Ahmedabad To Ujjain Mahakal Darshan In Sawan 2025 : શ્રાવણ માસ ભગવાન શંકરની પૂજા આરાધનાનો મહિનો છે. શ્રાવણ માસમાં ઘણા લોકો ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા જાય છે. ગુજરાતમાં શિવશંકરના 2 જ્યોતિર્લિંગ મંદિર છે – સોમનાથ મંદિર અને નાગેશ્વર મંદિર. ઉપરાંત પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ ઉજ્જૈન અને ખંડવામાં ભગવાન શંકરના 2 જ્યોતિર્લિંગ મંદિર આવેલા છે. આ બંને જ્યોતિર્લિંગ મંદિર બહુ ખાસ છે. જો તમે પણ આ શ્રાવણ માસમાં ઉજ્જૈન મહાકાલ મંદિર અને ઓમકારેશ્વર મંદિર દર્શન કરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે. આ આર્ટીકલ તમને મદદ થશે. અહીં અમદાવાદથી ઉજ્જૈન કેવી રીતે જવું, ટ્રેન અને બસ રૂટ, મહાકાલ મંદિરની ભસ્મ આરતી બુકિંગ, ઉજ્જૈનના જોવાલાયક પ્રખ્યાત મંદિરો અને ઓમકારેશ્વર મંદિર જેવી પહોંચવું તેની તમામ વિગત આપી છે.
અમદાવાદ થી ઉજ્જૈન કેવી રીતે પહોંચવું?
અમદાવાદથી ઉજ્જૈન 391 કિમી દૂર છે. અમદાવાદથી ઉજ્જૈન જવા માટે ટ્રેન અને બસ સેવા ઉપલબ્ધ છે. અમદાવાદથી ઉજ્જૈન 8 થી 10 કલાકમાં પહોંચી શકાય છે.
અમદાવાદથી ઉજ્જૈન કઇ ટ્રેન જાય છે? ટાઇમ ટેબલ?
અમદાવાદથી ઉજ્જૈન જવા માટે ઘણી ટ્રેન ઉપલબ્ધ છે. જો કે તેમા સૌથી લોકપ્રિય 4 ટ્રેન છે – સાબરમતી એક્સપ્રેસ ટ્રેન, શાંતિ એક્સપ્રેસ અને ઓખા ગોરખપુર એક્સપ્રેસ. શાંતિ એક્સપ્રેસ ટ્રેન 19309 ડેઇલી ટ્રેન છે. તો સાબરમતી એક્સપ્રેસ 19165/19167 ટ્રેન સપ્તાહમાં 4 દિવસ સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે દોડે છે. ઓખા ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન 15046 સપ્તાહમાં માત્ર 1 જ દિવસ ખાસ કરીને રવિવારે ઉપડે છે. સોમનાથ જબલપુર એક્સપ્રેસ ટ્રેન 11465 પણ ઉજ્જૈન જાયે છે, અલબત્ત આ ટ્રેન સપ્તાહમાં 2 દિવસ સોમવાર અને શનિવારે દોડે છે. આથી ઉજ્જૈન જવા માટે સાબરમતી એક્સપ્રેસ અને શાંત એક્સપ્રેસ ટ્રેન ઉત્તમ છે.
શાંતિ એક્સપ્રેસ ટ્રેન સમય : શાંતિ એક્સપ્રેસ અમદાવાદ જંક્શનથી રાતે 8.35 વાગે ઉપડે છે અને બીજા દિવસે વહેલી સવારે ઉજ્જૈન 3.50 વાગે પહોંચે છે.સાબરમતી એક્સપ્રેસ ટ્રેન સમય : સાબરમતી એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી રાતે 23.10 વાગે ઉપડે છે અને બીજા દિવસે સવારે 6.50 વાગે ઉજ્જૈન પહોંચે છે.સોમનાથ જબલપુર ટ્રેન : સોમનાથ જબલપુર ટ્રેન સપ્તાહમાં 2 દિવસ સોમવાર અને શનિવારે દોડે છે. આ ટ્રેન સોમનાથ થી સવારે 9.50 વાગે ઉપડે છે અને સાંજે 6:25 વાગે અમદાવાદ પહોંચે છે. આ ટ્રેન નડિયાડ, છાયાપુરી અને દાહોદ ગોધરા થઇ બીજા દિવસે મોડી રાત્રે 2:30 વાગે ઉજ્જૈન પહોંચે છે.
