Gujarat Assembly Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. સ્ટાર પ્રચારકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, પરિવહન મંત્રી નિતિન ગડકરી સહિત કુલ 40 સ્ટાર પ્રચારકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ સામેલ કર્યા છે. ગુજરાતમાં આગામી મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે.
ગુજરાતના પૂ્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે યાદી જાહેર થાય એ પહેલા જ પોતે ચૂંટણી નહીં લડે એ અંગેની જાહેરાત કરી દીધી હતી. ત્યારબાદ ભાજપે બંને દિગ્ગજ નેતાઓને સ્ટાર પ્રચારક તરીકે જાહેર કરી દીધા હતા. ભાજપ યુવા મોર્ચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યા અને રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પણ સ્ટાર પ્રચાર બનાવવામાં આવ્યા છે. ફિલ્મ અભિનેત્રી હેમા માલિની અને એક્ટર પરેશ રાવલ પણ સ્ટાર પ્રચારકની લિસ્ટમાં છે.
આ ઉપરાંત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અર્જૂન મુંડા, સ્મૃતિ ઈરાની પણ છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાન, આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ ભાજપના સ્ટાર પ્રચારકની લિસ્ટમાં સામેલ છે.
આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: વિરમગામમાં હાર્દિક માટે ઘણા ફાયદા પરંતુ મજબૂત કોંગ્રેસ સામે ભાજપમાં તિરાડ
આ ઉપરાંત અન્ય કેન્દ્રીય મંત્રીઓ ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, પુરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયાને પણ પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. ભોજપુરી ગાયકો અને પાર્ટીના સાંસદો મનોજ તિવારી, રવિ કિશન અને દિનેશ લાલ યાદવ નિરહુઆ પણ ભાજપ માટે વોટ માંગતા જોવા મળશે.
આમ આદમી પાર્ટીએ 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે
ઉલ્લેખનીય છે કે આ પહેલા મંગળવારે આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. પાર્ટીના સ્ટાર પ્રચારકોમાં દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ, નાયબ મનીષ સિસોદિયા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, AAP સાંસદ સંજય સિંહ, પૂર્વ ક્રિકેટર અને પંજાબના રાજ્યસભા સાંસદ હરભજન સિંહ અને રાઘવ ચઢ્ઢા પણ 20 સ્ટાર પ્રચારકોમાં સામેલ છે.