથી લાવવામાં આવેલ લૂંટ અને ખજાનાની તપાસ માટે નિયુક્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: 12 વર્ષે જ કેમ થાય છે મહાકુંભ? દેવતાઓ અને દાનવોના યુદ્ધ સાથે જોડાયેલી છે કથા

અફઘાન સૈન્ય પીછેહઠ કરી કારણ કે તેમના સૈનિકોમાં રોગચાળો ફેલાયો હતો. આ કારણ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. આ કારણે ગોકુલના યુદ્ધમાં પરાજય થયો હોવા છતાં સરદાર ખાનને કોઈ આકરી સજા કરવામાં આવી ન હતી. નાગા સાધુઓએ ગોકુલને અફઘાન અત્યાચારોથી બચાવ્યું હતું. નાગા સાધુઓએ ઘણા હિંદુ મંદિરોની સુરક્ષામાં ઘણું યોગદાન આપ્યું હતું. આ બહાદુર નાગા સાધુઓએ આપેલું બલિદાન અને યુદ્ધમાં બતાવેલી બહાદુરી અફઘાન સેના માટે અભૂતપૂર્વ હતી.

નાગા સાધુઓનું પરાક્રમ અને પ્રેરણા

નાગા સાધુઓ સાચી બહાદુરી અને વિશ્વાસનું પ્રતિક છે. વિદેશી આક્રમણકારોથી માતૃભૂમિ અને સંસ્કૃતિનું રક્ષણ કેવી રીતે કરવું તેનો દાખલો તેમણે બેસાડ્યો. ‘હર હર મહાદેવ’ ના નાદ સાથે લડતા લડતા તેમણે પોતાનું બલિદાન આપ્યું. નાગા સાધુઓનો ઇતિહાસ અને પરંપરા બહાદુરીથી ભરેલી છે અને તેઓએ વિશ્વની ભૌતિક ઈચ્છાઓથી અળગા રહીને ધર્મનું પાલન કર્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