Mahashivratri 2025: મહાશિવરાત્રી હિંદુ ધર્મના સૌથી પ્રમુખ તહેવારોમાંથી એક છે. જે દર વર્ષે ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મનાવાય છે. આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી 2025ના રોજ ઉજવાશે. આ દિવસ ખાસ રીતે ભગવાન શિવની પૂજા માટે હોય છે અને આ દિવસે શિવલિંગની પૂજા કરવાનું ખુબ જ મહત્ત્વ માનવમાં આવે છે. ત્યારે આજે અમે તમને સાબરકાંઠા જિલ્લામાં સાબરમતી નદીના કિનારે આવેલા અલૌકિક શિવાલય ‘સપ્તેશ્વર મહાદેવ’ વિશે જણાવીશં. આવો જાણીએ તેના ઇતિહાસ અને તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા વિશે…
સાબરકાંઠામાં આવેલ ‘સપ્તેશ્વર મહાદેવ’ નું આ શિવાલય ત્રેતાયુગનું હોવાનું માનવામાં આવે છે. આ શિવાલય પાસે ડેભોલ નદી અને સાબરમતી નદીનું સંગમ સ્થાન છે. આ ઉપરાંત અહીં એક કુંડ પણ આવેલો છે. મંદિરમાં શિવલિંગ ઉપર સતત ગૌમુખમાંથી નદીનાં પાણીની જળાધારા વહેતી રહે છે અને આ પાણી વહીને બહારનાં કુંડમાં એકત્ર થાય છે. મંદિરમાં દર્શન માટે જવું હોય તો પણ પાણીમાં અડધા ડુબેલાં રહીને જવું પડે છે.
આ પણ વાંચો: કોણે કરી હતી સૌપ્રથમ શિવલિંગની પૂજા? મહાશિવરાત્રી સાથે શું સંબંધ છે?
શું છે પૌરાણિક કથા?
એક દંતકથા પ્રમાણે, આ જગ્યાએ સાત ઋષિઓએ તપશ્ચર્યા કરી હતી. આ સપ્તર્ષિ એટલે કશ્યપ મુનિ, વશિષ્ઠ મુનિ, વિશ્વામિત્ર મુનિ, ભારદ્વાજ મુનિ, અત્રિ મુનિ, જમદગ્નિ મુનિ અને ગૌતમ ઋષિ. આ સપ્તર્ષિએ આ જગ્યાએ શિવલિંગની સ્થાપના કરી હતી અને શિવજીની આરાધના કરી હોવાની માન્યતા છે. આ ઋષિઓ હિંદુ ધર્મની અનેક પૌરાણિક કથાઓ સાથે સંબંધ ધરાવે છે. સપ્તનાથ એટલે કે સપ્તેશ્વર મહાદેવના મંદિરમાં સાતેય શિવલિંગ અલગ અલગ રીતે એવાં ગોઠવાયેલા છે કે, જાણે આકાશમાં સપ્તર્ષિ તારાજૂથ ગોઠવાયેલું હોય!
આ શિવાલયને સ્થાનિક બોલીમાં ‘હાતેરા’ (સાતેરા) કહે છે અને આકાશમાં આવેલા સપ્તર્ષિના તારાઓને પણ અહીંની લોકબોલીમાં હાતેરા (સાતેરા) કહે છે. લોકબોલીમાં વૃદ્ધ માણસો આજે પણ હાતેરા જ બોલે છે.
‘સપ્તેશ્વર મહાદેવ’ કેવી રીતે પહોંચવું?
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાનાં અરસોડીયા ગામની નજીક એકાદ-બે કિમી જેટલા અંતરે આવેલું છે. અહીં જવા માટે સડક માર્ગે બસની સુવિધા ઉપલબ્ધ હોય છે. જ્યારે ટ્રેન માર્ગે પણ અહીં પહોંચી શકાય છે. ઇડર કે મહેસાણાથી અહીં પહોંચવા માટે રિક્ષા કે ટેક્સીની સુવિધા પણ મળી રહે છે.