અમદાવાદ ઉજ્જૈન ટ્રેનનું ભાડું
ટ્રેનનું નામ સ્લિપર કોચ AC 3 Economy(3E) AC 3 Tier AC 2 Tier AC First Class શાંતિ એક્સપ્રેસ ટ્રેન ₹ 275 – ₹ 740 ₹ 1045 ₹ 1745 સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ₹ 275 ₹ 680 ₹ 740 ₹ 1045 ₹ 1745 સોમનાથ જબલપુર ટ્રેન ₹ 275 ₹ 680 ₹ 740 ₹ 1045 ₹ 1745
(નોંધ: ઉપરોક્ત ટ્રેન ભાડું અમદાવાદથી ઉજ્જૈન સુધીનું છે, તેમા ઓનલાઇન બુકિંગ ચાર્જ અને જીએસટી સહિત વિવિધ અન્ય ચાર્જ ઉમેરાતા ટ્રેન ભાડુ વધી શકે છે.)
ઉજ્જૈન મહાકાલ ભસ્મ આરતી બુકિંગ કેવી રીતે કરવું?
ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની ભસ્મી આરતી બહુ પ્રખ્યાત છે. મહાકાલ મંદિરમાં વહેલી સવારે 4 થી 6 વાગે દરમિયાન થતી ભસ્મ આરતીમાં સામેલ થવા માટે એડવાન્સ બુકિંગ કરવું પડે છે. આ ભસ્મ આરતી માટે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે બુકિંગ થાય છે. મહાકાલ મંદિરની સત્તાવાર વેબસાઇટ www.shrimahakaleshwar.com પર જઇને અગાઉથી ભસ્મી આરતી માટે ઓનલાઇન બુકિંગ કરાવી શકાય છે. ઓનલાઇન બુકિંગ માટે પ્રતિ વ્યક્તિ 200 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. ઉપરાંત મહાકાલ મંદિરની ઓફિસ માંથી પણ આગલા દિવસ માટે ભસ્મ આરતીના ટોકન મેળવી શકાય છે, જે તદ્દન નિ: શુલ્ક હોય છે.
ઉજ્જૈનના પ્રસિદ્ધ મંદિર
ઉજ્જૈન મંદિરોની નગરી કહેવાય છે. ઉજ્જૈનના પ્રસિદ્ધ મંદિરોમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર, હરસિદ્ધિ મંદિર શક્તિપીઠ, કાળ ભૈરવ મંદિર, ગઢ કાલિકા મંદિર, મંગળ નાથ મંદિર, સાંદિપની આશ્રમ, ચિંતામણ ગણેશ મંદિર, બગલા મુખી મંદિર, સિદ્ધ વટવૃક્ષ મંદિર, ગોપાલ મંદિર સહિત ઘણા દર્શનિય છે.
ઉજ્જૈનથી ઓમકારેશ્વર મંદિર કેવી રીતે જવું?
ઓમકારેશ્વર મંદિર ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગ મંદિરમાં સ્થાન ધરાવે છે. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં નર્મદા નદી કિનારે વિંધ્યાંચલ પર્વત પર આવેલું છે. ઉજ્જૈનથી ઓમકારેશ્વર મંદિર 145 કિમી દૂર છે અને 4 થી 5 કલાકનું અંતર છે. ઓમકારેશ્વરમાં નર્મદા નદી અને તેની ઉપનદી કાવેરીનું ત્રિવેણી સંગમ થાય છે. અહીં ભક્તો પહેલા નર્મદા નદીમાં સ્નાન કર્યા બાદ હોડીમાં બેસીને વિંધ્યાચંલ પર્વત પર આવેલા ઓમકારેશ્વર મંદિરે દર્શન કરવા જાય છે. પૌરાણિક કથા મુજબ ભગવાન શંકર ઓમકારેશ્વરમાં રાત્રિ નિવાસ કરવા આવે છે. અહીંની સંધ્યા આરતી પ્રસિદ્ધ છે.