આજે 27 એપ્રિલ ગુરૂવારના રોજ 68મો ફિલ્મફેર એવોર્ડ યોજાવા જઇ રહ્યો છે. આ ઇવેન્ટ માયાનગરી મુંબઇ ખાતે યોજાશે. ત્યારે એવા સમાચાર પ્રત્યક્ષ આવ્યાં છે કે, આ એવોર્ડ સમારોહને ભાઇજાન સલમાન ખાન હોસ્ટ કરશે. સલમાન ખાને ફિલ્મફેર એવોર્ડ પહેલા એક ફોટો શેર કર્યો છે. આ ફોટો અને તેનું કેપ્શન જોયા બાદ એ સ્પષ્ટ થઇ રહ્યું છે કે અભિનેતા ફિલ્મફેરની તૈયારી કરી રહ્યો છે.
સલમાન ખાને શેર કરેલા ફોટોમાં સુપરસ્ટારની ખૂબ જ બોલ્ડ સ્ટાઈલ જોવા મળી રહી છે. સલમાન સ્ટેજ પર બંને હાથ પેન્ટના ખિસ્સામાં રાખીને ઉભો જોવા મળે છે. તેના અદભૂત ફોટો સાથે, સલમાન ખાને કેપ્શનમાં લખ્યું કે, કોઈ નથી જાણતું કે આવતીકાલ શું છે…આ મામલામાં સાચું નથી કારણ કે કાલે ફિલ્મફેર એવોર્ડ્સ છે.બસ અચ્છે સે હો જાયે, દુઆ કરો ક્યૂંકી દુઓં મેં હૈ બડા દમ, વંદે. માતરમ. આ પોસ્ટ બાદ સલમાન ખાનના ફેન્સ તેને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. સલમાન ખાન તેની શાનદાર હોસ્ટિંગ માટે જાણીતો છે. તેને શ્રેષ્ઠ હોસ્ટ પણ કહેવામાં આવે છે.
સલમાન ખાન સાથે મનીષ પોલ અને આયુષ્માન ખુરાના પણ આ ઈવેન્ટને હોસ્ટ કરતા જોવા મળશે. આ સાંજને યાદગાર બનાવવા માટે, જ્હાનવી કપૂર, ગોવિંદા, વિકી કૌશલ અને જેકલીન ફર્નાન્ડીઝ પણ ધમાકેદાર પરફોર્મન્સ આપવાના છે.
ઉલ્લેખનીય છે કે, ખુદ ફિલ્મફેરે એક વીડિયો દ્વારા સલમાનના હોસ્ટ બનવાની વાત શેર કરી હતી. આ સિવાય વીડિયોમાં ગત વર્ષના ફિલ્મફેર પરફોર્મન્સની ઝલક જોવા મળી રહી છે.