વાઇબ્રન્ટ અને ગતિશીલ ગુજરાતને વધુ વેગવંતુ બનાવવા માટે વિધાનસભાની ચૂંટણીના ધમઘમાટ વચ્ચે ચોંકાવનારી વિગત સામે આવી છે. ધારાસભ્ય બની ગુજરાતનો વિકાસ કરવા માટે ચૂંટણી જંગના મેદાને ઉતરનાર 69 ટકા ઉમેદવારો સરકારી કચેરીમાં ક્લાર્ક બની શકે એવી પણ લાયકાત ધરાવતા નથી. 42 ઉમેદવારો અંગૂઠા છાપ એટલે કે એમને લખતા વાંચતા પણ નથી આવડતું.
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે બે તબક્કામાં યોજાનાર ચૂંટણી અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. પ્રથમ તબક્કાનું 1લી ડિસેમ્બરે અને 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થશે જે માટે 788 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો માટે 833 ઉમેદવારો મેદાને જંગમાં છે.
રાજ્યમાં બંને તબક્કાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મસ (ADR reports) દ્વારા ઉમેદવારોના અભ્યાસ, સંપત્તિ અને ગુના સહિત વિગતો પર તલસ્પર્શી અહેવાલ તૈયાર કરાયો છે. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. વર્ષ 2011 વસ્તી ગણતરી અનુસાર 79.31 ટકા સાક્ષરતા દર ધરાવતા ગુજરાતમાં ધારાસભ્ય બનવા થનગની રહેલા મૂરતિયા ભણતર મામલે શરમજનક સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે.
પ્રથમ તબક્કાની 89 બેઠક પરના 788 અને બીજા તબક્કાની 93 બેઠકો પરના 833 મળી કુલ 1621 ઉમેદવારો પૈકી 69.28 ટકા એટલે કે 1123 જેટલા ઉમેદવારો અન્ડર ગ્રેજ્યુએટ છે. જે ક્લાર્ક બનવાની પણ લાયકાત ધરાવતા નથી. ગુજરાત સરકારમાં ક્લાર્કની નોકરી લેવા માટે પણ ગ્રેજ્યુએટની લાયકાત જરૂરી છે. જ્યારે 42 ઉમેદવારોને તો લખતા વાંચતા પણ નથી આવડતું એટલે કે અંગૂઠા છાપ છે.
પ્રથમ તબક્કાના મતદાનમાં 788માંથી 37 ઉમેદવારો ‘અભણ’ છે તો 146 ઉમેદવારો ધોરણ- આઠ સુધી ભણેલા છે, જેમની સંખ્યા સૌથી વધારે છે. ધોરણ-10 સુધી ભણેલા 142 ઉમેદવાર અને ધોરણ-12 સુધી ભલેણા 94 ઉમેદવાર છે. ચૂંટણીમાં ઝંપલાવનાર 83 ઉમેદવારો સ્નાત, 65 ઉમેદવાર ગ્રેજ્યુએટ પ્રોફેશનલ, 34 ઉમેદવાર પોસ્ટ ગ્રેજ્યુઅટ, 3 ઉમેદવાર ડોક્ટર અને 21 ઉમેદવાર ડિપ્લોમા સુધી ભણેલા છે.
182 બેઠક પરના ઉમેદવારોની શૈક્ષણિક વિગત
શિક્ષણ ફેઝ-1 ફેઝ-2 કુલ ટકાવારી નિરક્ષર 37 5 42 2.59 સાક્ષર 53 32 84 5.18 ધો. 5 પાસ 110 61 171 10.55 ધો. 8 પાસ 146 116 262 16.16 ધો.10 પાસ 142 162 304 18.75 ધો.12 પાસ 94 166 260 16.04 સ્નાતક 83 117 101 6.23 વ્યાવસાયિક સ્નાતક 65 67 132 8.14 અનુસ્નાતક 34 70 104 6.42 ડોક્ટરેટ 3 10 13 0.80 ડિપ્લોમા 21 27 48 2.96 કુલ 788 833 1621 100
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના 833 ઉમેદવારોમાંથી 10 ઉમેદવારો ડોક્ટરેટની પદવી ધરાવે છે જ્યારે 5 ઉમેદવારો અભણ છે. તો 32 ઉમેદવારો એવા છે જેમને માત્ર લખતા – વાંચતા આવડે છે, ધોરણ-5 સુધી ભણેલા 61 ઉમેદવાર, 116 ઉમેદવારો ધોરણે-8 સુધી, 162 ઉમેદવારો ધોરણ- 10 સુધી અને 166 ઉમેદવારોએ ધોરણે-12 સુધીનો અભ્યાસ કરેલો છે. સ્નાતક સુધી ભણેલા ઉમેદવારોની સંખ્યા 117 અને ગ્રેજ્યુએટ પ્રોફેશનલની સંખ્યા 67 છે. તો 70 ઉમેદવારો પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી ભણેલા છે અને 27 ઉમેદવારો ડિપ્લોમાની ડિગ્રી ધરાવે છે.
બીજા તબક્કાના 93 બેઠકોના ઉમેદવારોનું વિશ્લેષ્ણ કરીયે તો વર્ષ 2017ની તુલનાએ વર્ષ 2022માં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોની સંખ્યામોં નોંધપાત્ર વધારો થયો છે. અત્રે પ્રસ્તૃત છે બીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસ અને અભ્યાસનું રસપ્રદ વિશ્લેષણ વાંચવા અહીં ક્લિક કરો
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના 833માંથી મહિલા ઉમેદવારોની સંખ્યા 69 છે, ટકાવારીની રીતે આ સંખ્યા માત્ર 8 ટકા જેટલી થાય છે, જે પ્રથમ તબક્કામાં 8.8 ટકા હતી. મહિલા ઉમેદવારોમાં સૌથી વધારે 21 મહિલા અપક્ષ ઉમેદવારો છે. રાજકીય પક્ષોની વાત કરીયે તો ભાજપે 8, આપ પાર્ટીએ 1 અને કોંગ્રેસે 7 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat elections phase 2) બીજા તબક્કામાં 93 બેઠકના 833માંથી 245 ઉમેદવારો કરોડપતિ (crorepati candidates)છે, જેમાંથી 35 ઉમેદવારો અપક્ષ છે તો ચૂંટણીમાં ઝંપલાવનાર 5 ઉમેદવારોએ તેની સંપત્તિ ‘શૂન્ય’ હોવાનું દર્શાવ્યું છે, વાંચો સંપત્તિના આધારે ઉમેદવારોનું રસપ્રદ વિશ્લેષ્ણ વાંચવા અહીં ક્લિક કરો.
ગુજરાતમાં બે દાયકા કરતાં વધુ સમયથી ભાજપનું શાસન છે. જોકે આ વખતે ભાજપ કોંગ્રેસના જંગમાં આમ આદમી પાર્ટી પણ જોડાતાં આ ચૂંટણી ભારે રસાકસીભરી બની છે.





