ગુજરાત વિધાનસભાની ચૂંટણી પરિણામોમાં ત્રીજા મોરચા તરીકે મેદાને ઉતરેલા આપના સૂપડા સાફ થઇ ગયા છે. આમ આદમી પાર્ટીના મોટા માથા ગણાતા ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથીરિયાને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો છે. આમ આદમી પાર્ટીએ આ વખતે આ ત્રણેય મોટા માથા પરના વિશ્વાસના આધારે ચૂંટણી લડી હતી. પરંતુ આ ત્રણેય નેતાઓ ગુજરાતની જનતા પર પોતાનો જાદુ ચલાવવામાં નિષ્ફળ રહ્યા. એવામાં ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
ગુજરાતની કતારગામ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા ચૂંટણી લડી રહ્યા હતા. ત્યારે ગોપાલ ઇટાલિયાને ભાજપના ઉમેદવાર વિનુ મોરડીયાએ હરાવી દીધો છે. જો કે ગોપાલ ઇટાલિયાને 55,639 જેટલા મત મળ્યા છે. હાર બાદ ગોપાલ ઇટાલિયાએ ફેસબુક પર પોસ્ટ શેર કરી છે. જેમાં તેને મત આપનારાઓનો આભાર વ્યક્ત કર્યો છે. તેમજ વિનુ મોરડીયાને વિજય બદલ શુભેચ્છા પાઠવી છે.

ગોપાલ ઇટાલિયાએ પોસ્ટમાં વધુમાં લખ્યું છે કે, ‘જીવનમાં પ્રથમવાર ચૂંટણી લડ્યો હતો. જેમાં હાર્યા છતાં મને ગર્વ છે કે, સત્તારૂઢ લોકો વિરૂદ્ધ પૂરી લડાઇ અને ઉર્જા સાથે લડાઇ લડી હતી. સ્વાભાવિક છે કે, આ ચૂંટણી મારા જીવનની પ્રથમ ચૂંટણી હતી, પરંતુ છેલ્લી નહીં. હું મારો સંઘર્ષ ચાલુ રાખીશ અને વધારે મહેનત કરીશ તેમજ લોકો માટે લડીશ. હું એક દિવસ અવશ્ય સફળતા મેળવીશ’.
આ ઉપરાંત ગોપાલ ઇટાલિયાએ લખ્યું છે કે, ‘હું ચૂંટણી જરૂરથી હાર્યો છું પરંતુ હિંમત નહીં. મારા તમામ મિત્રો, નેતાઓ અને યોદ્ધાઓ જેણે દિન-રાત મહેનત કરી છે તેમને હું નમન કરું છું. જય હિંદ જય ભારત’.
તમને જણાવી દઇએ કે, ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ હોવા ઉપરાંત ગુજરાતમાં આપના અગ્રણી નેતાઓ પૈકીના એક છે. તે અદભૂત વકૃત્વકળા ધરાવે છે, માટે તેમને સાંભળવા જંગી મેદની ઉમટી પડતી હતી. પરંતુ એ મેદની મતદાતામાં કન્વર્ટ થઈ નથી. એટલે ઘણી લોકપ્રિયતા દેખાતી હોવા છતાં ગોપાલ ઈટાલિયાનો જાદુ ચાલ્યો નથી, પરંતુ ઘણા મતો લેઈને તેઓ પ્રભાવ જરુર પાડી શક્યા છે.