રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં થયેલું ઓછું મતદાન રાજકીય પક્ષોને ચિંતા કરાવનારૂ છે ત્યારે સોમવારે યોજાનાર બીજા તબક્કાની 93 બેઠકો પૈકીની 34 બેઠકો એવી છે કે જે ભાજપ કોંગ્રેસ માટે ચિંતાના પહાડ જેવી છે. આ બેઠકો પર ભાજપ કોંગ્રેસના ઉમેદવાર 10 હજાર કરતાં ઓછા માર્જીનથી જીત્યા છે. એવામાં આ વખતે આમ આદમી પાર્ટી પણ અસરકારક રીતે મેદાનમાં આવતાં ઓછા માર્જીનવાળી બેઠકો પર નવા જુની થવાની દહેશતને પગલે ભાજપ કોંગ્રેસ ચિંતિત છે.
ભાજપ કોંગ્રેસ બંને માટે આ ચૂંટણી આસાન નથી. ભલે ભાજપ ગત ચૂંટણીમાં બીજા તબક્કાની 93 બેઠકો પૈકી 51 અને કોંગ્રેસને 39 બેઠકો મળી હોય પરંતુ એમાં ત્રીજા ભાગની બેઠકો એવી છે કે જ્યાં માંડ માંડ જીત મળી હતી. 34 બેઠકો એવી છે કે જ્યાં ભાજપ કોંગ્રેસને 10 હજાર કરતાં ઓછા માર્જીનથી જીત મળી હતી. જોકે પાતળી સરસાઇ મામલે ભાજપ કોંગ્રેસ બંનેની સ્થિતિ એક સમાન છે. ભાજપ અને કોંગ્રેસ બંનેનો 17 – 17 બેઠકો પર 10 હજાર કરતાં ઓછા માર્જીનથી વિજય થયો હતો. આ બેઠકો પર ફરીથી આ વખતે જીત મેળવવી બંને પક્ષો માટે ચિંતા કરાવે એવી સ્થિતિ છે.
ભાજપે જીતેલી 10 હજાર કરતાં ઓછા માર્જીન વાળી 17 બેઠકો
ભાજપની વાત કરીએ તો ગોધરા બેઠક પર માત્ર 258 મતની સરસાઇથી જીત મળી હતી. જ્યારે ધોળકા બેઠક પર 327 મત, વિજાપુર બેઠક પર 1164 મત, હિમંતનગર બેઠક પર 1712 મત અને ઉમેરઠ બેઠક પર 1883 મતની સરસાઇ મળી હતી.
બેઠક | માર્જીન |
ગોધરા | 258 |
ધોળકા | 327 |
વિજાપુર | 1164 |
હિંમતનગર | 1712 |
ઉમરેઠ | 1883 |
ખંભાત | 2318 |
માતર | 2406 |
પ્રાંતિજ | 2551 |
ફતેહપુરા | 2711 |
ડભોઇ | 2839 |
વિસનગર | 2869 |
સંતરામપુર | 6424 |
મહેસાણા | 7136 |
સાણંદ | 7721 |
કડી | 7746 |
ચાણસ્મા | 8234 |
કાંકરેજ | 8588 |
કોંગ્રેસે જીતેલી 10 હજાર કરતાં ઓછા માર્જીન વાળી 17 બેઠકો
જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો માણસા બેઠક પર માત્ર 524 મતની સરસાઇથી જીત મળી હતી. જ્યારે દિયોદર બેઠક પર 972 મત, છોટાઉદેપુર 1093 અને મોડાસા બેઠક પર માત્ર 1640 મતની સરસાઇથી જીત મળી હતી.
બેઠક | માર્જીન |
માણસા | 524 |
દિયોદર | 972 |
છોટાઉદેપુર | 1093 |
મોડાસા | 1640 |
ધાનેરા | 2093 |
સોજીત્રા | 2388 |
જેતપુર | 3052 |
બાપુનગર | 3067 |
કરજણ | 3564 |
ગાંધીનગર ઉત્તર | 4774 |
આણંદ | 5286 |
ધંધુકા | 5920 |
વિરમગામ | 6548 |
વાવ | 6655 |
ઠાસરા | 7028 |
બાયડ | 7901 |
કલોલ | 7965 |
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઘણી બધી રીતે ચર્ચાસ્પદ છે. રાજકીય નિષ્ણાંતો આ ચૂંટણીને આગામી 2024 લોકસભા ચૂંટણી પૂર્વેની સેમી ફાઇનલ તરીકે માને છે. કોંગ્રેસ માટે મોંઘવારી, સરકાર સામેની નારાજગી સહિતના પ્રજાને સ્પર્શતા મુદાઓને લઇને પોતાનું સ્થાન મજબૂત કરવા માટેની છે. જ્યારે આમ આદમી પાર્ટી માટે આ ચૂંટણી ગુજરાતમાં મજબૂત પગપેસારો કરવાની તક સમાન છે.
આ પણ વાંચો: ઉત્તર ગુજરાતમાં મતદારો આકરા પાણીએ…
વર્ષ 2017 ની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો તો કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. જેમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો પૈકી ભાજપને 48 અને કોંગ્રેસને 38 જ્યારે 2 બેઠક બીટીપી અને એક બેઠક પર એનસીપીનો વિજય થયો હતો. જ્યારે બીજા તબક્કાની 93 બેઠકો પૈકી ભાજપને 51, કોંગ્રેસને 39 અને અપક્ષને 3 બેઠકો મળી હતી.
કોંગ્રેસ 34 હજારે અટકી ગઇ
કોંગ્રેસ ભલે વર્ષ 2017 માં બીજા તબક્કામાં 39 બેઠક જીત્યું હોય પરંતુ જીતના માર્જીનમાં કોંગ્રેસની સ્થિતિ ખાસ કંઇ સારી નથી. 17 બેઠકો તો 10 હજાર કરતાં ઓછા માર્જીનવાળી હતી. જ્યારે સૌથી વધુ જીતનું માર્જીન 34088 મતનું હતું. જ્યારે ભાજપે એ પછી વધુ માર્જીનથી 21 બેઠકો જીતી હતી અને સૌથી વધુ 1 લાખ 17 હજાર કરતાં પણ વધુ મતથી ઘાટલોડિયા બેઠક જીતી હતી.