ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન સાંજે 5.00 વાગ્યા સુધી યોજાશે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે.
સૌરાષ્ટ્રનાં રાજકારણ માટે આજનો દિવસ મહત્ત્વનો છે. ત્યારે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ અમરેલીમાં તેમના પરિવાર સાથે સાયકલ પર પ્રતિકાત્મક વિરોધ કરીને મતદાન કર્યુ છે. તેઓ પરિવાર સાથે સાયકલની પાછળ ગેસનો સિલિન્ડર, તેલનો ડબ્બો લઇને મતદાન કરવા પહોંચ્યા છે.
આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરેશ ધાનાણીની મોટી દીકરી પહેલીવાર મતદાન કરી રહી છે. તે પણ સાઇકલ પર તેલનો ડબ્બો લઇને પ્રતિકાત્મક વિરોધ કરીને મતદાન કરવા પહોંચી હતી. આ સાથે તેમના માતાપિતા, પત્ની, અન્ય દીકરી અને તેમના ભાઇ પણ મતદાન કરવા પહોંચ્યા હતા.
પરેશ ધાનાણીનો વીડિયો બન્યો હતો ટોક ઓફ ધી ટાઉન
થોડા દિવસ પહેલા પણ પરેશ ધાનાણીનો એક વીડિયો ખુબ વાયરલ થયો હતો.જેમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને તેમના નાનાભાઈ શરદ ધાનાણી ભાજપ ચૂંટણી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. ત્યારે ઘડીભર માટે સન્નાટો છવાઇ ગયો હતો.પરેશ ધાનાણીએ ભાજપના દિગ્ગજ નેતાઓ પાસેથી આશિર્વાદ લીધા હતા.
આ પણ વાંચો: ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ પર મતદાન પહેલા હુમલો, ગંભીર રીતે ઈજાગ્રસ્ત
આ અંગે કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ કહ્યું હતુ કે,‘ભાજપના કાર્યાલયમાં રહેતા અને દીલથી કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકરો પણ મને આશિર્વાદ આપશે.’ અમરેલી જિલ્લાના તંદુરસ્ત રાજકારણની આ અદ્ભુત તસવીરો સામે આવી છે.ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે રાજકીય દાવ પેચ ભૂલી ચાની ચુસ્કી સાથે હળવાશની પળો માણતા ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જોવા મળ્યા હતા.





