Kiran Dembla Biography: સાઈના નેહવાલ, ફોગાટ બહેનો, ગુંજન સક્સેના અને મેરી કોમ સહિત ઘણી ભારતીય મહિલાઓ પર બાયોપિક્સ બની છે. મોટા પડદા પર આપણે આ મહિલાઓની સંઘર્ષ યાત્રા જોઈ છે. આવી મહિલાઓની યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે, જેમના જીવન પર બાયોપિકની જાહેરાત કરવામાં આવી છે. 50 વર્ષની કિરણ ડેમ્બલા એક એવી ગૃહિણી છે જે પરિણીત અને માતા હોવા છતાં કંઇક કરવા ઇચ્છતી દરેક મહિલા માટે એક ઉદાહરણ બની ગઇ છે. ચાલો જાણીએ કિરણ ડેમ્બલાની સિદ્ધિઓ વિશે, જેણે તેને વિશ્વભરમાં અલગ ઓળખ આપી છે.
કોણ છે કિરણ ડેમ્બલા?
કિરણ ડેમ્બલા બોડી બિલ્ડીંગની દુનિયામાં ઉભરતી સ્ટાર છે. 50 વર્ષની ઉંમરે પોતાની ફિટનેસ માટે પ્રખ્યાત કિરણ ડેમ્બલા બે બાળકોની માતા છે. કિરણ વ્યવસાયે સેલિબ્રિટી ફિટનેસ એક્સપર્ટ અને બોડી બિલ્ડર પણ છે. બોડી બિલ્ડિંગ જેવા પુરુષપ્રધાન ક્ષેત્રમાં કિરણ ડેમ્બલાની સિદ્ધિ પ્રશંસનીય છે. એક ગૃહિણી બનવાથી લઈને વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતનું નેતૃત્વ કરવા સુધી તેની વાર્તા મહિલાઓ માટે પ્રેરણારૂપ છે.
40 વર્ષની ઉંમરે સિક્સ-પેક એબ્સ બનાવ્યા
કિરણે સાત મહિનામાં 24 કિલો વજન ઘટાડીને બધાને ચોંકાવી દીધા હતા. આ પછી તેણે પોતાનું જિમ ખોલ્યું અને 40 વર્ષની ઉંમરે સિક્સ પેક એબ્સ બનાવ્યા હતા. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓની સાથે લોકોની નકારાત્મક વિચારસરણી પણ તેમની વિરુદ્ધ હતી. ટ્રોલિંગનો સામનો કર્યા પછી પણ કિરણ અડગ રહી અને ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
પ્રભાસ સહિત ઘણા સેલેબ્સની ટ્રેનર રહી ચુકી છે
અહીંથી તેની ગૃહિણીથી ફિટનેસ એક્સપર્ટ બનવાની સફર શરૂ થઈ હતી. બુડાપેસ્ટમાં વર્લ્ડ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશીપ 2013માં ભાગ લીધો અને છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું. તેણે સૌથી સુંદર શરીરનો ખિતાબ જીત્યો હતો. તે પ્રભાસ, એસએસ રાજામૌલી, તાપસી પન્નુ જેવા ઘણા સેલેબ્સની ફિટનેસ ટ્રેનર રહી ચૂકી છે. તેમનામાં કૌશલ્યની કોઈ કમી નથી. કિરણ શાસ્ત્રીય ગાયક, ડીજે કલાકાર, પર્વતારોહક અને પ્રશિક્ષિત ફોટોગ્રાફર પણ છે.





